તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:સિરિયલમાં લતા મંગેશકરના ગીત અંગે ભૂલ થઈ, વિવાદ વધતા મેકર્સે અંતે માફી માગી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા..' ફરી એકવાર ચર્ચામાં છે. આ શો વિવાદને કારણે ચર્ચામાં આવી છે. શોના એક એપિસોડમાં સ્વ. લિજેન્ડરી સિંગર લતા મંગેશકર અંગે વાત કરવામાં આવી હતી. મેકર્સે માફી પણ માગી છે.

શું ભૂલ હતી?
થોડાં સમય પહેલાં સિરિયલના એક એપિસોડમાં ગોકુલધામ સોસાયટીમાં મ્યૂઝિકલ નાઇટ બતાવવામાં આવી હતી. અહીંયા આઇકોનિક સોંગ્સ પર ચર્ચા ચાલતી હતી. આ ચર્ચામાં લતાજીના મોસ્ટ પોપ્યુલર ગીત 'એ મેરે વતન કે લોગો..' અંગે ખોટી માહિતી આપવામાં આવી હતી. અહીંયા કહેવામાં આવ્યું હતું કે આ ગીત 1965માં રિલીઝ થયું હતું. આ એપિસોડ ઓનએર થયા બાદ ઘણો જ વિવાદ થયો હતો. હવે મેકર્સે સો.મીડિયામાં માફી માગી છે.

શું કહ્યું માફી માગીને?
માફીનામામાં કહેવામાં આવ્યું છે, 'અમે અમારા દર્શકો, ચાહકો તથા શુભેચ્છકોની માફી માગીએ છીએ. એપિસોડમાં અમારાથી અજાણતા કહેવામાં આવ્યું કે 'એ મેરે વતન..' ગીત વર્ષ 1965માં રિલીઝ થયું છે. જોકે, અમે અમારી ભૂલ સુધારવા માગીએ છીએ. આ ગીત 26 જાન્યુઆરી, 1963માં રિલીઝ થયું હતું. અમે વચન આપીએ છીએ કે ભવિષ્યમાં અમે વધુ સાવચેતી રાખીશું. અમે તમારા પ્રેમ તથા સપોર્ટની પ્રશંસા કરીએ છીએ.'

એપિસોડમાં કેવી રીતે ભૂલ થઈ?
શોમાં બતાવવામાં આવ્યું હતું કે ભિડે (મંદાર ચાંદવાડકર) પોતાની ટેપ રેકોર્ડર રિપેર કરે છે અને ગીત વગાડવાનું નક્કી કરે છે. શરૂઆતમાં ટેપ રેકોર્ડર વ્યવસ્થિત રીતે કામ કરતું નથી. બાઘા (તન્મય વેકેરિયા) રિપેર કરે છે અને પછી બધા મ્યૂઝિકલ નાઇટ માટે તૈયાર થઈ જાય છે. ભિડે લતાજીના ગીતો પ્લે કરે છે અને તે ગીત 'એ મેરે વતન કે લોગો..' હોય છે. ત્યારબાદ બાપુજી (અમિત ભટ્ટ) આ ગીતની રિલીઝ ડેટ ખોટી કહી દે છે. શોમાં બાપુજી બધાને કહે છે કે આ ગીત ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કમ્પોઝ કરવામાં આવ્યું હતું. ભારત-ચીન યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા આ ગીત તૈયાર કરવામાં આવ્યું હતું.