'તારક મહેતા' હવે હોસ્ટ બન્યા:શૈલેષ લોઢાએ સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહીને નવા શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું, આ રહી તસવીરો

મુંબઈ3 મહિનો પહેલા
  • શૈલેષ લોઢાનો નવો શો જૂન મહિનામાં શરૂ થશે, ટૂંક સમયમાં જ પ્રોમો આવશે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાનો રોલ પ્લે કરનારા શૈલેષ લોઢાએ આ સિરિયલ છોડી દીધી હોવાની ચર્ચા છે. તેમણે છેલ્લા એક મહિનાથી સિરિયલનું શૂટિંગ કર્યું નથી. જોકે હવે તેમના અંગે નવી જ વાત સામે આવી છે. શૈલેષ લોઢા મુંબઈમાં નવા શોનું છેલ્લા એક અઠવાડિયાથી શૂટિંગ કરે છે.

સેટ પર જોવા મળ્યા
વેબ પોર્ટલ 'ઇન્ડિયા ટીવી'ના અહેવાલ પ્રમાણે, શૈલેષ લોઢા શેમારુ ટીવી પર જૂન મહિનામાં શરૂ થનારા શોને હોસ્ટ કરશે. આ શો પોએટ્રી બેઝ પર આધારિત છે. આ શોમાં ઊભરતા કવિઓને પોતાની પ્રતિભા માટે પ્લેટફોર્મ આપવામાં આવશે. તે છેલ્લા એક અઠવાડિયાથી આ શોનું શૂટિંગ કરે છે. ટૂંક સમયમાં જ આ શોનો પ્રોમો લૉન્ચ કરવામાં આવશે.

શૈલેષ લોઢાની સેટ પરની તસવીરો

અન્ય સારી તકો ગુમાવવા તૈયાર નથી
શૈલેષ લોઢાને આ સિરિયલને કારણે અન્ય તકો જતી કરવી પડે છે. ભૂતકાળમાં શૈલેષે સારી સારી ઑફર્સ જતી કરી હતી. જોકે હવે તે સારી તકો ગુમાવવા માગતા નથી. સૂત્રોએ દાવો કર્યો હતો કે શૈલેષ લોઢા મેકર્સ પર નારાજ પણ છે. તેમને એ વાતનો ગુસ્સો છે કે મેકર્સ આ શો માટે તેમની ડેટ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી. શૈલેષ લોઢા છેલ્લાં 14 વર્ષથી આ સિરિયલ સાથે જોડાયેલા છે.

અસિત મોદીએ આ અંગે શું કહ્યું?
અસિત મોદીએ કહ્યું હતું, 'મારા તમામ એક્ટર્સ 10 વર્ષથી વધુ સમયથી આ શોમાં કામ કરી રહ્યા છે. મને ના તો ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે અને ના તો મને આ વાતની કોઈ જાણકારી છે કે શૈલેષ લોઢા સિરિયલ છોડવા માગે છે. જો કોઈ મુશ્કેલી હશે તો હું ચોક્કસથી આ અંગે વાત કરીશ. હાલમાં હું એ વાત પર ફોકસ કરી રહ્યો છું કે ઓડિયન્સને વધુ કેવી રીતે એન્ટરટેઇન કરી શકાય.'

સિરિયલની ટીમને કોઈ જાણકારી નથી
શૈલેષે મીડિયા સાથે કોઈ વાત કરી નથી. જોકે સૂત્રોએ દાવો કર્યો છે કે સિરિયલમાં શૈલેષનો કોઈ ટ્રેક ના હોવાથી તેમણે શૂટિંગ કર્યું નથી. ટીમને ખ્યાલ નથી કે તેઓ શો છોડવા અંગે વિચારે છે. કેટલાક મુદ્દા છે, પરંતુ પ્રોડ્યુસર આ અંગે વાત કરી રહ્યા છે. પ્રોડ્યુસર પ્રયાસ કરે છે કે શૈલેષ માની જાય. તમે જ્યારે શોમાં 10 વર્ષથી વધુ સમય કામ કરો તો મતભેદ થઈ જાય છે. દરેક વ્યક્તિને ડેલી વર્કમાં પ્રોબ્લેમ્સ હોય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે એનો ઉકેલ ના આવી શકે.

સિરિયલ છોડવાની ચર્ચા વચ્ચે શૈલેષ લોઢાની પોસ્ટ વાઇરલ
સિરિયલ છોડવાની ચર્ચા વચ્ચે શૈલેષ લોઢાએ પોતાની સાઇડ પ્રોફાઇલની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. તસવીરમાં તેમના ચહેરા પર કોઈ સ્માઇલ જોવા મળતી નથી. તેમણે તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હબીબ સોજ સાહેબનો શેર કમાલનો છે. યહાં મજબૂત સે મજબૂત લોહા તૂટ જાતા હૈ, કઈ ઝૂઠે ઈકઠ્ઠે હોં, તો સચ્ચા તૂટ જાતા હૈ.'

અસિત મોદીએ પહેલી જ મુલાકાતમાં શો ઑફર કર્યો હતો
શૈલેષ લોઢાએ કોમેડી સર્કસ'માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. ત્યાર બાદ 'તારક મહેતા..'માં કામ કરવાની શરૂઆત કરી હતી. તે 2008થી સિરિયલ સાથે જોડાયા છે. 2011માં 'કોમેડી કા મહા મુકાબલા'માં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા. 'બહુત ખૂબ' તથા 'વાહ ક્યા બાત હૈ' જેવા શો હોસ્ટ કર્યા હતા. શૈલેષ લોઢા મૂળ કવિ, કોમેડિયન તથા રાઇટર છે. એક પ્રોગ્રામમાં લાઇવ પર્ફોર્મન્સમાં અસિત મોદી હાજર હતા. શૈલેષ લોઢાનું પર્ફોર્મન્સ જોયા બાદ અસિત મોદીએ તરત જ તારક મહેતાનો રોલ ઑફર કર્યો હતો.