તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ઇન્ડિયન આઇડલ'ના નવ રત્નો:મળો, પવનદીપથી લઈ અરૂણિતાને, કોઈ સંઘર્ષ કરીને આગળ આવ્યું તો કોઈનો પરિવાર છે સંગીત સાથે જોડાયેલો

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં બે મહિનાથી શોમાં એક પણ એલિમિનેશન થયું નથી
  • હાલમાં આ શોનું શૂટિંગ દમણમાં થઈ રહ્યું છે

'ઇન્ડિયન આઇડલ'ની 12મી સિઝન ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ થઈ હતી. આ શોને છ મહિના કરતાં પણ વધુ સમય થઈ ગયો છે. આ શોમાં છેલ્લાં બે મહિનાથી એક પણ એલિમિનેશન કરવામાં આવ્યું નથી. શોમાં નવ સ્પર્ધકો જોવા મળે છે. માનવામાં આવે છે કે આ શો ત્યાં સુધી પૂરો નહીં થાય, જ્યાં સુધી કપિલ શર્માનો શો 'ધ કપિલ શર્મા શો' શરૂ નહીં થાય. હાલમાં મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાને કારણે આ શોનું શૂટિંગ દમણમાં થઈ રહ્યું છે. આ શોમાં સ્પર્ધક પવનદીપ રાજન તથા અરૂણિતા કાંજીલાલ વચ્ચેની કેમિસ્ટ્રી દર્શકોને ઘણી જ પસંદ આવી રહી છે. શોમાં નવ સ્પર્ધકો પોતાની સિંગિંગ ટેલેન્ટથી ચાહકોના મન મોહી રહ્યાં છે.

'ઇન્ડિયન આઈડલ 12'ના નવ રત્નોની ખાસ વાતો

1. પવનદીપ રાજન

25 વર્ષીય પવનદીપ રાજન મૂળ રીતે ઉત્તરાખંડનો કુમાઉનો રહેવાસી છે. પવનદીપને સંગીત વારસામાં મળ્યું છે. પવનદીપે પિતા સુરેશ રાજન તથા મોટા પપ્પા સતીશ રાજન પાસેથી સંગીત શીખ્યું છે. તેના સ્વ. દાદા રતિ રાજન પણ તેમના સમયના લોકપ્રિય લોકગાયક હતા. 'ઇન્ડિયન આઇડલ'ના સેટ પર બપ્પી લહેરીએ પોતાની સોનાની ચેન પવનદીપને આપી દીધી હતી. આટલું જ નહીં હિમેશ રેશમિયાએ પવનદીપને 10 ગીતોની ઓફર કરી છે. પવનદીપ મ્યૂઝિક ડિરેક્ટર પણ છે. તેણે અનેક મરાઠી ફિલ્મમાં મ્યૂઝિક આપ્યું છે. તેણે પહાડી ફિલ્મમાં પણ મ્યૂઝિક આપ્યું છે.

સૂત્રોના મતે, પવનદીપે માત્ર દેશમાં જ નહી, પરંતુ વિદેશમાં પણ અઢળક મ્યૂઝિક કોન્સર્ટ કરી છે. પવનદીપને ઉત્તરાખંડ સરકારે 'યુથ એમ્બેસેડર ઓફ ઉત્તરાખંડ' અવોર્ડથી નવાજ્યો છે. માત્ર 2 વર્ષની ઉંમરમાં પવનદીપે યંગેસ્ટ તબલા પ્લેયરનો અવોર્ડ જીત્યો હતો. પવનદીપે 2015માં સિંગિંગ રિયાલિટી શો 'વોઈસ ઈન્ડિયા 1' જીત્યો હતો. પવનદીપ ચંદીગઢ સ્થિત રાઈટ બેન્ડનો મેમ્બર છે. આ બેન્ડમાં પવન ભટ્ટ, પારસ રોરિયાલ તથા વિશાંત નાગ્રા જેવા ગાયકો છે. પવનદીપની ગાયિકીથી પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પણ ઘણો જ ખુશ થયો હતો. તેણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'નાના શહેરોમાં કેટલું ટેલેન્ટ છે. ઉત્તરાખંડનો પવનદીપ કેટલું ગજબનું ગાય છે.'

2. અરૂણિતા કાંજીલાલ

18 વર્ષીય અરૂણિતા કાંજીલાલ પશ્ચિમ બંગાળના નાનાકડા શહેર બનગાંવની છે. અરૂણિતા 8 વર્ષની ઉંમરથી સંગીતની તાલીમ લઈ રહી છે. તેણે પોતાની માતા પાસેથી સંગીત શીખવાની શરૂઆત કરી હતી. અરૂણિતાની માતા શર્બાણી હાઉસવાઈફ છે, જ્યારે તેના પિતા અવની ભૂષણ પ્રોફેસર છે. અરૂણિતાના પિતા શોખથી ફાજલ સમયમાં વિદ્યાર્થીઓને ક્લાસિક મ્યૂઝિક શીખવે છે. અરૂણિતા રોજ બેથી અઢી કલાક રિયાઝ કરે છે. સિંગિંગ ઉપરાંત તેને ફરવાનો તથા પેઈન્ટિંગનો શોખ છે.

