'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનો રોલ પ્લે કરનાર દિલીપ જોષી અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 'આજતક'ના અહેવાલ પ્રમાણે, દિલીપ જોષીના નામે નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો. આ ફોનમાં કહેવામાં આવ્યું હતું કે એક્ટરના ઘરની બહાર 25 માણસો બંદૂક ને હથિયાર લઈને ઊભા છે.
દિલીપ જોષી જ નહીં આ સેલેબ્સના નામે પણ ફોન આવ્યો હતો
પહેલી ફેબ્રુઆરીના રોજ નાગપુર કંટ્રોલ રૂમમાં એક અજાણી વ્યક્તિએ 'કટકે' નામથી ફોન કર્યો હતો. આ વ્યક્તિએ કહ્યું હતું કે 'તારક મહેતા..'માં કામ કરનાર દિલીપ જોષીના ઘરની બહાર શિવાજી પાર્કમાં 25 લોકો બંદૂક ને હથિયાર લઈને ઊભા છે. આ સાથે જ મુકેશ અંબાણી, ધર્મેન્દ્ર તથા અમિતાભ બચ્ચનના ઘરને બોમ્બથી ઉડાડવાની ધમકી આ ફોનમાં આપવામાં આવી હતી. આ વ્યક્તિએ એમ પણ કહ્યું હતું કે તેમાંથી કેટલાક લોકો વાતો કરતા હતા કે આ 25 લોકો મુંબઈમાં આ ઘટનાક્રમને અંજામ આપવા માટે શહેરમાં પ્રવેશી ચૂક્યા છે.
નાગપુર પોલીસે મુંબઈ પોલીસને અલર્ટ કરી
નાગપુર પોલીસે આ ફોન અંગેની માહિતી મુંબઈ પોલીસને આપી હતી અને શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનને અલર્ટ કર્યું હતું. મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશને આ અંગેની તપાસ શરૂ કરી છે.
કોણ હતો ફોન કરનાર વ્યક્તિ?
તપાસમાં એ વાત સામે આવી કે નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાંથી જે નંબર પરથી ફોન આવ્યો તે નંબર દિલ્હીની એક સિમ કાર્ડ કંપનીમાં કામ કરતા યુવકનો હતો. તે યુવકનો નંબર તેની જાણ બહાર હેક કરીને એક વિશેષ એપની મદદથી ઉપયોગ કરીને ફોન કરવામાં આવ્યો હતો. પોલીસ હવે તે ફોન કરનાર અસલી વ્યક્તિને શોધી રહી છે.
અંબાણી પરિવારને સુરક્ષા આપવામાં આવી
આ ફોન બાદ સુપ્રીમ કોર્ટે મુકેશ અંબાણી તથા તેમના પરિવારના તમામ સભ્યોને ભારત તથા વિદેશમાં Z+ની સિક્યોરિટી આપી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ સિક્યોરિટીનો ખર્ચો અંબાણી પરિવાર ભોગવશે.
ટીવી-ફિલ્મમાં કામ કર્યું છે
26 મે 1968ના રોજ પોરબંદરમાં જન્મેલા દિલીપ જોષીની દીકરીએ 2021માં લગ્ન કર્યાં હતાં. તેમને દીકરો રિત્વક છે. દિલીપ જોષી 'મૈંને પ્યાર કિયા'(1989),' હમ આપકે હૈ કૌન'(1998),' ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની '(2000) ,'હમરાઝ'(2002) અને 'ફિરાક'(2002) જેવી લગભગ 10 ફિલ્મ્સમાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત ટીવી સિરિયલ ગલતનામા (1994), 'દાલ મેં કાલા'(1998), 'હમ સબ એક હૈ'(1998-2001), 'હમ સબ બારાતી' (2004), 'FIR' (2008)માં કામ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.