ગ્લેમર વર્લ્ડના સંબંધોની કાળી બાજુ:નિશા રાવલ જ નહીં, ટીવીની આ 11 એક્ટ્રેસિસ પણ બની હતી પતિની હિંસાનો શિકાર, અંતે થયા હતા ડિવોર્સ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શ્વેતા તિવારીથી લઈ રૂચા ગુજરાતી સહિતની એક્ટ્રેસિસે પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો

સેલિબ્રિટીનું જીવન બહારથી દેખાય છે, તેટલું સરળ હોતું નથી. તેમની પર્ફેક્ટ લવસ્ટોરી, ભવ્ય લગ્ન આપણને એ માનવા મજબૂર કરે છે કે સેલેબ્સ તેમના જીવનમાં ઘણાં જ ખુશ છે. જોકે, ચળકતું એટલું સોનું નહીં એ કહેવત સેલેબના જીવન પર પણ એટલી જ લાગુ પડે છે. હાલમાં જ નિશા રાવલે પતિ કરન મેહરા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. 2012માં લગ્ન કર્યાં તે પહેલાં છ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતાં હતાં. કેસ બાદ કરન મેહરાએ ચોખવટ કરતાં કહ્યું હતું કે તેણે નિશાને માર માર્યો નહોતો, પરંતુ નિશાએ જાતે જ દીવાલ સાથે માથું અથડાવ્યું હતું. જોકે, નિશા રાવલ પહેલી એક્ટ્રેસ નથી, જેણે પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હોય. આ પહેલાં પણ ઘણી એક્ટ્રેસિસે પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ કર્યો છે.

વાહબિઝ-વિવિયન ડીસેના

એક્ટ્રેસ વાહબિઝ દોરાબજી તથા વિવિયન ડીસેનાના ડિવોર્સ ચર્ચામાં રહ્યાં હતાં. વાહબિઝે પતિ વિવિયન પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. આ જ કારણે બંનેના ડિવોર્સમાં થવામાં મોડું થયું હતું. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે 2016માં બંને અલગ થયા હતા. બંને 'પ્યાર કી એક કહાની'ના સેટ પર એકબીજાને મળ્યા હતા. વાહબિઝે પતિ પાસેથી અલિમનીની રકમ પણ માગી હતી. જોકે, સો.મીડિયા યુઝર્સે વાહબિઝના આ પગલાંનો વિરોધ કર્યો હતો કે તે કમાય છે અને તેનો પરિવાર પણ સદ્ધર છે. જોકે, વાહબિઝે એમ કહ્યું હતું કે અલિમની માગવી દરેક પરિણીત મહિલાનો હક છે અને તે પોતાનો હક લઈને જ રહેશે.

મંદાના કરીમી-ગૌરવ ગુપ્તા

પૂર્વ 'બિગ બોસ' સ્પર્ધક મંદાનાએ બોયફ્રેન્ડ ગૌરવ ગુપ્તા સાથે જાન્યુઆરી, 2017માં લગ્ન કર્યાં હતાં. મંદાના 2012માં મોડલિંગ તથા એક્ટિંગ ફિલ્ડમાં કરિયર બનાવવા માટે ઈરાનથી ભારત આવી હતી. આ દરમિયાન તે કોમન ફ્રેન્ડની મદદથી ગૌરવ ગુપ્તાને મળી હતી. થોડો સમય ડેટિંગ કર્યા બાદ 2016માં જુલાઈમાં બંનેએ સગાઈ કરી હતી. જાન્યુઆરી, 2017માં બંનેએ લગ્ન કર્યાં હતાં. જોકે, લગ્ન બાદ મંદાનાએ આક્ષેપ કર્યો હતો કે ગૌરવે તેને લગ્ન બાદ કરિયર છોડી દેવા માટે દબાણ કર્યું હતું. આટલું જ નહીં તેને ઘરમાં આવવા દેવામાં આવતી નહોતી. મંદાનાએ આક્ષેપ કર્યો હતો કે તેની સાસુએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. જ્યારે તે સમાધાન માટે ગઈ ત્યારે તેના સાસુ-સસરાએ તેને ઘરમાં આવવા દીધી નહીં. આટલું જ નહીં મંદાનાનો આક્ષેપ હતો કે તેનું અપમાન કરવામાં આવ્યું હતું અને ઘરમાં તે જ્યાં સુધી રહી ત્યાં સુધી તે તેના મિત્રોને મળી શકતી નહોતી.

