તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મામા-ભાણિયાનો વિવાદ:ગોવિંદાની પત્નીની વાતથી ગુસ્સે થયેલી કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા બોલી- આખરે આ સુનીતા છે કોણ?

મુંબઈ13 દિવસ પહેલા
ડાબે, કૃષ્ણા તથા ગોવિંદા પત્ની સાથે
  • 2018થી ગોવિંદા તથા કૃષ્ણા અભિષેક વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે

'ધ કપિલ શર્મા શો'માં ગોવિંદા પત્ની સુનીતા સાથે આવ્યો હતો. આ એપિસોડમાં એક્ટરનો ભાણેજ કૃષ્ણા અભિષેક હાજર રહ્યો નહોતો. એ પછી સુનીતાએ એક ઇન્ટરવ્યુમાં કૃષ્ણાને ખરું-ખોટું સંભળાવ્યું હતું. આ સાથે જ સુનીતાએ એવું પણ કહ્યું હતું કે તે જ્યાં સુધી જીવતી રહેશે ત્યાં સુધી તેમના મતભેદો દૂર થશે નહીં અને તે કૃષ્ણાનો ચહેરો પણ જોવા માગતી નથી, પરંતુ હવે આ મુદ્દે કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે સુનીતાને જડબાંતોડ જવાબ આપ્યો છે.

શું કહ્યું કાશ્મીરાએ?
કાશ્મીરાએ ન્યૂઝ ચેનલ 'આજતક' સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'સાચું કહું તો મને આ પૂરા વિવાદમાં બે રૂપિયાનો પણ રસ નથી. આ લોકો મારા માટે છેલ્લાં પાંચ વર્ષથી અસ્તિત્વ ધરાવતા જ નથી. તેમના વિશે હું વાત કરવા માગતી નથી. તમે જોયું હશે કે મેં લાંબા સમયથી આ લોકો અંગે કોઈ વાત કરી નથી, નહીંતર મારી પાસે પણ તેમના માટે કહેવા માટે ઘણું બધું છે.'

ચાહકોએ ટ્રોલ કરીને જવાબ આપ્યો
કાશ્મીરાએ આગળ કહ્યું હતું, 'સો.મીડિયામાં ચાહકોએ તેને (સુનીતાને) જવાબ આપી દીધો છે. તે ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે. તેમણે એમ કહ્યું હતું કે કૃષ્ણા ટેલન્ટેડ નથી. આવું એ જ લોકો બોલે છે, જેમનામાં ટેલન્ટ નથી હોતી અથવા તો ટેલન્ટની સમજ હોતી નથી. એ જ લોકો તમારા વિશે ખરાબ બોલે છે, જેમણે પોતે દુનિયામાં કંઈ કર્યું હોતું નથી. જે તમને પોતાનાથી ઓછા આંકે છે. જ્યારે તમે એક્ટર બનો છો ત્યારે તમારી લાઇફ પ્રાઇવેટ રહેતી નથી, પબ્લિક થઈ જાય છે. તમારે દરેક બાબત માટે તૈયાર રહેવું પડે છે. જો લોકો તમારા નામ પર જોક્સ બનાવશે અને લખશે તો તમે બધાને એમ કહેશો કે તેને કારણે તમારું કરિયર બન્યું છે.'

મારાં બાળકોને જોવા ના આવ્યાં
કાશ્મીરાએ વધુમાં કહ્યું હતું, 'પહેલાં મારા પર તેમની વાતોની અસર થતી હતી. જોકે જ્યારે તેઓ મારાં બીમાર બાળકોને જોવા ના આવ્યાં ત્યારથી જ તેઓ મારા આંખમાંથી ઊતરી ગયાં છે. મેં ત્યારથી જ તેમની સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી છે. ખરાબ સમયમાં સાથ આપે તેને પરિવાર કહેવાય. આ લોકો અમારી સાથે ઊભા રહ્યા નહોતાં.'

