'રાવણ'ની વિદાય:અરવિંદ ત્રિવેદીના અંતિમસંસ્કારમાં 'સીતા'-'લક્ષ્મણ' આવ્યાં, 'રામ' હાજર ના રહ્યા, PM મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

મુંબઈ2 મહિનો પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
  • અરવિંદ ત્રિવેદીના અંતિમસંસ્કાર મુંબઈમાં આજે સવારે કરવામાં આવ્યા હતા

ટીવીના સૌથી લોકપ્રિય શો 'રામાયણ'માં લંકેશનો રોલ ભજવનાર એક્ટર અરવિંદ ત્રિવેદીનું 5 ઓક્ટોબરની મોડી રાત્રે હાર્ટ-અટેકને કારણે અવસાન થયું હતું. 83 વર્ષીય અરવિંદ ત્રિવેદીના અવસાનના સમાચારને ભત્રીજા કૌસ્તુભે કન્ફર્મ કર્યા હતા. અરવિંદ ત્રિવેદીના નિધન બાદ 'રામાયણ'માં તેમની સાથે કામ કરી ચૂકેલા અરુણ ગોવિલ (રામ), દીપિકા ચીખલિયા (સીતા), સુનીલ લહરી (લક્ષ્મણ)એ સો. મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. વડાપ્રધાન મોદીએ ઘનશ્યામ નાયક તથા અરવિંદ ત્રિવેદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

અંતિમસંસ્કારમાં કોણ કોણ આવ્યું?
અરવિંદ ત્રિવેદીના અંતિમસંસ્કારમાં દીપિકા ચીખલિયા, સુનીલ લહરી, સમીર રાજડા સહિતનાં સેલેબ્સ જોવા મળ્યાં હતાં. તેમના અંતિમસંસ્કાર કાંદિવલી સ્થિત સ્મશાન દહાણુકર વાડીમાં કરવામાં આવ્યા હતા.

શું કહ્યું મોદીએ?
અરવિંદ ત્રિવેદી અંગે મોદીએ કહ્યું હતું, 'આપણે અરવિંદ ત્રિવેદીને ગુમાવી દીધા. તેઓ માત્ર અસામાન્ય એક્ટર જ નહોતા, પરંતુ જનસેવા માટે તેમનામાં જૂનુન હતું. 'રામાયણ' ટીવી સિરિયલને કારણે તેમને ભારતની આગામી પેઢી યાદ કરશે. અભિનેતાના પરિવાર તથા ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.'

મોદીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, થોડા દિવસની અંદર આપણે બે ટેલન્ટેડ એક્ટરને ગુમાવી દીધા. એમાંથી એક છે ઘનશ્યામભાઈ નાયક. વિવિધ રોલને અને ખાસ કરીને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને કારણે તેઓ હંમેશા યાદ રહેશે. તેઓ ઘણા જ દયાળું તથા નમ્ર હતા.'

સુનીલ લહરીએ બે ફોટા શૅર કરીને કહ્યું હતું, 'ઘણા જ દુઃખદ સમાચાર છે કે આપણા પ્રેમાળ અરવિંદભાઈ ('રામાયણ'ના રાવણ) હવે આપણી વચ્ચે નથી. ભગવાન તેમના આત્મને શાંતિ આપે. મારી પાસે શબ્દો નથી. મારા પિતા સમાન, મારા માર્ગદર્શક, શુભચિંતક તથા જેન્ટલમેનને ગુમાવી દીધા.'

ભગવાન રામ પાસે ગયા- અરુણ ગોવિલ
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અરુણ ગોવિલે કહ્યું હતું, 'સ્ક્રીનની વાત અલગ છે, પરંતુ અંગત જીવનમાં તેમની સાથે સારા સંબંધો હતા. સારા મિત્ર હતા. મને જોઈને હંમેશાં હાથ જોડીને પ્રભુ કહીને બોલાવતા હતા. તેમણે ક્યારેય મારું નામ લીધું નથી. હંમેશાં પ્રભુ જ કહેતા અને હું તેમને અરવિંદભાઈ કહેતો. 10-12 દિવસ પહેલાં જ વાત થઈ હતી અને તેમની તબિયત સારી નહોતી. અંતિમસંસ્કારમાં જઈ ના શક્યો, કારણ કે આજે હું થોડો મોડો ઊઠ્યો હતો. સવારે મેસેજ જોયો ત્યારે ઘરે ફોન કર્યો હતા. ત્યારે તેમને અંતિમસંસ્કાર થઈ ગયા હતા. સવારે 7 વાગે તેમને સ્મશાનમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના પરિવારને મળીશ. મને વિશ્વાસ છે કે તેઓ ભગવાન રામજી પાસે ગયા છે. રામજીએ તેમને પોતાનું સાંનિધ્ય આપી દીધું હશે. તેઓ ઘણા જ પોઝિટિવ હતા. તેઓ શિવભક્ત હતા.'