દલજીત કૌર-શાલીન ભનોત

'નચ બલિયે 4' વિનર કપલ દલજીત તથા શાલિનના ડિવોર્સ થઈ ચૂક્યા છે. દલજીતે 2009માં લગ્ન કર્યાં હતાં. 2015માં દલજીતે પતિ શાલીન પર ડોમેસ્ટિક વાયોલન્સનો આક્ષેપ કર્યો હતો. લગ્નના છ વર્ષ બાદ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. દલજીતે ડોમેસ્ટિક વાયોલન્સ તથા દહેજનો કેસ કર્યો હતો. તેણે આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસની મદદ લીધી હતી અને પછી હત્યાના પ્રયાસનો પણ કેસ કર્યો હતો. દલજીતે પતિ પર આક્ષેપ કર્યો હતો કે તેણે એ હદે માર માર્યો હતો કે તેણે માથામાં ટાંકા લેવા પડ્યાં હતાં. હાલમાં દલજીત દીકરા જયદન સાથે અલગ રહે છે.

વૈષ્ણવી ધનરાજ-નીતિન સાહરવત​​​​​​​

'CID' ફૅમ ટીવી એક્ટ્રેસ વૈષ્ણવી ધનરાજે 'કૂબૂલ હૈ' ફૅમ નિતીન સાથે 2012માં લગ્ન કર્યાં હતાં. 2015માં વૈષ્ણવીએ પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ફાઈલ કરીને ડિવોર્સ માગ્યા હતા. વૈષ્ણવીએ કહ્યું હતું કે તેણે લગ્ન બચાવવાના શક્ય તેટલા પ્રયાસો કર્યા હતા, પરંતુ તે બચાવી શકી નહીં. અંતે, તેણે આ પગલું ભરવું પડ્યું હતું. ડિવોર્સ લેવાનું મુખ્ય કારણ ઘરેલું હિંસા હતું. વૈષ્ણવીએ આક્ષેપ કર્યો હતો કે એકવાર તેના પતિએ તેને એટલો માર માર્યો હતો કે તેના પગમાંથી લોહી નીકળતું હતું અને જો તે સમયસર ઘરમાંથી ભાગી ના ગઈ હોય તો તેનો પતિ તેને મારી નાખત. 2016માં બંનેના ડિવોર્સ થયા હતા.

દીપશીખા નાગપાલ-કેશવ

દીપશીખા નાગપાલે બીજીવાર મોડલ કેશવ અરોરા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, આ લગ્નજીવનમાં પણ પ્રોબ્લેમ્સ થયા હતા. દીપશીખાએ 2016માં ડિવોર્સ કેસ ફાઈલ કર્યો હતો. દીપશીખાએ કેસ કરીને આગળની કાર્યવાહી કરી નહોતી. તે સમયે તેને એવું હતું કે તે પતિ સાથે સમાધાન કરી લેશે અને લગ્નજીવન બચાવી લેશે. જોકે, પછી કેશવે તેને માર માર્યો હતો અને ત્યારબાદ દીપશીખાએ પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયલોન્સનો કેસ કર્યો હતો. બંનેએ 2019માં ડિવોર્સ લીધા હતા.

શ્વેતા તિવારી-રાજા ચૌધરી​​​​​​​

જાણીતી ટીવી એક્ટ્રેસ શ્વેતાએ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. 2019થી બંને અલગ રહી રહ્યાં છે. શ્વેતાએ પતિ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. શ્વેતા તથા અભિનવ દીકરા રેયાંશની કસ્ટડી માટે કોર્ટમાં લડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે 19 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીએ 1998માં એક્ટર રાજા ચૌધરી સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નનાં થોડાં વર્ષ પછી શ્વેતાએ રાજા પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ મૂક્યો હતો. લગ્નનાં 9 વર્ષ પછી શ્વેતાએ 2007માં ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો. કેસ લાંબો ખેંચાયા પછી 10 ઓક્ટોબર 2012માં બંનેએ છૂટાછેડા લીધાં હતાં.

