ડ્રગ્સ કેસમાં 12 કલાક પૂછપરછ કર્યા બાદ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ અરમાન કોહલીની ધરપકડ કરી છે. શનિવાર, 28 ઓગસ્ટના રોજ સાંજે NCBએ અરમાન કોહલીના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેના ઘરમાંથી ડ્રગ્સ મળ્યું હતું. અરમાન કોહલીને કોર્ટે એક દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે.
NCBના જણાવ્યા પ્રમાણે ડ્રગ પેડલરની પૂછપરછ દરમિયાન અરમાન કોહલીનું નામ આવ્યું હતું. હવે બંનેની સામ-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. આટલું જ નહીં બોલિવૂડના અન્ય કેટલા લોકો સામેલ છે, તે પણ તપાસ કરવામાં આવશે. NCB કોર્ટમાં અરમાનના વધુમાં વધુ રિમાન્ડ મળે તે પ્રયાસ કરશે. અરમાનની ધરપકડ બાદ અન્ય કેટલાંક લોકોની ધરપકડ થાય તેવી શક્યતા છે.
28 ઓગસ્ટના રોજ NCBએ હાજી અલીની પાસે દરોડા પાડ્યા હતા. અહીંથી ડ્રગ પેડલર અજય રાજુ સિંહને પકડ્યો હતો અને તેની પાસેથી 25 ગ્રામ MD (એક જાતનું ડ્રગ) મળી આવ્યું હતું. કહેવાય છે કે તે હિસ્ટ્રીશીટર છે. 2018માં પણ NNC મુંબઈ કેસમાં તે સામેલ હતો. તે સમયે તેની પાસેથી મોટી માત્રામાં એફેડ્રિન (એક જાતનું ડ્રગ્સ) મળી આવ્યું હતું.
NCBએ અજયની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી અને પછી અરમાન કોહલીના ઘરે દરોડા પાડ્યા હતા. પૂછપરછ બાદ અરમાનની ધરપકડ કરવામાં આવી હતી.
અરમાન કોહલીની ધરપકડ NDPC એક્ટની કલમ 21(a), 27(a), 28, 29, 30, અને 35 હેઠળ કરવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે આ કેસના તાર વિદેશ સાથે જોડાયેલા છે. જે કોકેન મળી આવ્યું છે, તે સાઉથ અમેરિકાનું હોવાનું માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 2018માં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પોતાના ઘરે વ્હિસ્કીની 41 બોટલ રાખવાના આરોપસર અરમાન કોહલીની ધરપકડ પણ કરી હતી. ફિલ્મમેકર રાજકુમાર કોહલીનો દીકરો એવો અરમાન કોહલી ફ્લોપ એક્ટર હોવા છતાં બોલિવૂડનો જાણીતો ચહેરો છે અને એણે ‘પ્રેમ રતન ધન પાયો’, ‘જાની દુશ્મન’ જેવી 17થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અરમાન કોહલી ‘બિગ બોસ 7’માં ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.