સિરિયલ 'રામાયણ'ના બિહાઇન્ડ ધ સીનમાં અરુણ ગોવિલ-અરવિંદ ત્રિવેદી (ફાઇલ તસવીર)
સિરિયલ 'રામાયણ'ના બિહાઇન્ડ ધ સીનમાં અરુણ ગોવિલ-અરવિંદ ત્રિવેદી (ફાઇલ તસવીર)

શિવ ભજન રિંગ ટોનમાં હતું- દીપિકા ચીખિલયા
અરવિંદ ત્રિવેદીના અંતિમસંસ્કારમાં માંડ ગણતરીના લોકો ગયા હતા, જેમાં દીપિકા ચીખલિયા પણ હતી. દીપિકાએ કહ્યું હતું, 'અરવિંદજી સાથે મારી પહેલી મુલાકાત ઉમરગાવ સ્ટુડિયોમાં થઈ હતી. તેઓ બહુ જ કેઝ્યુઅલ લાગ્યા હતા. મને કોઈએ કહ્યું હતું કે આ લંકેશ છે. મને લાગ્યું કે આ કેવી રીતે લંકેશ હોઈ શકે, તેમના માથે વાળ તથા મૂંછો તો છે નહીં. પર્સનાલિટી પણ કંઈ એવી નથી. જોકે બે દિવસ બાદ જ્યારે લંકેશના ગેટઅપમાં આવ્યા ત્યારે તેઓ કમાલના લાગતા હતા.'

વધુમાં દીપિકાએ કહ્યું હતું, 'એ સમયે સેટ પર ગરમી બહુ રહેતી હતી. અમે બધા મુગટ કાઢી નાખતા હતા, પરંતુ તેઓ વજનદાર મુગટ ક્યારેય કાઢતા નહીં. તેઓ લાંબા લાંબા સંવાદો સહજતાથી યાદ રાખતા. શિવ સ્ત્રોત તેમને કંઠસ્થ હતું. રોજ સવારે પૂજા કરતી વખતે શિવ સ્ત્રોત બોલતા હતા. એટલા મોટા શિવભક્ત હતા કે મોબાઇલની રિંગ ટોનમાં પણ શિવ ભજન હતું, 'ઐસી સુબહ ના આયે, આયે ના ઐસી શામ, જિસ દિન જુબાન પે મેરી આયે ના શિવ કા નામ.'

સિરિયલ 'રામાયણ'ના સીનમાં દીપિકા ચીખલિયા-અરવિંદ ત્રિવેદી (ફાઇલ તસવીર).
સિરિયલ 'રામાયણ'ના સીનમાં દીપિકા ચીખલિયા-અરવિંદ ત્રિવેદી (ફાઇલ તસવીર).

દીપિકાએ આગળ વાત કરતાં કહ્યું હતું, 'મને યાદ છે કે હું અરવિંદજીની મોટી દીકરીના લગ્નમાં ગઈ હતી. લગ્નમાં મોરારિબાપુ પણ આવ્યા હતા. અહીં હું પહેલી જ વાર મોરારિબાપુને મળી હતી. એકવાર અમે કમર્શિયલ શો માટે અમેરિકા ગયાં હતાં. અરવિંદજી તેમની પત્ની સાથે આવ્યા હતા. અહીં દીકરીના લગ્નનાં કપડાં ખરીદ્યાં હતાં. અમે લોકો ગાડીમાં જતાં હતાં. ગાડીના ઉપરના સ્ટેન્ડમાં સામાન હતો અને બેગની ચેન ખૂલી ગઈ હતી. તમામ કપડાં નીચે પડીને ગુમ થઈ ગયાં હતાં. તેમનાં પત્ની ઘણાં જ અપસેડ થઈ ગયાં હતાં અને રડવા લાગ્યાં હતાં. એ સમયે અરવિંદજી પણ અપસેટ થયા હતા. જોકે એ સમયે તેમણે જે રીતે પત્નીને સમજાવી એ ખરેખર કમાલનું હતું. તેમની વચ્ચે ઘણું જ સારું અન્ડરસ્ટેન્ડિંગ હતું.