ટીવી એક્ટ્રેસની હાલત ગંભીર:'મેરે સાઇ' ફૅમ અનાયા સોનીની બીજીવાર કિડની ખરાબ થઈ, પરિવાર પાસે સારવારના પૈસા નથી

મુંબઈ2 મહિનો પહેલા

લોકપ્રિય ટીવી સિરિયલ 'મેરે સાઇ'માં મહત્ત્વનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ અનાયા સોનીની તબિયત ગંભીર છે. અનાયા સોની સિરિયલના સેટ પર શૂટિંગ કરતી હતી અને અચાનક બેભાન થઈ ગઈ હતી. અનાયાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

અનાયા સોનીના પિતાએ કહ્યું હતું કે ડૉક્ટર્સના મતે અનાયાની એક કિડની ખરાબ થઈ ગઈ છે. અનાયાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડશે. તેમની પાસે સારવારના પૈસા નથી. તેમને ચિંતા છે કે દીકરીની કિડની રિપ્લેસમેન્ટ તથા ડાયલિસિસના પૈસા ક્યાંથી આવશે.

અનાયાએ સો.મીડિયામાં શું પોસ્ટ કરી?
અનાયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'ડૉક્ટર્સ કહે છે કે મારી કિડની ફેલ થઈ ગઈ છે અને મારે ડાયલિસિસ કરાવવું પડશે. મારું ક્રિએટિનાઇન 15.67 છે અને હિમોગ્લોબિન 6.7 છે. સ્થિતિ ઘણી જ ગંભીર છે. સોમવારના રોજ હું અંધેરી ઇસ્ટ સ્થિત હોલી સ્પિરિટમાં એડમિટ થઈશે. મારા માટે પ્રાર્થના કરજો. જીવન સરળ નથી, પરંતુ હું જીવનને સરળ બનાવવાનો પ્રયાસ કરું છું. મને ખ્યાલ હતો કે આ સમય આવશે, પરંતુ આ પણ પસાર થઈ જશે. ટૂંક સમયમાં મારી કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે. ડાયલિસિસ પછી હું કિડની માટે અપ્લાય કરીશ.'

પિતાએ એક કિડની ડોનેટ કરી હતી
અનાયા ભૂતકાળમાં પણ બીમાર થઈ હતી. અનાયાની 2015માં બંને કિડની ફેલ થઈ ગઈ હતી અને તેના પિતાએ એક કિડની આપી હતી. 2021માં અનાયાએ આર્થિક મદદ માગી હતી. જોકે, તેને ડોનેટ કરવામાં આવેલી એક કિડની પણ ખરાબ થઈ ગઈ અને હવે તે બીજીવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવશે.

આગને કારણે સામાન બળી ગયો
અનાયા સોનીની માતા કપડાંનો બિઝનેસ કરતી હતી. તે નાટકોમાં ફેન્સી કપડાં સપ્લાય કરતી હતી. જોકે, ઘરમાં આગ લાગતાં કપડાં તથા મશીન બળીને ખાક થઈ ગયાં હતાં. પરિવાર આર્થિક તંગીમાં આવી ગયો હતો અને તેમાંય અનાયાની તબિયત લથડતાં પરિવારની સ્થિતિ વધુ ગંભીર બની હતી.

અનાયાનો જન્મ આંધ્ર પ્રદેશના અમરાવતીમાં થયો છે. તેણે 2015માં ફિલ્મ 'ટેક ઇટ ઇઝી'થી ડેબ્યૂ કર્યું હતું. તે વિવિધ ટીવી તથા પ્રિન્ટ જાહેરાતમાં જોવા મળે છે. આ ઉપરાંત તેણે ટીવી સિરિયલ 'અદાલત', 'ક્રાઇમ પેટ્રોલ', 'સાવધન ઇન્ડિયા', 'અપના દિલ તો આવારા' તથા 'ઇશ્ક મેં મરજાવાં' જેવી સિરિયલમાં કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...