કોરોના સામે જંગ:કોરોના સર્વાઈવર કિરણ કુમાર ડિસ્પોઝેબલ વાસણોમાં જમે છે, રૂમની સાફ-સફાઈ જાતે જ કરે છે

મુંબઈ3 વર્ષ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

થોડાં સમય પહેલાં કિરણ કુમારનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં ત્રીજો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. એક્ટરે કહ્યું હતું કે તેમણે ઘરે રહીને કોરોનાવાઈરસની સારવાર કરી હતી. તેમના મતે, તેઓ ડિસ્પોઝેબલ વાસણોમાં ભોજન કરે છે અને પોતાના રૂમની સાફ સફાઈ પણ જાતે જ કરે છે. 

કિરણ કુમારે કહ્યું હતું કે તેઓ ઘરના બીજા માળે આઈસોલેશનમાં રહે છે. તેમણે પત્નીને ડિસ્પોઝેબલ વાસણો ખરીદવા માટે કહ્યું હતું. આ વાસણોમાં જ તેઓ ભોજન કરે છે. તેમનું ભોજન સીડી પર મૂકી દેવામાં આવે છે. તેઓ કોઈના પણ કોન્ટેક્ટમાં આવ્યા વગર આ ભોજન લે છે અને જમે છે. પછી તેઓ પ્લેટ્સને ડિસ્પોઝ કરે છે. તેઓ પોતાની પથારી પણ જાતે જ સાફ કરે છે અને રૂમની સફાઈ પણ કરે છે. 

કોરોનાને ડેથ વોરંટ ના સમજો
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કિરણ કુમારે કહ્યું હતું, ‘હું કોરોના વાઈરસથી ડરતો નહોતો. આથી મને કોઈ પણ પ્રકારની ગભરામણ કે એવું કંઈ થયું નહીં. હવે, એ માનીને ચાલવું પડશે કે આ વાઈરસ સાથે જ આપણે જીવવાનું છે. આ વાઈરસ એક સામાન્ય ફ્લૂ જેવો છે. આનાથી ડરવાની કોઈ જરૂર નથી. આને ડેથ વોરંટ સમજવાની જરૂર નથી. તમે બસ તમારી તબિયતનું ધ્યાન રાખો. સાવધાની રાખો અને વાઈરસ સાથે જીવવાની આદત પાડી દો.’

મને ખ્યાલ જ નથી કે હું કેવી રીતે ઝપેટમાં આવ્યો
કિરણ કુમારે કહ્યું હતું, ‘હું ઘરની બહાર ગયો નથી અને કોઈના સંપર્કમાં આવ્યો નથી. આમ છતાંય હું કોરોનાની ઝપેટે ચડી ગયો. ખબર નહીં આ કેવી રીતે થયું? મને સહેજ પણ ખ્યાલ નથી કે વાઈરસ મારા શરીરની અંદર ક્યાંથી આવ્યો. દર વખતની જેમ આ વખતે પણ હું રેગ્યુલર હેલ્થ ચેકઅપ માટે ગયો હતો. જોકે, ડોક્ટર્સે મને પહેલાં કોરોનાનો ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. કોઈ પણ લક્ષણો વગર મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો.’

વધુમાં કિરણ કુમારે કહ્યું હતું, ‘મેં તરત જ કોર્પોરેશનને સૂચના આપી હતી. મારા ઘરમાં બે માળ છે તો મને તંત્રે એક ફ્લોર પર રહેવાની પરવાનગી આપી હતી. મેં બીજા માળે મારી જાતને આઈસોલેટ કરી હતી અને સાવધાની રાખી હતી. થોડાં દિવસ બાદ બીજીવાર રિપોર્ટ કરાવ્યો તો નેગેટિવ આવ્યો હતો. જોકે, હું હજી પણ સાવધાની રાખું છું. ફેમિલી મેમ્બર્સથી દૂર રહું છું અને ઘરમાં પણ માસ્ક પહેરીને જ રાખું છું.’

ઉલ્લેખનીય છે કે કિરણ કુમારનો 14 મેના રોજ કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી તેઓ હોમ ક્વૉરન્ટીન છે. 

અન્ય સમાચારો પણ છે...