સેલેબ લાઇફ:'રામાયણ' ફૅમ અરૂણ ગોવિલે બ્લેક મર્સિડિઝ ખરીદી, યુઝર્સે કહ્યું- હે પ્રભુ, આ તો કળિયુગનું પુષ્પક છે

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

રામાનંદ સાગરની સિરિયલ 'રામાયણ'માં રામનું પાત્ર ભજવીને દર્શકોમાં લોકપ્રિય થનાર અરૂણ ગોવિલ આજે પણ ચાહકોમાં લોકપ્રિય છે. અરૂણ ગોવિલ સો.મીડિયામાં એક્ટિવ છે. હાલમાં જ અરૂણ ગોવિલે નવી કાર ખરીદી હતી. તેમણે આ અંગે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી અને ચાહકો રસપ્રદ કમેન્ટ્સ કરી હતી.

શું છે વીડિયોમાં?
વીડિયોની શરૂઆતમાં અરૂણ ગોવિલ પત્ની શ્રીલેખા સાથે કારનું કવર હટાવે છે. ત્યારબાદ તેઓ કારની ચાવી લે છે અને કારની પૂજા કરે છે. અરૂણ ગોવિલે સો.મીડિયામાં આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'પ્રભુ કૃપાથી પરિવારમાં નવા વાહનનું આગમન થયું છે. તમારા તમામની શુભેચ્છાની આશા છે.'

યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી
અરૂણ ગોવિલની આ પોસ્ટ પર યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી. ઘણાં યુઝર્સે જય શ્રીરામ લખ્યું હતું. એક યુઝરે કહ્યું હતું કે હે પ્રભુ, દશરથનંદન તમને ઘણી જ શુભેચ્છા. અન્ય એકે કહ્યું હતું કે આ તો કળિયુગનું પુષ્પક છે. અન્ય એકે કારને આધુનિક રથ સાથે સરખાવી હતી.

40 લાખની કાર હોવાની શક્યતા
અરૂણ ગોવિલે મર્સિડિઝ બેન્ઝ CLA 200 ખરીદી છે. આ કારની કિંમત 40 લાખ રૂપિયાની આસપાસ છે.

ગયા વર્ષે ભાજપમાં જોડાયા હતા
ગયા વર્ષે પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ, કેરળ તથા પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં અરૂણ ગોવિલ ભાજપમાં જોડાયા હતા. તેઓ બોલિવૂડ ફિલ્મ 'ઓહ માય ગોડ 2'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમણે શ્રીરામનો રોલ ભજવ્યો છે.

મેરઠમાં જન્મ
અરૂણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી, 1958માં મેરઠ, ઉત્તર પ્રદેશમાં થયો છે. જ્યારે તેઓ મેરઠ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ત્યારે કેટલાંક નાટકોમાં કામ કર્યું હતું. ટીનએજ લાઈફ સહારનપુરમાં વીતી હતી. અરૂણના પિતા ઈચ્છતા હતા કે તે સરકારી નોકરી કરે, પરંતુ તેઓ કંઈક અલગ જ કરવા માગતા હતા. મુંબઈમાં બિઝનેસ શરૂ કરવાના ઈરાદેથી આવેલા અરૂણે અહીં આવીને એક્ટિંગમાં જવાનું નક્કી કર્યું હતું.

પત્ની સાથે અરૂણ ગોવિલ.
પત્ની સાથે અરૂણ ગોવિલ.

અરૂણનો પરિવાર
અરૂણ પિતાના આઠ સંતાનો (6 પુત્રો, બે દીકરીઓ)માં ચોથા નંબર પર આવે છે. અરૂણની પત્નીનું નામ શ્રીલેખા છે. તેમને બે સંતાનો છે, એક દીકરો અમલ તથા દીકરી સોનિકા.

મોટા પડદે પહેલો બ્રેક
અરૂણને લોકપ્રિયતા ભલે 'રામાયણ'માં કામ કર્યા બાદ મળી હોય, પરંતુ 1977માં તારાચંદ બરજાત્યાની ફિલ્મ 'પહેલી'માં ફર્સ્ટ બ્રેક મળ્યો હતો. ત્યારબાદ 'સાવન કો આને દો', 'સાંચ કો આંચ નહીં', 'ઈતની સી બાત', 'હિમ્મતવાલા', 'દિલવાલા', 'હથકડી' તથા 'લવકુશ' જેવી બોલિવૂડ ફિલ્મમાં મહત્ત્વનો રોલ પ્લે કર્યો છે.

'વિક્રમ ઔર બેતાલ'ના એક સીનમાં અરૂણ ગોવિલ.
'વિક્રમ ઔર બેતાલ'ના એક સીનમાં અરૂણ ગોવિલ.

વિક્રમાદિત્યના પાત્રને કારણે રામનો રોલ મળ્યો
રામાનંદ સાગરે અરૂણ ગોવિલને સૌ પહેલાં સિરિયલ 'વિક્રમ ઔર બેતાલ'માં રાજા વિક્રમાદિત્યનો રોલ આપ્યો હતો. આ સિરિયલ સફળ રહી હતી. ત્યારબાદ 1987માં 'રામાયણ'માં ભગવાન શ્રીરામનો રોલ ભજવ્યો હતો. આ રોલ એટલો લોકપ્રિય થયો કે આજે પણ ચાહકો તેમને શ્રીરામ કહીને જ બોલાવે છે. આ સિરિયલ ઉપરાંત અરૂણે 'લવ કુશ', 'કૈસે કહું', 'બુદ્ધા', 'અપરાજિતા', 'વો હુએ ન હમારે' તથા 'પ્યાર કી કશ્તી' જેવી લોકપ્રિય સિરિયલમાં કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...