તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મા અંબાના આશીર્વાદ ફળ્યા:'તારક મહેતા..'માં બબીતા પરત, સેટ પર મુનમુન દત્તાનું વર્તન જોઈને કલાકારોને નવાઈ લાગી

મુંબઈએક મહિનો પહેલા
  • મુનમુન દત્તા છેલ્લાં બે મહિનાથી સિરિયલમાં જોવા મળી નહોતી.

ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા છેલ્લાં બે મહિનાથી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળતી નહોતી. આથી જ એવી ચર્ચા થવા લાગી હતી કે એક્ટ્રેસે શો છોડી દીધો છે. નોંધનીય છે કે મુનમુન દત્તા સિરિયલમાં બબીતાનો રોલ પ્લે કર્યો છે. બબીતાએ થોડાં મહિના પહેલાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો અને આ જ કારણથી તે સિરિયલમાં આવતી નહોતી. ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તાએ 15 દિવસ પહેલાં જ અંબાજીમાં ભાઈ-ભાભી તથા ભત્રીજી સાથે મા અંબાના દર્શન કર્યા હતાં. અંબાજીમાં દર્શન કર્યા બાદ જ મુનમુન દત્તા તથા અસિત મોદી વચ્ચે ફોન પર વાત થઈ હતી. આ વાતચીતના અંતે મુનમુને ફરી શૂટિંગ શરૂ કર્યું છે.

શૂટિંગ શરૂ કરી દીધું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુનમુન દત્તાએ 'તારક મહેતા'નું શૂટિંગ 2-3 દિવસથી શરૂ કરી દીધું છે. સિરિયલમાં બબીતાની એન્ટ્રીનો એપિસોડ આ અઠવાડિયે ટેલિકાસ્ટ કરવામાં આવશે. સિરિયલનો આગામી ટ્રેક કોરોનાની વેક્સિન પર છે, જેમાં બબિતા કોરોનાકાળમાં કેવી રીતે વેક્સિન લગાવે છે, તે વાત બતાવવામાં આવશે.

ફોન પર વાતનો ઉકેલ આવ્યો
સૂત્રોના મતે, જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યા બાદ મુનમુન દત્તાએ સો.મીડિયામાં માફી માગતી પોસ્ટ શૅર કરી હતી. જોકે, અસિત મોદી ઈચ્છતા હતા કે મુનમુન દત્તા વીડિયો શૅર કરીને માફી માગે. અલબત્ત, મુનમુન આ માટે તૈયાર નહોતી. અંતે ફોન પર મુનમુન તથા પ્રોડ્યૂસર અસિત મોદીએ વાતચીતથી આ મુદ્દાનો ઉકેલ કાઢ્યો હતો. બંને જૂની વાતો ભૂલીને આગળ વધી ગયા છે.

સેટ પર બબીતાનું વર્તન બદલાઈ ગયું
કહેવાય છે કે જ્યારથી મુનમુન દત્તા સેટ પર પાછી આવી છે, ત્યારથી તેનું વર્તન બદલાઈ ગયું છે. હવે તે સેટ પર તમામ કલાકારો તથા ક્રૂ સાથે પ્રેમથી વાત કરે છે. મુનમુન સેટ પર ભાગ્યે જ કોઈની સાથે વાત કરતી હતી. જોકે, હવે તેનું વર્તન જોઈને ટીમના કલાકારો તથા ક્રૂ મેમ્બર્સ પણ નવાઈમાં મૂકાઈ ગયા છે.

15 દિવસ પહેલાં જ મુનમુન દત્તા અમદાવાદ આવી હતી
નોંધનીય છે કે મુનમુન દત્તા 15 દિવસ પહેલાં જ ભાઈ-ભાભી તથા ભત્રીજી સાથે અમદાવાદ આવી હતી. અહીંયા તે ફેમિલી ફ્રેન્ડ ડૉ. પંકજ નાગરના ત્યાં રોકાઈ હતી. બીજા દિવસે મુનમુન દત્તા પરિવાર સાથે અંબાજી પણ ગઈ હતી. માતાના દર્શન કર્યા બાદ એક્ટ્રેસે ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.

અંબાજીમાં મુનમુન દત્તા...

વિવાદ શું હતો?
મુનમુન દત્તાએ થોડાં મહિના પહેલાં પોતાના એક વીડિયોમાં જાતિગત શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો અંગે અનેક લોકોએ વિરોધ પ્રગટ કર્યો હતો. મુનમુન દત્તાને પોતાની ભૂલ ધ્યાનમાં આવતાં તેણે આ વીડિયો સો.મીડિયામાંથી ડિલિટ કરી નાખ્યો હતો અને યુટ્યૂબમાં એડિટ કરી નાખ્યો હતો. જોકે, વિરોધ શાંત ના થતાં મુનમુને સો.મીડિયામાં હિંદી તથા અંગ્રેજીમાં માફી માગતું નિવેદન જાહેર કર્યું હતું.

માફી માગીને શું કહ્યું?
મુનમુને કહ્યું હતું, 'આ એક વીડિયોના સંદર્ભમાં છે. આ વીડિયો મેં ગઈકાલે પોસ્ટ કર્યો હતો. અહીં મારા દ્વારા ઉપયોગમાં લેવાયેલા એક શબ્દનો ખોટો અર્થ કરવામાં આવ્યો છે. આ અપમાન ધમકી કે કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદા સાથે કહેવામાં આવ્યો નથી. મારી ભાષાની નાસમજને કારણે મને શબ્દના સાચા અર્થની ખોટી માહિતી હતી. જ્યારે મને સાચો અર્થ કહેવામાં આવ્યો ત્યારે મેં એ ભાગ એડિટ કરી દીધો છે.'

વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'હું દરેક જાતિ, પંથ અને દરેક વ્યક્તિને ઘણું જ સન્માન આપું છે. સમાજ કે રાષ્ટ્રમાં તેમના અપાર યોગદાનને સ્વીકારું છું. મારા શબ્દના ઉપયોગને કારણે અજાણતા જેમની લાગણી દુભાઈ છે તે તમામની હું ઈમાનદારીથી માફી માગું છું. મને એના માટે અફસોસ છે.'