રૂચા ગુજરાતી-મિતુલ સંઘવી

ટીવી એક્ટ્રેસ રૂચાએ બિઝનેસમેન મિતુલ સંઘવી સાથે 24 ઓક્ટોબર, 2010માં લગ્ન કર્યાં હતાં. રૂચાનો આક્ષેપ હતો કે લગ્ન બાદ જ તેના જીવનમાં સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. તેનો પતિ માતા-પિતા કહે એટલું જ કરતો હતો. આટલું જ નહીં તેના સાસરીયા તેને ફિઝિકલ તથા મેન્ટલી હેરાન કરતાં હતાં. રૂચાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હનીમૂન દરમિયાન તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તેના પતિ મિતુલે હનીમૂનમાં તેનો ખર્ચ ઉઠાવવાની ના પાડી દીધી હતી. હનીમૂનમાંથી પરત આવ્યા બાદ પણ તેને સતત હેરાન કરવામાં આવી હતી. અંતે ત્રાસીને તેણે પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ફાઈલ કર્યો હતો અને પછી ડિવોર્સ લીધા હતા. 2016માં રૂચાએ બોયફ્રેન્ડ વિશાલ સાથે લગ્ન કર્યાં હતાં. ગયા વર્ષે રૂચા દીકરીની માતા બની હતી.

રશ્મિ દેસાઈ-નંદીશ સંધુ​​​​​​​

ટીવી સિરિયલ 'ઉતરન'ના સેટ પર રશ્મિ તથા નંદીશ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંનેએ ફેબ્રુઆરી, 2012માં લગ્ન કર્યાં હતાં. જોકે, લગ્નના થોડાં મહિના બાદ જ રશ્મિ તથા નંદીશ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં રશ્મિએ કહ્યું હતું કે તેણે સુખી લગ્નજીવનની કામના સાથે નંદીશ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, નંદીશે બધું જ ખરાબ કરી નાખ્યું હતું. નંદીશે તેને માર પણ મારતો હતો. જોકે, રશ્મિએ પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ નહોતો કર્યો, પરંતુ ડિવોર્સ બાદ પતિની હિંસા અંગે વાત કરી હતી. બંનેના ડિવોર્સ 2016માં થયા હતા.

ડિમ્પી ગાંગુલી-રાહુલ મહાજન

2010માં ડિમ્પીએ ટીવી રિયાલિટી શો 'રાહુલ દુલ્હનિયા લે જાયેંગા'માં રાહુલ મહાજન સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડાં જ મહિના બાદ ડિમ્પી વહેલી સવારે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. તેના બંને હાથમાં મારા માર્યાના નિશાનો હતા. જ્યારે તેના ગાલ પર સોજા હતા અને માથા પર ઢીમચું થઈ ગયું હતું. ડિમ્પીએ પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. ડિમ્પીએ એમ પણ કહ્યું હતું કે એકવાર ઝઘડા દરમિયાન રાહુલે તેના માથે બંદૂક મૂકી દીધી હતી. કેસ થયા બાદ રાહુલે ડિમ્પીની માફી માગી લીધી હતી. અંતે, 2015માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. ડિમ્પીએ દુબઈ સ્થિત બિઝનેસમેન રોહિત રોય સાથે લગ્ન કર્યાં છે. બંનેને એક દીકરી તથા એક દીકરો છે. રાહુલે રશિયન મોડલ નતાલિયા સાથે 2018માં લગ્ન કર્યાં હતાં.

પ્રિટી તલરેજા-અભિજીત પેટકર​​​​​​​

​​​​​​​ટીવી સિરિયલ 'કૃષ્ણાદાસી' ફૅમ એક્ટ્રેસ પ્રિટીએ આ વર્ષની શરૂઆતમાં પતિ અભિજીત પેટકર વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. પ્રિટીએ ત્રણ વર્ષ પહેલાં જીમ ઓનર અભિજીત પેટકર સાથે લગ્ન કર્યાં હતાં. તેનો પતિ મુસ્લિમ છે અને બંનેએ મસ્જિદમાં નિકાહ કર્યાં હતાં જોકે, મસ્જિદમાંથી નિકાહ અંગે કોઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતું અને અભિજીત હવે પ્રિટીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરીને મારઝૂડ કરતો હતો. હાલમાં બંને અલગ રહે છે. ​

પ્રત્યુષા બેનર્જી​​​​​​​

2016, પહેલી એપ્રિલના રોજ ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીએ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પ્રત્યુષાના મોત બાદ તેના બોયફ્રેન્ડ રાહુલને જવાબદાર ઠેરાવવામાં આવ્યો હતો અને તેના પેરેન્ટ્સે રાહુલ પર કેસ પણ કર્યો હતો. પ્રત્યુષાના રાહુલ પહેલાં મકરંદ મલ્હોત્રા સાથે સંબંધો હતા. પ્રત્યુષાએ મકરંદ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું કહ્યું હતું. ​​​​​​​