બર્થ એનિવર્સરી:પતિ રાજ કૌશલના જન્મદિવસ પર મંદિરા બેદી ભાવુક થઈ, કહ્યું- 15 ઓગસ્ટે હંમેશાં એક સેલિબ્રેશન થતું હતું...હેપ્પી બર્થડે રાજી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંદિરા બેદીએ દિવંગત પતિ રાજ કૌશલની સો.મીડિયામાં એક તસવીર શૅર કરીને 50મા જન્મદિવસ પર યાદ કર્યો હતો. તસવીરમાં બંનેએ એક જેવો બ્લેક શર્ટ પહેર્યો છે. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે 15 ઓગસ્ટનો દિવસ હંમેશાં તેમના માટે એક તહેવાર જેવો રહેતો હતો. ઉલ્લેખનીય છે કે 30 જૂનના રોજ મંદિરા બેદીના પતિ તથા પ્રોડ્યૂસર-ડિરેક્ટર રાજ કૌશલનું 49 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું.

બર્થડે વિશ કરીને ઇમોશનલ પોસ્ટ શૅર કરી
મંદિરા બેદીએ કહ્યું હતું, '15 ઓગસ્ટ...એ હંમેશાં એક સેલિબ્રેશન થતું હતું. સ્વતંત્રતા દિવસ તથા રાજનો બર્થડે. હેપ્પી બર્થડે રાજી...અમે તમને યાદ કરીએ છીએ અને આશા છે કે તમે અમને જોતા હશો અને હંમેશાંની જેમ અમારી પીઠ થપથપાવતા હશો. ખાલી જગ્યા ક્યારેય ભરી શકાતી નથી. આશા છે કે તમે સારી જગ્યા પર હશો. તમે શાંતિપૂર્ણ તથા પ્રેમથી ઘેરાયેલા હશો.'

મંદિરા બેદીની આ પોસ્ટ પર ચાહકો તથા સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. ગુલ પનાગ, હંસિકા મોટવાણી, શક્તિ મોહન, મૌની રોય, વિશાલ દદલાણી, રોહિત રોય સહિતના સ્ટાર્સે રાજને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

મંદિરાએ પરંપરા તોડીને પતિની અંતિમવિધિ કરી
સામાન્ય રીતે પત્ની ક્યારેય સ્મશાનમાં જતી નથી અને તે પતિની અર્થીને કાંધ પણ આપતી નથી. જોકે, મંદિરાએ આ પરંપરા તોડીને પતિના અંતિમ સંસ્કારની વિધિ કરી હતી. રાજ કૌશલના અંતિમ સંસ્કાર સાડા અગિયારની આસપાસ દાદરના શિવાજી પાર્ક સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. મંદિરા બેદીએ દોણી પકડી હતી અને પતિની અર્થીને કાંધ પણ આપી હતી.

1999માં રાજ-મંદિરાના લગ્ન થયા હતા
મંદિરા તથા રાજે 14 ફેબ્રુઆરી, 1999ના રોજ લગ્ન કર્યાં હતાં. રાજ તથા મંદિરા 2011માં દીકરા વીરના પેરન્ટ્સ બન્યાં હતાં. ગયા વર્ષે બંનેએ દીકરી તારા દત્તક લીધી હતી.

રાજ પ્રોડ્યુસર-ડિરેક્ટર-સ્ટંટ ડિરેક્ટર હતો
રાજ પ્રોડ્યુસર, ડિરેક્ટર તથા સ્ટંટ ડિરેક્ટર હતો. રાજે 'પ્યાર મેં કભી કભી', 'શાદી કા લડ્ડુ', 'એન્થની કૌન હૈ' જેવી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી અને તેણે ડિરેક્ટ પણ કરી હતી. 'બેખુદી'માં રાજ કૌશલે સ્ટંટ સીન ડિરેક્ટ કર્યા હતા. આ ઉપરાંત રાજ કૌશલે એડ વર્લ્ડમાં ઘણું જ કામ કર્યું હતું. તેણે 800થી વધુ જાહેરાતો ડિરેક્ટ કરી હતી.