તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમને ખ્યાલ છે?:'કોઈ મિલ ગયા'ના જાદુએ 'તારક મહેતા..'માં પણ કામ કર્યું હતું, દયાભાભીના સંબંધી હતા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'કોઈ મિલ ગયા'માં જાદુનું પાત્ર ગુજરાતી કલાકાર ઈન્દ્રવદન પુરોહિતે ભજવ્યું હતું.

રીતિક રોશનની ફિલ્મ 'કોઈ મિલ ગયા'ને 10 ઓગસ્ટના રોજ 18 વર્ષ પૂરા થયા હતા. ફિલ્મમાં એલિયન એટલે કે જાદુનું પાત્ર ઘણું જ લોકપ્રિય થયું હતું. આ પાત્ર આજે પણ ચાહકોને યાદ છે. આ ફિલ્મમાં રીતિક રોશન તથા પ્રિટી ઝિન્ટા લીડ રોલમાં હતાં. જાદુ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં પણ જોવા મળ્યો છે.

કોણે ભજવ્યું હતું જાદુનું પાત્ર?
જાદુનું પાત્ર ફિલ્મમાં ગુજરાતી કલાકાર ઈન્દ્રવદન પુરોહિતે ભજવ્યું હતું.

'તારક મહેતા..'માં દયાભાભીના સંબંધીના રોલમાં હતાં
'તારક મહેતા..'માં ઈન્દ્રવદન પુરોહિતે કેમિયો કર્યો હતો. સિરિયલના એક એપિસોડમાં સુંદર (મયૂર વાકાણી) મુંબઈ જીજાજી જેઠાલાલ (દિલીપ જોષી)ના ઘરે પોતાની ટીમ શ્રી સાઇ ભક્ત મંડળ સાથે આવે છે. આ મંડળમાં સુંદર તથા દયાભાભી (દિશા વાકાણી)ના કાકા પણ હોય છે. આ કાકાનો રોલ ઈન્દ્રવદન પુરોહિતે કર્યો હતો. સિરિયલમાં તેમનું નામ 'જીવાચાચા' હતું.

કોણ હતાં ઈન્દ્રવદન પુરોહિત?
ઈન્દ્રવદન મૂળ ચાણોદના હતા. ગુજરાતી ફિલ્મમાં વર્ષો સુધી એક્ટર રમેશ મહેતાના જોડીદાર તરીકે ભૂમિકા ભજવતા ઇન્દ્રવદન પુરોહિતે 250 જેટલી ફિલ્મમાં કામ કર્યું હતું. 1981માં તેઓ તેમના મોટાભાઇ વિનોદચંદ્ર સાથે મુંબઇ બોલિવૂડમાં ગયા હતા. માત્ર 4.4 ફૂટ ઊંચાઇ અને અભિનયક્ષમતાને લીધે તેમને અનિલ કપૂર અને જેકી શ્રોફ અભિનિત ફિલ્મ 'યુદ્ધ'માં અભિનયની તક મળી હતી. ત્યારબાદ તેમણે 150થી વધુ હિન્દી ફિલ્મમાં કામ કર્યું હતું. બોલિવૂડમાં તેઓ 'છોટુદાદા' તરીકે લોકપ્રિય હતા.

ટીવી સિરિયલ 'બાલવીર' અને ગુજરાતી ટેલિવિઝન સિરિયલ 'માથાભારે મંજુલા'માં પણ તેમનો રોલ નોંધપાત્ર રહ્યો હતો.

28 સપ્ટેમ્બર, 2014ના રોજ મુંબઈમાં ઈન્દ્રવદન જયશંકર પુરોહિતનું 68 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. તેમની પહેલી ગુજરાતી ફિલ્મ 'ખાખરો ઝવેરી' હતી. તેઓ એક દાયકા સુધી વડોદરાની ઘડિયાળી પોળના કોલાખાડીમાં રહ્યા હતા.

હાલમાં જ 'તારક મહેતા..'ના 13 વર્ષ પૂરા થયા
28 જુલાઈના રોજ ટીવી સિરિયલ 'તારક મહેતા..'ને 13 વર્ષ પૂરા થયા હતા. આ પ્રસંગે ટીમ મોટી કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું. સિરિયલમાં બોલિવૂડના અનેક એ લિસ્ટેડ કલાકારો ફિલ્મના પ્રમોશન માટે આવી ગયા છે.