છેલ્લાં કેટલાંક મહિનાથી બોલિવૂડના કેટલાંક દિગ્ગજો ટીવી શોના માધ્યમથી દર્શકોને એન્ટરટેઇન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન, સલમાન ખાન, રણવીર સિંહથી લઈ કપિલ શર્મા જેવા કલાકારો અલગ અલગ રિયાલિટી શો કે ચેટ શોમાં જોવા મળે છે. આ પોપ્યુલર ચહેરા પાછળ મેકર્સ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમના શૂટિંગથી લઈ પ્રમોશનલ એક્ટિવિટી સુધી, મેકર્સ તથા ચેનલ પાણીની જેમ પૈસા વેડફે છે. મેકર્સને આશા હોય છે કે આ સ્ટાર્સની લોકપ્રિયતાથી આકર્ષાઈને દર્શકો આવે, પરંતુ છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી TRP (ટાર્ગેટ રેટિંગ પોઇન્ટ) ડેટા જોવામાં આવે તો મેકર્સની આશા પર પાણી ફરી વળ્યું છે.
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC ઇન્ડિયા)એ છેલ્લાં 5 અઠવાડિયા (21, ઓક્ટોબર, 2021થી 18 નવેમ્બર, 2021)ના રેટિંગ પ્રમાણે, અમિતાભ બચ્ચનનો શો 'કેબીસી 13', સલમાન ખાનનો 'બિગ બોસ 15', રણવીર સિંહનો શો 'ધ બિગ પિક્ચર' તથા કપિલ શર્માનો 'ધ કપિલ શર્મા શો' ટોપ 10 લિસ્ટમાં સ્થાન મેળવી શક્યો નથી.
'બિગ બોસ 15'માં કરન કુંદ્રા, તેજસ્વી પ્રકાશ, જય ભાનુશાલી જેવા ટીવી સ્ટાર્સ હોવા છતાં દર્શકોને પસંદ આવ્યો નહીં. શોની TRP ગઈ સિઝન કરતાં પણ ઓછી રહી છે. આ જ કારણે હવે આ શો સમય કરતાં વહેલો પૂરો થશે. આ શો ટોપ 15માં પણ સામેલ નથી.
છેલ્લાં 21 વર્ષથી ક્વિઝ બેઝ્ડ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ' ઓડિયન્સને એન્ટરટેઇન કરે છે. ગઈ વખતે આ શો ટોપ 5માં આવ્યો હતો, પરંતુ આ વખતે શો ચાલ્યો નહીં.
રણવીર સિંહનું ટીવી ડેબ્યૂ જોરશોરથી પ્રમોટ કરવામાં આવ્યું હતું. ચેનલને આશા હતી કે રણવીરના ચાહકો આ શો જોશે, પરંતુ તેમ થયું નહીં. આ શો ટોપ 20માં 17મા સ્થાને હતો.
ક્રિએટિવિટીને કારણે કપિલ શર્માએ આ વર્ષની શરૂઆતમાં બ્રેક લીધો હતો. ઓગસ્ટમાં જ્યારે કપિલ પોતાની ટીમ સાથે પરત ફર્યો ત્યારે ચાહકોને આશા હતી કે કંઈક નવું જોવા મળશે. જોકે, કંઈ જ નવું આવ્યું નહીં. હવે આવતા વર્ષે આ શો ઓફ એર કરવામાં આવશે.
પ્રોડ્યૂસર જે ડી મજેઠિયાઃ ભલે ગમે તેટલાં બિગ સ્ટાર્સ કેમ ટીવી પર ના આવે, પરંતુ દર્શકોને કંઈક નવું મળશે તો જ તે આવશે. 'બિગ બોસ'માં હવે નવું કંઈ જ રહ્યું નથી. છેલ્લાં ઘણાં વર્ષોથી તેમાં ઝઘડાઓ જ જોવા મળે છે. અમિતજી સુપરસ્ટાર છે, પરંતુ 'કેબીસી'માં નવું શું? રણવીર સિંહ પણ સુપરસ્ટાર છે, પરંતુ શોનું ફોર્મેટ બિલકુલ યોગ્ય નહોતું. શો સ્ટાર વેલ્યૂને કારણે નહીં, પરંતુ કન્ટેન્ટને કારણે ચાલે છે. ડાન્સ ટેલેન્ટમાં દર વખતે નવું જોવા મળે છે અને તેથી જ આ પ્રકારના શો હિટ હોય છે. એક સમય હતો કે કપિલના શોનું રેટિંગ 2 પ્લસ રહેતું પરંતુ હવે તે ઘટી ગયું છે. તે શોમાં પાંચવાર અક્ષય કુમાર આવ્યો, દરેક સ્ટાર આવી ગયા અને કંઈ જ ફ્રેશનેસ નથી. ઓડિયન્સ આ શો જોવા માટે પોતાનો સમય કેમ બરબાદ કરે.
'અનુપમા'એ ડંકો વગાડ્યો
13 જુલાઈ, 2020ના રોજ રૂપાલી ગાંગુલી-સુધાંશુ પાંડેનો શો 'અનુપમા' શરૂ થયો હતો. આ શો જ્યારથી શરૂ થયો ત્યારથી દર્શકોમાં લોકપ્રિય છે. આ શો ઘણાં મહિના સુધી નંબર વન પર રહ્યો છે. છેલ્લાં આઠ અઠવાડિયાથી આ શો નંબર વન પર છે.
લૉકડાઉન દરમિયાન દૂરદર્શન ચેનલ પર રામાનંદ સાગરની સિરિયલ 'રામાયણ' ફરીથી ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ શો ચાહકોમાં ઘણો જ લોકપ્રિય રહ્યો હતો. પ્રસાર ભારતીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર શશિ શેખરે કહ્યું હતું કે 'રામાયણ'ને બીજીવાર પ્રસારિત કરતાં હિંદી GEC (જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ) શો હેઠળ 2015 બાદથી આ શોએ અત્યાર સુધી સૌથી વધુ રેટિંગ મેળવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.