અરૂણિતાએ કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. માતા બાદ અરૂણિતાએ પોતાના મામા પાસેથી સંગીત શીખ્યું હતું. તેના મામા સંગીતના શિક્ષક હતાં. ત્યારબાદ તેણે પૂનાના રવિન્દ્ર ગાંગુલી પાસેથી સંગીતની તાલીમ લીધી હતી. 2013માં અરૂણીતાએ ઝી બાંગ્લાનો શો 'સારેગામાપા લિટલ ચેમ્પ' જીત્યો હતો. અરૂણિતાને હાર્મોનિયમ તથા તાનપુરો વગાડતા પણ આવડે છે.

અફેરની ચર્ચા પણ થતી રહે છે

પવનદીપ તથા અરૂણિતા ખાસ મિત્રો છે. થોડાં સમય પહેલાં સ્પર્ધક અંજલી ગાયકવાડના પર્ફોર્મન્સ દરમિયાન અરૂણિતાએ હાર્મોનિયમ વગાડ્યું હતું. અરૂણિતાની આ ટેલેન્ટ જોઈને જજીસ ખુશ થઈ ગયા હતા. અરૂણિતાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે આ ગીત પર હાર્મોનિયમની ધૂન વગાડતા કોની પાસેથી શીખી તો તેણે પવનદીપનું નામ આપ્યું હતું. અરૂણિતાએ પવનદીપના વખાણ કરતાં કહ્યું હતું કે તે સારો ગાયક છે. તેને બહુ બધા મ્યૂઝિક ઈન્સ્ટ્રૂમેન્ટ્સ વગાડતા આવડે છે અને તે પવનદીપ પાસેથી શીખવા માગે છે. થોડાં સમય પહેલાં પવનદીપ તથા અરૂણિતા વચ્ચે અફેર હોવાની પણ અફવા ઉડી હતી. આ અંગે પવનદીપે કહ્યું હતું કે તેઓ માત્રને માત્ર સારા મિત્રો છે.

3. શન્મુખા પ્રિયા

17 વર્ષીય શન્મુખાનો જન્મ વિશાખાપટ્ટનમાં થયો છે. માત્ર ચાર વર્ષની ઉંમરમાંથી શન્મુખાએ સંગીત શીખવાની શરૂઆત કરી હતી. શન્મુખાએ શ્રી ચૈતન્ય ટેક્નો સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. શન્મુખા માતા રતનમાલા પાસેથી સંગીત શીખી છે. તેના પિતા વીણા તથા વાયોલીન વગાડે છે. જ્યારે તે ત્રણ વર્ષની હતી ત્યારે પિતા શ્રીનિવાસ કુમારના ધ્યાનમાં આવ્યું કે શન્મુખા અલાર્મ ક્લોકની ધૂન વગાડે છે. ત્યારબાદ તેમણે ત્રણ વર્ષની શન્મુખાને વીણા તથા વાયોલીન વગાડવા આપ્યું હતું.

શન્મુખાને ધોરણ 12માં 97% આવ્યા છે. શન્મુખાએ 2008માં ઝી તેલુગુ 'સારેગમાપા લિટલ ચેમ્પ'માં ભાગ લીધો હતો. આ ઉપરાંત સિંગિંગ રિયાલિટી શો 'વોઈસ ઈન્ડિયા કિડ્સ', 'પાડુટા તિયાગા' સહિતના સ્થાનિક શોમાં જોવા મળી હતી. 2010માં તેણે તેલુગુ ફિલ્મ 'તેજમ'માં ગીત પણ ગાયું હતું.

4. અંજલી ગાયકવાડ

15 વર્ષીય અંજલી ગાયકવાડ મહારાષ્ટ્રના અહમદનગરમાંથી આવે છે. તે ક્લાસિકલ મ્યૂઝિક સિંગર છે. તેનો પરિવાર સંગીત સાથે જોડાયેલો છે. અંજલીના પિતા સંગીતના શિક્ષક છે. જ્યારે તેની મોટી બહેન નંદિની ક્લાસિકલ સિંગર છે. 2017માં અંજલીએ 'સારેગામાપા લિટલ ચેમ્પ'માં ભાગ લીધો હતો. શ્રેયન ભટ્ટાચાર્ય તથા અંજલી ગાયકવાડને આ શોના સંયુક્ત વિનર જાહેર કરવામાં આવ્યા હતા. અંજલીએ પોતાની બહેન નંદિની તથા પિતા અંગદ સાથે અનેક સ્ટેજ શોમાં પર્ફોર્મન્સ આપ્યું છે.

5. સાયલી કામ્બલે

24 વર્ષીય સાયલીનો જન્મ મુંબઈમાં મધ્યમ વર્ગીય પરિવારમાં થયો છે. તેના પિતા ડ્રાઈવર છે. સાયલીના પિતા એમ્બ્યૂલન્સના ડ્રાઈવર તરીકે કામ કરે છે. સાયલી નાનપણથી સંગીત શીખી રહી છે. સાયલી મુંબઈના ટાટાનગર વિસ્તારમાં રહે છે. સાયલીએ સિંગર સુરેશ વાડકર સાથે સ્ટેજ પર પર્ફોર્મ પણ કર્યું છે.

