અલવિદા રાજુ શ્રીવાસ્તવ:કોમેડિયનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. આવતીકાલે સવારે 9.30 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

નવી દિલ્હી11 દિવસ પહેલા

આજે એટલે કે 21 સપ્ટેમ્બરના રોજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે નવી દિલ્હીની AIIMS હોસ્પટિલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ 10 ઓગસ્ટથી વેન્ટિલેટર પર હતા. આ 42 દિવસમાં તેમની તબિયતમાં ઉતાર-ચઢાવ આવ્યો હતો. ડૉક્ટરે એકવાર તેમને બ્રેન ડેડ પણ જાહેર કર્યા હતા. જોકે, પછીથી તેમની તબિયત સુધારા પર હતી. અલબત્ત, રાજુને બ્રેનમાં ઓક્સિજન પહોંચતો નહોતો અને તેથી જ તેઓ બેભાન હતા. રાજુના મલ્ટિપલ ઓર્ગન ફેઇલ્યોર થયા હતા. રાજુના અવસાનના સમાચાર આવતા જ બોલિવૂડ-ટીવી ઇન્ડસ્ટ્રી તથા રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. સો.મીડિયા યુઝર્સે પણ રાજુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજુના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે સાડા નવ વાગે નવી દિલ્હીમાં જ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજુ શ્રીવાસ્તવના અવસાન પર શોક પ્રગટ કરીને કહ્યું હતું કે પરિવાર પ્રત્યે તેમની સાંત્વના છે. સમાજવાદી પાર્ટીની ચીફ અખિલેશ યાદવે પણ શોક પ્રગટ કર્યો હતો. તેમણે કહ્યું હતું, 'આજે આપણે તેમને ગુમાવી દીધા. તેમનામાં દરેકને પોતાની ભાષાથી કમ્યુનિકેટ કરવાની ટેલન્ટ હતી.'

નવી ટેકનિકથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું
AIIMSના હેડ ઑફ ફોરેન્સિક્સ ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવ છેલ્લા ઘણાં દિવસોથી હોસ્પિટલમાં એડમિટ હતા. આ જ કારણે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ નવી ટેકનીક વર્ચ્યુઅલ ઓટોપ્સીથી કરવામાં આવ્યું હતું. આ ટેકનિકથી 15-20 મિનિટમાં પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું અને પછી પાર્થિવદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

રાજુ શ્રીવાસ્તવનું પાર્થિવ શરીર દશરથપુરી લાવવામાં આવશે. અંતિમ સંસ્કાર 22 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના દ્વારકામાં થશે. દશરપુરીના મેટ્રો સ્ટેશનની પાસે જ રાજુના ભાઈનું ઘર છે. રાજુનો બીજો ભાઈ કાજુ તથા બહેન કાનપુરથી દિલ્હી આવવાના છે.

કાનપુર સ્થિત ઘરની બહાર લોકોની ભીડ ઉમટી હતી.
કાનપુર સ્થિત ઘરની બહાર લોકોની ભીડ ઉમટી હતી.

ગળામાં કાણું પાડવામાં આવ્યું હતું.
રાજુ શ્રીવાસ્તવને મોંની જગ્યાએ ગળામાં કાણું પાડીને નળીથી ઓક્સિજન આપવામાં આવતો હતો. નોંધનીય છે કે રાજુને હાર્ટ સંબંધિત બીમારી હતી. 10 વર્ષમાં ત્રણવાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. બે વાર મુંબઈમાં, જેમાં પહેલી વાર કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તથા બીજીવાર લીલાવતી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. ત્યારબાદ હાર્ટ અટેક આવ્યો તે દિવસે એટલે કે 10 ઓગસ્ટે AIIMSમાં ત્રીજીવાર એન્જિયોપ્લાસ્ટી થઈ હતી.

કાનપુરમાં જન્મ
રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. રાજુએ 1988માં ફિલ્મ 'તેઝાબ'માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ 'મૈંને પ્યાર કિયા', 'બાઝીગર', 'બોમ્બે ટુ ગોવા'માં નાના-મોટા રોલ પ્લે કર્યો હતો.

ભાજપ સાથે જોડાયેલા હતા
રાજુએ 1994માં ટીવી શો 'ટી ટાઇમ મનોરંજન'માં કામ કર્યું હતું. રાજુને ખરી ઓળખ 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ'થી મળી હતી. રાજુ પછી 'ગજોધર'થી લોકપ્રિય થયો હતો. રાજુ છેલ્લે 2017માં ફિલ્મ 'ફિરંગી'માં જોવા મળ્યો હતો. ટીવીની વાત કરીએ તો તેણે છેલ્લે 2014માં 'ગેંગ્સ ઑફ હસીપુર' શોને હોસ્ટ કર્યો હતો. 2014માં રાજુએ કાનપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું હતું. જોકે 11 માર્ચ, 2014ના રોજ રાજુએ ટિકિટ પરત કરી દીધી હતી. ત્યાર બાદ 19 માર્ચ, 2014ના રોજ ભાજપમાં જોડાયા હતા. રાજુ ઉત્તરપ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન હતાં. રાજુએ 1993માં લખનઉની શિખા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાન અંતરા તથા આયુષ્માન છે.

અન્ય સમાચારો પણ છે...