લીગલ એક્શન:'અ સુટેબલ બોય'નો કિસિંગ સીન મંદિરમાં શૂટ થયો હોવાના આરોપ હેઠળ નેટફ્લિક્સના અધિકારીઓ વિરુદ્ધ મધ્યપ્રદેશમાં FIR ફાઈલ થઇ

એક વર્ષ પહેલા

નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી 'અ સુટેબલ બોય' સિરીઝ કાયદાકીય મુશ્કેલીમાં છે. મંદિરમાં કિસિંગ સીન શૂટ કરવાને લઈને મધ્ય પ્રદેશમાં ધાર્મિક ભાવનાએ હર્ટ કરવાના આરોપ હેઠળ નેટફ્લિક્સના અધિકારી વિરુદ્ધ FIR ફાઈલ થઈ છે. મધ્ય પ્રદેશના હોમ મિનિસ્ટર નરોત્તમ મિશ્રાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, IPCની કલમ 295 (A) 9ધાર્મિક ભાવનાને જાણીજોઈને હર્ટ કરવી) હેઠળ રેવામાં નેટફ્લિક્સના અધિકારી મોનિકા શેરગિલ અને અંબિકા ખુરાના વિરુદ્ધ FIR ફાઈલ કરવામાં આવી છે.

મોનિકા શેરગિલ નેટફ્લિક્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ છે અને અંબિકા ખુરાના પબ્લિક પોલિસીના ડિરેક્ટર છે. નરોત્તમ મિશ્રાએ ટ્વીટ કરી જણાવ્યું કે, 'નેટફ્લિક્સ પર રિલીઝ વેબ સિરીઝ “A Suitable Boy”ના આપત્તિજનક દ્રશ્યોથી ધર્મ વિશેષની ભાવનાને ઠેસ પહોંચાડવા બાબતે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. તેમાં લાગણી દુભાવવાના આરોપ સાચા ઠર્યા છે. ગૌરવ તિવારી નામના વ્યક્તિએ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તપાસ બાદ FIR ફાઈલ થઇ છે.'

તેમણે જણાવ્યું કે, મંદિરની અંદર કિસિંગ સીન શૂટ કરવામાં આવ્યો હતો જેમાં બેકગ્રાઉન્ડમાં ભજન ગવાઈ રહ્યા હતા. આ વાંધાજનક છે. આનાથી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. પોલીસને આ બાબતે તપાસ કરી સિરીઝના પ્રોડ્યુસર અને ડિરેક્ટર્સ વિરુદ્ધ પગલાં લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

'અ સુટેબલ બોય'
ઈશાન ખટ્ટર, તાન્યા મણિકતાલા અને તબુ સ્ટારર 'અ સુટેબલ બોય' પ્રસિદ્ધ રાઇટર વિક્રમ શેઠની નોવેલ 'અ સુટેબલ બોય' પર આધારિત છે. 'સલામ બોમ્બે' અને 'ધ નેમસેક' ફેમ ઇન્ટરનેશનલ ફિલ્મમેકર મીરા નાયર આ સિરીઝના ડિરેક્ટર છે. આ શોની સ્ટારકાસ્ટમાં રામ કપૂર, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, નમિત દાસ, માહિરા કક્ક્ડ, ગગન દેવ, રણદીપ હૂડા, રણવીર શોરે વગેરે સામેલ છે. આ સિરીઝ લુકઆઉટ પોઇન્ટના બેનર હેઠળ પ્રોડ્યુસ થઇ છે.