મદદ:નેહા કક્કર ઉત્તરાખંડ પૂરમાં લાપતા થયેલા શ્રમિકના પરિવારની મદદ માટે આગળ આવી, 3 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી

મુંબઈ2 વર્ષ પહેલા

નેહા કક્કર ચમોલી (ઉત્તરાખંડ)માં આવેલા પૂરને કારણે ગુમ થયેલા મજૂરના પરિવારને 3 લાખ રૂપિયાની મદદ કરશે. નેહા કક્કરે રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 12'ના સેટ પર આ અંગેની જાહેરાત કરી હતી. શોના અપકમિંગ એપિસોડમાં ઉત્તરાખંડમાંથી આવનારા સ્પર્ધક પવનદીપ રાજને એક મજૂર લાપતા થયો હોવાની વાત કરી હતી.

સ્પેશિયલ એપિસોડ 'ઈન્ડિયા કી ફરમાઈશ' શૂટ થયો
અપકમિંગ વીકેન્ડમાં કોમેડિયન ભારતી સિંહ તથા હર્ષ લિમ્બાચિયા સ્પેશિયલ એપિસોડ 'ઈન્ડિયા કી ફરમાઈશ'ને હોસ્ટ કરતાં જોવા મળશે. આ એપિસોડમાં સ્પર્ધકો ચાહકોની પસંદના ગીતો ગાશે. પર્ફોર્મન્સ પહેલાં પવનદીપ પોતાના પિતા સુરેશ રાજને કમ્પોઝ કરવામાં આવેલું ગીત 'મલવા મેં કા કરું તલાશ' ગાવાની ઈચ્છા પ્રગટ કરે છે. તે કહે છે કે ચમોલીમાં ગ્લેશિયર તૂટવાને કારણે પૂર આવ્યું હતું અને તેમાં ઘણાં મજૂરો લાપતા થયા છે. આ ગીતથી તે પરિવારને સાંત્વના આપવા માગે છે.

નેહા કક્કર આ ગીત સાંભળ્યા બાદ ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી
નેહા કક્કર આ ગીત સાંભળ્યા બાદ ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી

નેહા કક્કરે સ્પર્ધકના વખાણ કર્યા
શોમાં પવનદીપે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને અસરગ્રસ્ત પરિવારને મદદ કરવાની અપીલ કરી હતી. પવનદીપના પર્ફોર્મન્સ પછી નેહા કક્કરે કહ્યું હતું, 'તમે કમાલના સિંગર છો. આ વાત બધાને ખબર છે, પરંતુ તમે સારા વ્યક્તિ પણ છો. તમે લાપતા મજૂરોના પરિવારને મદદ કરો છો અને બીજાને પણ મદદ માટે આગ્રહ કરો છો. હું પણ આ મિશનમાં સામેલ થવા માગું છું. હું લાપતા મજૂરોના પરિવારની મદદ માટે 3 લાખ રૂપિયા આપવા માગીશ. હું તમામને મદદ કરવાની અપીલ કરું છું.'

પહેલાં પણ નેહાએ મદદ કરી છે
થોડાં દિવસ પહેલાં નેહાએ દિગ્ગજ ગીતકાર સંતોષ આનંદને પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી હતી. 81 વર્ષીય આનંદના એકના એક દીકરા સંકલ્પે સાત વર્ષ પહેલાં આત્મહત્યા કરી હતી. સંતોષ આનંદ હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે.

ત્રણ વર્ષ પહેલાં નેહાએ 'ઈન્ડિયન આઈડલ'માં ઓડિશન આપવા આવનાર જયપુરના શહઝાદ અલીને 1 લાખ રૂપિયા આપ્યા હતા.

સોનુ સૂદે મૃત ઈલેક્ટ્રિશિયનની ચાર દીકરીઓને દત્તક લીધી
45 વર્ષીય આલમ સિંહ વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજના સાથે જોડાયેલી ઋત્વિક કંપનીમાં ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા. જળ પ્રલયના દિવસે આલમ સિંહ પરિયોજનાની ટનલની અંદર રહીને કામ કરતા હતા. આઠ દિવસ બાદ કાટમાળમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારમાં એકમાત્ર કમાનારી વ્યક્તિનું અકાળે મોત થતાં પત્ની પર ચાર દીકરીનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી ગઈ છે, સૌથી મોટી દીકરી આંચલ 14 વર્ષની છે, જ્યારે અંતરા 11ની, કાજલ 8ની તથા અનન્યા માત્ર 2 વર્ષની છે. પતિના મોત બાદ પત્નીને સતત ચાર બાળકોનાં ભવિષ્યની ચિંતા કોરી ખાતી હતી. આવા સમયે સોનુ સૂદ દેવદૂત બનીને આ પરિવારની મદદે આવ્યો હતો.

સોનુ સૂદ આ ચાર દીકરીઓનો અભ્યાસથી લઈ લગ્ન સુધીનો ખર્ચ ઊઠાવશે
સોનુ સૂદ આ ચાર દીકરીઓનો અભ્યાસથી લઈ લગ્ન સુધીનો ખર્ચ ઊઠાવશે

સૂત્રોના મતે, એક્ટર સોનુ સૂદે દિવંગત આલમ સિંહનાં ચાર બાળકોને દત્તક લઈને તેમના અભ્યાસ તથા લગ્ન સુધીની તમામ જવાબદારી લેવાનું આશ્વાસન આપ્યું છે. મુંબઈસ્થિત એક્ટરની ટીમે ચાર બાળકોને દત્તક લેવાની વાતની પુષ્ટિ કરી હતી. જોકે પરિવારે આ અંગે કંઈ જ કહ્યું નથી. પરિવારની સ્થિતિ જોઈને કેટલીક સામાજિક સંસ્થાઓએ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...