કૉફી વિથ કરન:ગૌરી ખાન પતિ શાહરુખની એક આદતથી હેરાન-પરેશાન, દીકરીને ડેટિંગ અંગે સલાહ આપી

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

'કૉફી વિથ કરન 7'માં ગૌરી ખાન આવવાની છે, તે જાહેરાત થઈ ત્યારથી ચાહકો એક્સાઇટેડ થઈ ગયા છે. કરન જોહરના શોમાં ગૌરી ખાન, મહીપ કપૂર (સંજય કપૂરની પત્ની) તથા ભાવના પાંડે (ચંકી પાંડેની પત્ની) સાથે જોવા મળશે. હાલમાં જ કરને લેટેસ્ટ એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો હતો. પ્રોમોમાં ગૌરી ખાને દીકરી સુહાનાને ડેટિંગ અંગે સલાહ આપી છે અને શાહરુખ ખાનની એક આદતથી તે હેરાન-પરેશાન હોવાની વાત કરી હતી.

દીકરીને શું સલાહ આપશે?
પ્રોમોમાં કરન જોહરે ગૌરી ખાનને પૂછ્યું હતું કે તે દીકરી સુહાનાને કઈ ડેટિંગ ટિપ્સ આપવા માગે છે? જવાબમાં ગૌરીએ કહ્યું હતું કે સુહાના ક્યારેય એક સાથે બે છોકરાઓને ડેટ ના કરે. આ વાત સાંભળીને બધા હસવા લાગ્યા હતા.

નોંધનીય છે કે સુહાના ખાન ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મમાં બોની કપૂર-શ્રીદેવીની દીકરી ખુશી કપૂર તથા અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગત્સ્ય પણ છે.

મહીપને હૃતિક રોશન સાથે કામ કરવું છે
શોમાં કરને મહીપને પૂછ્યું હતું કે જો તેને ફિલ્મ ઑફર કરવામાં આવે તો તે કયા એક્ટર સાથે કામ કરવા માગે છે? જવાબમાં મહીપે હૃતિક રોશનનું નામ લીધું હતું. આ સાંભળીને કરને કહ્યું હતું કે સાચે જ, આવું કહેવાની તારામાં હિંમત પણ છે.

પતિની આદતથી હેરાન-પરેશાન
ગૌરી ખાનને શોમાં પૂછવામાં આવ્યું હતું કે પતિ શાહરુખની કઈ ખરાબ આદત છે. શોમાં કરન જોહરે કહ્યું હતું કે શાહરુખ ખાન જ્યારે પણ પોતાના ઘરે પાર્ટી કરે ત્યારે બેસ્ટ હોસ્ટ બનતો હોય છે. તે પાર્ટીમાં આવેલા તમામે તમામ મહેમાનોને કાર સુધી મૂકવા જાય છે. આ સાંભળીને ગૌરી ખાને કહ્યું હતું કે લોકો ભલે શાહરુખ ખાનની આ આદતના વખાણ કરતા હોય, પરંતુ તે આ આદતથી મુશ્કેલીમાં મૂકાતી હોય છે.

ગૌરી ખાને કહ્યું હતું કે તેને ઘણીવાર એમ લાગે કે શાહરુખ ઘરમાં પાર્ટી કરવાને બદલે બહાર જ સમય વધુ પસાર કરે છે. મહેમાનો પાર્ટીમાં શાહરુખ ખાનને શોધવાનું શરૂ કરે છે. તેને લાગે છે કે તેમની પાર્ટી ઘરને બદલે રસ્તા પર થઈ રહી છે.

ગૌરીએ એમ પણ કહ્યું હતું કે તેની અને શાહરુખની લવ સ્ટોરીને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નું નામ આપવું જોઈએ, કારણ કે તેમની લવ સ્ટોરી પણ કંઈક આવી જ છે.

ગૌરી ખાન નવો શો લઈને આવે છે
ગૌરી ખાન 'ડ્રીમ હોમ્સ વિથ ગૌરી ખાન' કરીને નવો શો લઈને આવે છે. આ શોમાં ગૌરી પોતે ડિઝાઇન કરેલા સેલિબ્રિટીઝના ઘર બતાવશે.

અન્ય સમાચારો પણ છે...