કો-સ્ટાર્સ સાથે અણબનાવ:માત્ર જેઠાલાલ-ટપુ વચ્ચે જ નહીં, લોકપ્રિય ટીવી શોના આ કો-સ્ટાર્સ વચ્ચે પણ હતો 36નો આંકડો

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીવીની આ લોકપ્રિય જોડીને રિયલ લાઈફમાં બિલકુલ નથી બનતું
  • સેટ પર અવાર-નવાર ઝઘડો કરતા હતા

લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલ એટલે કે દિલીપ જોષી તથા ટપુ (રાજ અનડકટ) વચ્ચે અણબનાવ બન્યો હોવાની ચર્ચા છે. રાજ અનડકટ સેટ પર અવારનવાર મોડો આવતો હતો અને સીનિયર એક્ટરને રાહ જોવડાવતો હતો. દિલીપ જોષીએ એક કલાક સુધી રાજની રાહ જોવી પડી હતી અને ત્યારબાદ તેમણે સેટ પર જ રાજને ખખડાવી નાખ્યો હતો. આટલું જ નહીં દિલીપ જોષીએ સો.મીડિયામાંથી રાજને અનફોલો કરી દીધો છે. આવું પહેલી વાર નથી કે જ્યારે ઓનસ્ક્રીન ભલે સારા સંબંધો હોય પરંતુ રિયલ લાઈફમાં સ્ટાર્સ વચ્ચે 36નો આંકડો જોવા મળે છે.

રશ્મિ દેસાઈ-સિદ્ધાર્થ શુક્લા

'દિલ સે દિલ તક'માં પતિ-પત્નીના રોલમાં જોવા મળેલા સિદ્ધાર્થ તથા રશ્મિને એકબીજાને સાથે બિલકુલ બનતું નહોતું. શો દરમિયાન બંને અનેકવાર ઝઘડી ચૂક્યા હતા. જોકે, બંનેએ આ વાતની અસર પોતાના રોલમાં પડવા દીધી નહોતી. 'બિગ બોસ 13'માં પણ રશ્મિ તથા સિદ્ધાર્થ એકબીજા સાથે સતત ઝઘડતા જોવા મળ્યા હતા.

નાયરા બેનર્જી-સુચેતા ખન્ના

'એક્સક્યૂઝમી મેડમ'માં સુચેતા ખન્ના, રાજેશ કુમાર તથા નાયરા બેનર્જીએ લીડ રોલ પ્લે કર્યો હતો. રીલ લાઈફની જેમ જ રિયલ લાઈફમાં નાયરા તથા સુચેતા એકબીજા સાથે વાત કરવાનું પસંદ કરતાં નહોતા. શોટ કે રીડિંગ પૂરું થઈ જાય એટલે બંને પોત-પોતાની વેનિટી વેનમાં જતા રહેતા હતા. ઘણીવાર બંને સાથે સીન આપવા પણ તૈયાર થતાં નહોતાં.

દિવ્યાંકા ત્રિપાઠી-કરણ પટેલ

'યે હૈ મોહબ્બતે'માં દિવ્યાંકા ત્રિપાઠી તથા કરણ પટેલે લીડ રોલ પ્લે કર્યો હતો. જોકે, દિવ્યાંકાને કરણ પટેલ સહેજ પણ ગમતો નહોતો. શરૂઆતમાં આ બંને વચ્ચે ઘણાં જ ઝઘડા થતા હતા. જોકે, પછીથી કરણે પોતાનો સ્વભાવ સુધાર્યો હતો અને તે સેટ પર ટાઈમસર આવવા લાગ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચેના સંબંધો સુમેળભર્યા બન્યા હતા.

હિના ખાન-કરન મેહતા​​​​​​​

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં હિના ખાને અક્ષરા તથા કરન મેહતાએ નૈતિકનું પાત્ર ભજવ્યું હતું. જોકે, સેટ પર બંને એકબીજા સાથે વાત પણ કરતા નહોતા. ચર્ચા તો એવી પણ હતી કે કરન મેહતાએ તબિયતને કારણે નહીં, પરંતુ હિના ખાનને કારણે શો છોડ્યો હતો.

રજત ટોકસ-પરિધી શર્મા

એકતા કપૂરના પ્રોડક્શનમાં બનેલી 'જોધા અકબર' સિરિયલામં રજત તથા પરિધીની જોડી ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. જોકે, ઓફસ્ક્રીન આ બંને વચ્ચે સહેજ પણ બનતું નહોતું. સૂત્રોના મતે, સીનિયર હોવાને નાતે રજત એક્ટ્રેસ પરિધી સાથે બહુ બોલતો નહીં.

નીતિ ટેલર-પાર્થ સમથાન​​​​​​​

'કૈસી યે યારિયાં'ની બંને સિઝનમાં ઓન સ્ક્રીન પાર્થ તથા નીતિની રોમેન્ટિક કેમિસ્ટ્રી ચાહકોને પસંદ આવી હતી. જોકે, જેવો કેમેરો બંધ થાય એટલે નીતિ તથા પાર્થ પણ એકબીજાની સામે જોયા વગર પોતાની વેનમાં જતા રહેતા હતા. ઘણીવાર બંને સેટ પર ઝઘડા પણ કરતાં હતાં. પાર્થે ઝઘડાથી કંટાળીને આ શો છોડી દીધો હતો.

વિવિયન ડેસેના-દૃ​​​​​​​ષ્ટિ ધામી

'મધુબાલાઃ એક ઈશ્ક એક જુનૂન'ની રોમેન્ટિક જોડી વિવિયન તથા દૃષ્ટિ પોતાના ઝઘડાને કારણે સેટ પર સૌની નજરમાં પ્રખ્યાત હતા. ચેનલ દૃષ્ટિ ધામીને વધુ મહત્ત્વ આપતી હતી. આ વાતથી વિવિયન હંમેશાં ગુસ્સામાં રહેતો હતો.