6. મોહમ્મદ દાનિશ

25 વર્ષીય મોહમ્મદ દાનિશ ઉત્તર પ્રદેશના મુઝ્ફફરનગરના મુસ્લિમ પરિવારમાંથી આવે છે. મોહમ્મદનો પરિવાર મ્યૂઝિક સાથે સંકળાયેલો છે. મોહમ્મદે દાદા ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. માત્ર ચાર વર્ષની ઉંમરથી મોહમ્મદે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. મોહમ્મદે ઈન્દ્ર કળા સંગીત વિશ્વ વિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. અહીંયા તેણે ઉસ્તાદ ઈર્શાદ અહેમદના માર્ગદર્શન હેઠળ સંગીત શીખ્યું હતું. 2012માં મોહમ્મદે સમભાગીયે સંગીત પ્રતિયોગિતા જીતી હતી.

2017માં મોહમ્મદે 'ધ વોઈસ 2' નામના રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે. અહીંયા તે નીતિ મોહન પાસેથી સંગીત શીખ્યો હતો. આ શોમાં તે સ્ટાઈલિશ સિંગરનો અવોર્ડ જીત્યો હતો. મોહમ્મદે 'મેરી જાન' મ્યૂઝિક આલ્બમ પણ બહાર પાડ્યું છે. આ આલ્બમને પવન ચાવલા તથા મિકા સિંહે પ્રોડ્યૂસ કર્યું હતું. આલ્બમમાં હરિયાણવી સિંગર સપના ચૌધરીએ કામ કર્યું હતું. મોહમ્મદે 'વી ઈન્ડિયન્સ' કરીને પોતાનો પહેલો સાઉન્ડટ્રેક રિલીઝ કર્યો હતો. આ સાઉન્ડટ્રેકને ટી-સિરીઝ જેવી મોટી કંપનીએ રિલીઝ કર્યો હતો. મોહમ્મદે લિરિસ્ટ એ એમ તુરાઝ સાથે કામ કર્યું હતું.

7. નિહાલ ટૌરો

કર્ણાટકના 21 વર્ષીય નિહાલ પ્લેબેક સિંગર છે. નિહાલના પિતા મ્યૂઝિકમાં કરિયર બનાવવા માગતા હતા, પરંતુ બનાવી શક્યા નહીં. નિહાલના પિતા પ્રાઈવેટ બેંકમાં નોકરી કરે છે. નિહાલને નાનપણથી જ સંગીતમાં રસ હતો. તેના પિતા સારા રાઈટર તથા કમ્પોઝર છે. નિહાલે કન્નડ 'સારેગામાપા'માં ભાગ લીધો હતો. આ ઉપરાંત તેણે દાઈજીવર્લ્ડ સ્ટૂડિયો વોઈસ તથા વોઈસ ઓફ ઉડુપી ટાઈટલ જીત્યા હતા. 2019માં નિહાલે ફિલ્મ 'પ્રીમિયર પદ્મિની' તથા 'લવ મોકટેલ'માં પ્લેબેક સિંગર તરીકે ડેબ્યૂ કર્યું હતું.

8. સવાઈ ભટ્ટ

23 વર્ષીય સવાઈ ભટ્ટ રાજસ્થાનના નાનકડાં ગામ નાગૌરમાંથી આવે છે. તેનો પરિવાર કઠપૂતળીના શો કરીને ગુજરાન ચલાવે છે. સવાઈ પણ પિતા સાથે કઠપૂતળીના શો કરીને મદદરૂપ થતો હતો. જોકે, આજના સમયમાં આ ધંધો ચાલે એમ નથી. સવાઈએ વ્યવસ્થિત રીતે અભ્યાસ પણ કર્યો નથી. સવાઈ ભટ્ટની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ઘણીવાર પરિવારને બે ટંકનું પૂરતું ભોજન પણ મળતું નહોતું. સવાઈ લોકગીત ઘણી જ સહજતાથી ગાઈ શકે છે. સવાઈને બોલિવૂડ ફિલ્મમાં ગીત ગાવાની ઈચ્છા છે.

9. આશિષ કુલકર્ણી

26 વર્ષીય આશિષ કુલકર્ણી પુનાનો છે. આશિષ 10 વર્ષ સુધી ઇન્ડિયન ક્લાસિકલ મ્યૂઝિક શીખ્યો છે. તે હાલમાં સોંગ રાઈટર તરીકે કામ કરે છે. તેના ગીતો વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર છે. આશિષે SPM અંગ્રેજી સેકન્ડરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. જ્યારે BMCC કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. સોંગ રાઈટર ઉપરાંત આશિષ હાર્ડ રોક કાફે, હાઈ સ્પિરિટ્સ, બ્લૂફ્રોગ જેવા બેન્ડ્સમાં પણ કામ કર્યું છે.