તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૉકડાઉનનો માર:'મંગલ ચંડી' ફૅમ ટીવી એક્ટર સુવો ચક્રવર્તીએ બેકારીથી કંટાળીને લાઇવ વીડિયોમાં ઊંઘની દવાઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

કોલકાતા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીડિયોમાં સુવાએ કહ્યું, 'હાથની નસ કાપું કે ધાબા પરથી કૂદી જાઉં, કંઈ જ ખબર પડતી નથી'
  • ગયા વર્ષે સુવાના પિતાનું અવસાન થયું હતું, તેમના પેન્શનમાંથી ઘર ચાલતું હતું

કોરોનાને કારણે ઘણાંની આર્થિક હાલત કફોડી થઈ ગઈ છે અને તેમાંય એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા નાના-મોટા એક્ટર્સ પણ સામેલ છે. હાલમાં જ બંગાળી એક્ટર સુવો ચક્રવર્તીએ સો.મીડિયામાં લાઇવ થઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તેના ચાહકો ઘણાં જ ડરી ગયા હતા અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

લાઇવ વીડિયોમાં શું કહ્યું હતું સુવોએ?
મંગળવાર, 8 જૂનની રાત્રે સુવો સો.મીડિયામાં લાઇવ થયો હતો. તે ગીત ગાતો હતો અને ગિટાર વગાડતો હતો. વીડિયોમાં તેણે કહ્યું હતું, 'દરેક ઘરમાં કોઈને કોઈ સમસ્યા હોય છે. મારી મમ્મી કહે છે કે 31 વર્ષની ઉંમરમાં મારો દીકરો બેરોજગાર છે. મારા પિતા ગયા વર્ષે ગુજરી ગયા. અમે તેમના પેન્શન પર જ ઘરનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય છે, તો તેમને જીવવાની ઈચ્છા થતી નથી. હું આ માત્ર કંઈ દેખાડો કરવા માટે કરતો નથી. હું ધીમે ધીમે ઊંઘની ગોળીઓ ખાઈ રહ્યો છું. લોકો મારા કામની પ્રશંસા કરે છે, પરંતુ મને કંઈ જ કામ મળતું નથી. મારી પાસે ઓગસ્ટ, 2020 પછી કંઈ ખાસ કામ નથી.

મને ખ્યાલ નથી આવતો હું ટેરેસ પરથી કૂદી જાઉં કે પછી મારા હાથની નસ કપી નાખું, મને આ બધું ગમતું નથી. છેલ્લે મને ઊંઘની ગોળીઓ મળી, જેમને હાઈ બ્લડ પ્રેશર હોય તેમને હાર્ટ અટેક આવવાની શક્યતા છે. '

માતા સાથે સુવો
માતા સાથે સુવો

ઊંઘની ગોળીની આખી સ્ટ્રિપ્સ પૂરી કર્યા બાદ સુવોએ કહ્યું હતું કે જો તે જીવતો રહેશે તો બીજો વીડિયો બનાવશે.

સુવોના ફોલોઅરે તાત્કાલિક પોલીસને કહ્યું
સુવોનો આ વીડિયો જોયા બાદ એક ફોલોઅરે તરત જ લોકલ પોલીસને આ અંગે જણ કરી હતી. પોલીસે તરત જ સો.મીડિયાનો સંપર્ક કર્યો હતો અને એક્ટરનું લાઇવ લોકેશન ટ્રેસ કર્યું હતું. ત્યારબાદ લોકલ પોલીસ એક્ટરના ઘરે પહોંચી ગઈ હતી અને તેનો જીવ બચાવ્યો હતો.

સૂત્રોના મતે, સુવોએ જે સમયે સો.મીડિયામાં વીડિયો લાઇવ કર્યો હતો ત્યારે ઘરમાં તેની માતા તથા બહેન પણ હતા. જોકે, તેમને આ અંગે કંઈ જ ખબર નહોતી. ઉલ્લેખનીય છે કે બંગાળી સિરિયલ 'મંગલ ચંડી'માં સુવો કામ કરતો હતો. જોકે, ગયા વર્ષે લૉકડાઉનમાં આ સિરિયલ બંધ થઈ ગઈ હતી.

સુવો બંગાળી સિરિયલમાં નાના-મોટા રોલ કરે છે
સુવો બંગાળી સિરિયલમાં નાના-મોટા રોલ કરે છે

પોલીસે કહ્યું, સુવો હવે એકદમ ઠીક છે
પોલીસે કહ્યું હતું કે તેઓ આ પ્રકારની ઘટનાને ગંભીરતાથી લે છે. જ્યારે તેમને સુવોના ચાહકનો ફોન આવ્યો તો તેમણે તાત્કાલિક મદદ કરી હતી. હાલમાં તે એકદમ સલામત છે.

ઘણાં આર્ટિસ્ટની સ્થિતિ કફોડી
ઉલ્લેખનીય છે કે લૉકડાઉનને કારણે અનેક નાના આર્ટિસ્ટ તથા ટેક્નિશિયન્સની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. મહારાષ્ટ્રની જેમ જ બંગાળમાં પણ 15 મેથી શૂટિંગ પર પ્રતિબંધ છે.

અન્ય સમાચારો પણ છે...