નટુકાકાની યાદો:'હમ દિલ દે ચૂકે સનમ'ના સેટ પર ઐશ્વર્યા રાય ઘનશ્યામ નાયકને ગુરુ માનીને લાગતી હતી પગે

મુંબઈ13 દિવસ પહેલા
  • નાયક પરિવાર ત્રણ પેઢીથી રંગભૂમિ સાથે જોડાયેલો હતો

77 વર્ષની ઉંમરમાં ઘનશ્યામ નાયકનું 3 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. નાયક પરિવાર ત્રણ પેઢીથી રંગભૂમિ સાથે જોડાયેલો હતો. સ્વ. કેશવલાલ નાયક અને સ્વ. પ્રભાકર નાયકનું ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. તેમના વારસાને ઘનશ્યામ નાયક આગળ વધાર્યો હતો. જોકે, ઘનશ્યામ નાયકના સંતાનો રંગભૂમિ સાથે જોડાયેલા નથી. ઘનશ્યામ નાયકને 'તારક મહેતા..'થી આગવી ઓળખ મળી હતી. જોકે, આ સિરિયલથી ઓળખ ભલે મળી હોય, પરંતુ તેઓ ઘણાં જ સીનિયર કલાકાર હતા. તેમણે ચાઇલ્ડ એક્ટરથી કરિયરની શરૂઆત કરી હતી. આટલું જ નહીં તેમણે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યાને ડાન્સ શીખવ્યો હતો.

1960થી કરિયરની શરૂઆત કરી
ઘનશ્યામ નાયક એટલે કે 'નટુ કાકા' એ 1960 માં આવેલી ફિલ્મ 'માસૂમ'થી બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી, તે સતત અભિનયમાં સક્રિય રહ્યાં હતાં. લગભગ 60 વર્ષની કારકિર્દીમાં ઘનશ્યામ નાયકે હિન્દી ફિલ્મો અને ટીવીથી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. નટુકાકાએ લગભગ 200 ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. બોલિવૂડમાં, તે 'બરસાત', 'ઘાતક', 'ચાઇના ગેટ', 'હમ દિલ દે ચુકે સનમ', 'તેરા જાદુ ચલ ગયા', 'લજ્જા', 'તેરે નામ', 'ચોરી ચોરી' અને 'ખાકી જૈસા' જેવી ફિલ્મમાં જોવા મળ્યા હતા.

ઐશ્વર્યાને ભવાઈ શીખવી હતી
'હમ દિલ દે ચૂકે સનમ'માં ઘનશ્યામ નાયકે પણ હતા. સંજય લીલા ભણશાલીની આ ફિલ્મમાં ઘનશ્યામ નાયકે ઐશઅવર્યા રાયને ભવાઈ શીખવી હતી. સેટ પર જ્યારે ઐશ્વર્યા રાય આવતી ત્યારે તે ઘનશ્યામ નાયકને પગે લાગતી અને પછી જ ભવાઈ શીખતી હતી. ઐશ્વર્યા ઘનશ્યામ નાયકને પોતાના ગુરુ માનતી હતી.