ઉકેલ માગતા પ્રશ્નો:સુશાંત સિંહ રાજપૂતની જેમ સિદ્ધાર્થ શુક્લાનું મોત પણ રહસ્ય બનીને રહી જશે?

મુંબઈએક મહિનો પહેલા
  • સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ 2 સપ્ટેમ્બરના રોજ થયું હતું.
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સિદ્ધાર્થના મોતનું કારણ જણાવવામાં આવ્યું નથી.

40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાને 2 સપ્ટેમ્બરના રોજ સવારે સાડા દસ વાગે કૂપર હોસ્પિટલે મૃત જાહેર કર્યો હતો. ડૉક્ટર્સે શરૂઆતમાં એમ કહ્યું હતું કે સિદ્ધાર્થનું મૃત્યુ હાર્ટ અટેકને કારણે થયું હતું. એક્ટરના મોતને 2 દિવસ થઈ ગયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ મુંબઈ પોલીસને આપી દેવામાં આવ્યો છે. જોકે, આ રિપોર્ટમાં ડૉક્ટર્સે મોતનું અસલી કારણ જણાવ્યું નથી. હવે સિદ્ધાર્થનો ફોરેન્સિક રિપોર્ટ આવશે પછી જ તેના મોતનું સાચું કારણ સામે આવશે. આ રિપોર્ટ 15-20ની દિવસ પછી આવશે. સિદ્ધાર્થના મોત બાદથી દરેકના મનમાં કેટલાંક સવાલો ચર્ચાઈ રહ્યા છે. આ સવાલોના જવાબ ચાહકોને મળશે ખરા?

ગયા વર્ષે 14 જૂનના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મુંબઈમાં બાંદ્રા સ્થિત ભાડાના અપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. મુંબઈ પોલીસે આ કેસની તપાસ આત્મહત્યના એન્ગલથી શરૂ કરી હતી. જોકે, પછીથી સુશાંતના પિતા કેકે સિંહે દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હોવાનો આરોપ રિયા ચક્રવર્તી પર મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે પછી આ કેસની તપાસ CBI (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ને સોંપી હતી. હજી સુધી CBIએ આ કેસ અંગે કોઈ રિપોર્ટ આપ્યો નથી. તો શું સુશાંતના કેસની જેમ જ સિદ્ધાર્થનું મોત પણ એક રહસ્ય બનીને તો નહીં રહી જાય ને?

સિદ્ધાર્થના મોત બાદ આ સવાલો ઉઠ્યા

1. BMW કારનો પાછળનો ગ્લાસ તૂટેલો કેમ હતો? સિદ્ધાર્થનો કોઈની સાથે ઝઘડો થયો હતો?
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સિદ્ધાર્થ રાત્રે (બુધવાર, 1 સપ્ટેમ્બર) પોતાની BMWમાં ઘરે આવ્યો ત્યારે કારનો પાછળો ગ્લાસ ખરાબ રીતે તૂટેલો હતો. કારની હાલત જોઈને હવે ચર્ચા થવા લાગી હતી કે સિદ્ધાર્થનો કોઈ સાથે ઝઘડો તો નહોતો થયો ને? આખરે એવું તો શું બન્યું કે કારનો પાછળનો કાચ તૂટેલો હતો? શું સિદ્ધાર્થ કોઈ સાથે ઝઘડો થયો તે કારણે ડિસ્ટર્બ હતો અને તેથી તેની તબિયત લથડી હતી?

2. પરિવાર શરૂઆતમાં કેમ પોસ્ટમોર્ટમ કરાવવા તૈયાર નહોતો?
પિપિંગમૂનના અહેવાલ પ્રમાણે, પરિવાર એવું માને છે કે સિદ્ધાર્થના મૃત્યુમાં કોઈ ફાઉલ પ્લે નથી અને તેથી જ તે પોસ્ટમોર્ટમ માટે તૈયાર નહોતો. જોકે, હોસ્પિટલે પોસ્ટમોર્ટમનો આગ્રહ રાખ્યો હતો, કારણ કે સિદ્ધાર્થને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે મૃત હતો. પોલીસે પણ પોસ્ટમોર્ટમ માટે કહ્યું હતું. પોલીસની સમજાવટ બાદ પરિવાર પોસ્ટમોર્ટમ માટે તૈયાર થયો હતો.