કોણ છે આ સુનીતા?
કાશ્મીરાએ ગુસ્સામાં કહ્યું હતું, 'કૃષ્ણા અંગે ફાલતુ વાત કરે છે. બની શકે એ એપિસોડમાં કૃષ્ણાની જરૂર ના હોય પણ તેમને કોણ સમજાવે. તમારે મને પૂછવું હોય તો પ્રિયંકા ચોપરા વિશે પૂછો, કેટરીના વિશે પૂછો, આ સુનીતા કોણ છે? મેં મારા દમ પર મારું નામ બનાવ્યું છે. મારી ઓળખ કોઈની પત્ની તરીકે આપવામાં આવતી નથી. તો હું આવા લોકો અંગે વાત કરવા માગતી નથી.'

કૃષ્ણાએ શું કહ્યું?
કૃષ્ણા અભિષેક હાલમાં જ ગણેશજીની મૂર્તિ લેવા માટે ગયો હતો. આ સમયે મીડિયાએ તેને ગોવિંદા સાથેના સંબંધો અંગે સવાલ કર્યો હતો. તેણે જવાબમાં કહ્યું હતું, 'મામા-મામી, હું ઈચ્છું છું કે આ ઝઘડાનો ઉકેલ ગણપતિજી લાવી દે. આપણે બધા એકબીજાને પ્રેમ કરીએ છીએ, જે થોડા ઘણા ઈસ્યુ છે, એનો ઉકેલ આવી જાય એવી જ પ્રાર્થના કરું છું.'

સુનીતાએ શું કહ્યું હતું?
સુનીતા આહુજાએ કહ્યું હતું, 'જ્યારે પણ અમે કપિલના શોમાં આવીએ છીએ ત્યારે તે (કૃષ્ણા અભિષેક) પબ્લિસિટી માટે મીડિયામાં અમારા વિશે કંઈ ને કંઈ કહે છે. શું ફાયદો છે આ બધું બોલીને? ઘરની વાતોને પબ્લિકમાં લાવવાનો કોઈ અર્થ નથી. ગોવિંદા ભલે આ મુદ્દે કંઈ ના બોલે, કંઈ રિએક્ટ ના કરે, પરંતુ મને બહુ જ ગુસ્સો આવે છે. તેના વગર પણ અમારો શો હિટ થાય જ છે અને આ પણ થશે.'

સુનીતા અહીં નહોતી અટકી, તેણે કૃષ્ણા અભિષેક પર ગુસ્સો વ્યક્ત કરતાં આગળ કહ્યું હતું, 'તેની કોમિક ટેલન્ટ માત્ર તેના મામા ગોવિંદાના નામ સુધી જ સીમિત છે. તે હંમેશાં કહે છે કે મારા મામા આ ને મારા મામા આ. શું તે એટલો ટેલન્ટેડ નથી કે મામાના નામનો ઉપયોગ કર્યા વગર શો હિટ કરાવી શકે? સુનીતાએ કહ્યું હતું કે છેલ્લાં 3 વર્ષમાં ટેન્શન એ હદે વધી ગયું કે સમાધાનનો કોઈ સવાલ જ નથી. તમે પરિવારના નામ પર અપમાન ના કરી શકો અને ખોટો ફાયદો ઉઠાવી ના શકો. તેમણે કૃષ્ણા અભિષેકનું લાલન-પાલન કરીને મોટો કર્યો છે. જો તેણે સાસુના અવસાન બાદ કૃષ્ણાને ઘરમાંથી હાંકી કાઢ્યો હોત? જેણે મોટા કર્યા તેની સામે જ તે બોલવા લાગ્યો. તે બસ એટલું જ કહે છે કે આ વિવાદ ક્યારેય પૂરો નહીં થાય. હવે તે કૃષ્ણાનું મોં જોવા માગતી નથી.

શું છે વિવાદ?
2018માં કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે સો.મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે કેટલાક લોકો પૈસા માટે નાચે છે. આ પોસ્ટ પર સુનીતાએ કહ્યું હતું કે આ પોસ્ટ તેના પતિ ગોવિંદા વિરુદ્ધ કરવામાં આવી છે. ત્યાર બાદ ગોવિંદા-સુનીતાએ કૃષ્ણા-કાશ્મીરા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.