3. અંદાજે સાડા ચાર કલાક કેમ પોસ્ટમોર્ટમ ચાલ્યું? સામાન્ય રીતે અઢી કલાકમાં પોસ્ટમોર્ટમની પ્રોસેસ પૂર્ણ થઈ જાય છે.
પહેલી સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ શુક્લાનું પોસ્ટમોર્ટમ બપોરે સાડા ત્રણ-ચાર વાગ્યાની આસપાસ શરૂ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ આઠ-સાડ આઠ વાગે પૂરું થયું હતું. એટલે પોસ્ટમોર્ટમ ચાર કલાકથી પણ વધુ ચાલ્યું હતું. સામાન્ય રીતે પોસ્ટમોર્ટમની પ્રોસેસ બેથી અઢી કલાકમાં પૂરી થઈ જતી હોય છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂત પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. સુશાંતનું પોસ્ટમોર્ટમ 90 મિનિટમાં જ પૂરું થઈ ગયું હતું.

4. પોસ્ટમોર્ટમ રિપોર્ટ રિઝર્વ શા માટે રાખવામાં આવ્યો?
પાંચ ડૉક્ટર્સની ટીમે સિદ્ધાર્શ શુક્લાનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. ત્રણ એક્સપર્ટ ડૉક્ટર્સ ટીમમાં સામેલ હોવા છતાંય કયા કારણોસર સિદ્ધાર્થનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ રિઝર્વમાં રાખવામાં આવ્યો તે પોલીસ કે હોસ્પિટલે પણ સ્પષ્ટ કર્યું નથી.

5. એક ચર્ચા એવી પણ હતી કે સિદ્ધાર્થ ડ્રગ્સ લે છે અને તેણે સૂતા પહેલાં દવા લીધી હતી, તો શું ડ્રગ્સના ઓવરડોઝને કારણે મોત થયું?
સિદ્ધાર્થ શુક્લાએ સૂતા પહેલાં દવા લીધી હોવાની ચર્ચા છે. આ દવા કઈ હતી તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. માનવામાં આવે છે કે સિદ્ધાર્થ ડ્રગ્સ લેતો હતો. જોકે, આ વાતમાં કેટલી સચ્ચાઈ છે, તે તો સમય આવે જ ખબર પડશે. હાલ તો ઘણાંના મનમાં સવાલ થઈ રહ્યો છે કે ડ્રગ્સના ઓવરડોઝને કારણે સિદ્ધાર્થનું મૃત્યું થયું નથી ને?

4. એવું પણ કહેવાય છે કે સિદ્ધાર્થ દારૂ પીતો હતો અને તે રિહેબ સેન્ટરમાં પણ રહ્યો હતો, તો શું મૃત્યુની આગલી રાત્રે સિદ્ધાર્થ દારૂના નશામાં હતો?
સિદ્ધાર્થે 2018માં દારૂ પીને ડ્રાઇવિંગ કર્યું હતું અને તે અંતર્ગત તેની પર કેસ પણ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં સિદ્ધાર્થ બે વર્ષ રિહેબ સેન્ટરમાં રહ્યો તેવી પણ ચર્ચા હતી. 'બિગ બોસ'ના ઘરમાં અસીમ રિયાઝ સિદ્ધાર્થને નશાખોર કહીને બોલાવતો હતો. આ ઉપરાંત અસીમ રિયાઝ જ્યારે પણ સિદ્ધાર્થ સાથે વાત કરે ત્યારે મોં પર હાથ મૂકી દેતો હતો. તેણે એવું કહ્યું હતું કે સિદ્ધાર્થના મોંમાંથી વાસ આવે છે.

5. પરિવારે ફેમિલી ડૉક્ટરને બોલાવવામાં વાર કેમ લગાડી? સિદ્ધાર્થની તબિયત લથડી હતી, તેના પાંચ કલાક પછી ફેમિલી ડૉક્ટર કેમ આવ્યા?
સિદ્ધાર્થ શુક્લાની તબિયત રાત્રે 3 વાગે લથડી હતી. પરિવારે ડૉક્ટરને સવારે સાત-આઠની વચ્ચે બોલાવ્યા હતા. ડૉક્ટર આવ્યા પછી કૂપર હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સિદ્ધાર્થને 9 વાગીને 25 મિનિટ પર કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સાડા દસે હોસ્પિટલે જાહેર કર્યું કે ડેથ બીફોર અરાઇવલ. એટલે કે સિદ્ધાર્થ હોસ્પિટલ આવ્યો તે પહેલાં જ મૃત્યુ પામ્યો હતો.

6. પરિવાર કે હોસ્પિટલ તરફથી ફાઇનલ મેડિકલ બુલેટિન અથવા તો સ્ટેટમેન્ટ કેમ રિલીઝ કરવામાં ના આવ્યું?
સિદ્ધાર્થ શુક્લા ટીવીનો જાણીતો સુપરસ્ટાર હતો. આટલો મોટો સ્ટાર હોવા છતાંય પરિવાર કે હોસ્પિટલે તેના મૃત્યુ અંગે કોઈ મેડિકલ બુલેટિન કે પછી કોઈ સ્ટેટમેન્ટ કેમ અત્યાર સુધી જાહેર ના કર્યું?