પતિની છેલ્લી ઈચ્છા પૂરી કરી:કેતકી દવેએ પતિના મૃત્યુના ત્રીજા દિવસે નાટક ભજવ્યું, દર્શકોએ ઊભા થઈને તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું

અમદાવાદ16 દિવસ પહેલા

ગુજરાતીના જાણીતા એક્ટર રસિક દવેનું 65 વર્ષની ઉંમરમાં 29 જુલાઈના રોજ અવસાન થયું હતું. રસિક દવે છેલ્લાં કેટલાંક વર્ષોથી કિડનીની બીમારી હતી. છેલ્લાં 15-20 દિવસમાં તેમની તબિયત લથડી હતી. રસિક દવેએ પોતાની બીમારી દરમિયાન ઘણીવાર પત્ની કેતકી દવેને કહ્યું હતું કે તેમને કંઈ પણ થઈ જાય, પરંતુ તે ક્યારેય પોતાનું કામ બંધ કરશે નહીં. શો મસ્ટ ગો ઓન. પતિની આ છેલ્લી ઈચ્છાને માન આપીને કેતકી દવેએ પતિના મોતના ત્રીજા જ દિવસે મુંબઈના ઘાટકોપરના ખીચોખીચ ભરેલા હોલમાં નાટક 'ખેલ ખેલે ખેલૈયા'માં પર્ફોર્મ કર્યું હતું.

નાટકના ડિરેક્ટર તથા પ્રોડ્યૂસરે શું કહ્યું?
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નાટકના ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર કિરણ ભટ્ટે કહ્યું હતું, 'નાટકના કલાકારોના ઇન્ટ્રોડક્શન દરમિયાન જ્યારે કેતકી દવેનો પરિચય આપવાનો વારો આવ્યો ત્યારે દર્શકોએ ઊભા થઈને તાળીઓના ગડગળાટ વચ્ચે તેમનું સ્વાગત કર્યું હતું. કેતકી દવેએ પણ પ્રોફેશનાલિઝ્મનો પરચો આપીને આ નાટકમાં અભિનય કર્યો હતો. હેટ્સ ઓફ કેતકી દવે. દર્શકોએ કેતકી દવેને ઘણું જ માન આપ્યું હતું. આ નાટકનો ગઈ કાલે (31 જુલાઈ)એ ચેરિટી શો હતો. 2, 6 તથા 7 ઓગસ્ટે પણ આ નાટકના શો યોજાશે.'

કિરણ ભટ્ટ. ('તારક મહેત કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાના રોલમાં જોવા મળે છે)
કિરણ ભટ્ટ. ('તારક મહેત કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાના રોલમાં જોવા મળે છે)

રસિક દવેએ જ શો કેન્સલ કરવાની ના પાડી હતી
વધુમાં કિરણ ભટ્ટે કહ્યું હતું, 'રસિક હંમેશાં કહેતો કે મને કંઈ થાય તો પણ શો ક્યારેય કેન્સલ કરતો નહીં. આ જ વાત રસિકે કેતકીને પણ કહી હતી કે તે પણ ક્યારેય કોઈ શો કેન્સલ નહીં કરે. રસિક હંમેશાં શો મસ્ટ ગો ઓનમાં માનનારો હતો. કેતકીએ નાટકમાં સુપર્બ પર્ફોર્મન્સ આપ્યું હતું. અમે કેતકી સાથે કોઈ દુઃખની વાત કરી નહોતી. આટલું જ દર્શકોએ પણ કેતકી દવેને એ જ રીતે સપોર્ટ આપ્યો હતો.'

મારું દુઃખ મારું જ છે
કિરણ ભટ્ટે કેતકી દવે અંગે વાત કરતાં કહ્યું હતું, 'કેતકી એમ માને છે કે મારું દુઃખ માત્ર મારું છે અને તેમાં બીજા લોકો કેમ ભાગીદાર થાય. જે થયું એ થયું છે. આ વાત કેતકીને વારસામાં મળી છે. તેમના પરિવારમાં વર્ષોથી આ રીતે ચાલતું આવ્યું છે. સરિતાબેન (સરિતા જોષી, કેતકી દવેના માતા તથા જાણીતા એક્ટ્રેસ) પણ આમ કરતાં હતાં.'

કેતકી દવે તથા રસિક દવેને એક દીકરી ને એક દીકરો છે.
કેતકી દવે તથા રસિક દવેને એક દીકરી ને એક દીકરો છે.

27 દિવસમાં 26 શો
કિરણ ભટ્ટે કહ્યું હતું, 'આ નાટકનો પહેલો શો જૂનમાં યોજાયો હતો. 27 દિવસની અંદર આ નાટકના અત્યાર સુધી 26 જેટલા શો યોજાઈ ગયા છે. આ નાટકની તૈયારીના ભાગ રૂપે તમામ કલાકારોએ ત્રણથી છ વાર રિહર્સલ કર્યું હતું.

કેતકી દવેએ શું કહ્યું હતું?
અન્ય એક ઇન્ટરવ્યૂમાં કેતકી દવેએ કહ્યું હતું, 'રસિકને ક્યારેય પોતાની બીમારી અંગે વાત કરવી પસંદ નહોતી અને તેથી જ અમે ક્યારેય કોઈને તેમની ખરાબ તબિયત અંગે જાણ કરી નહોતી. તે ઘણાં જ પ્રાઇવેટ પર્સન છે અને તે હંમેશાં બધું સારું થશે તેમ માનતા હતા. જોકે, અમને ઊંડે ઊંડે ખ્યાલ હતો કે તે ઠીક નથી. છેલ્લાં કેટલાંક દિવસથી તે મને કહેતા કે મારે મારું કામ ચાલુ રાખવું જોઈએ. હું નાટકમાં કામ કરતી હતી અને મેં તેમને કહ્યું હતું કે મારું મન હાલમાં કામ કરવાની સ્થિતિમાં નથી. તો તે હંમેશાં કહેતા કે શો મસ્ટ ગો ઓન અને મારે મારું કામ ક્યારેય બંધ કરવું નહીં. તેમની તબિયત સારી નહોતી ત્યારે પણ તે એમ જ કહેતા કે તે ઠીક છે અને આશા ગુમાવવી જોઈએ નહીં.'

કેતકી દવે 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'માં 'અરરર...' ડાયલોગ બોલીને લોકપ્રિય થયાં હતાં.
કેતકી દવે 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'માં 'અરરર...' ડાયલોગ બોલીને લોકપ્રિય થયાં હતાં.

1979માં પહેલી મુલાકાત
કેતકીએ રસિક દવે સાથેની પહેલી મુલાકાત યાદ કરીને કહ્યું હતું, '1979માં એક નાટક દરમિયાન અમારી મુલાકાત થઈ હતી. અમે તરત જ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. ત્યારબાદ અમે અઢળક નાટકોમાં કામ કર્યું હતું અને ટીવી શો પણ સાથે કર્યા હતા. અમે પ્રેમમાં પડ્યા અને 1983માં અમે લગ્ન કર્યા હતા. રસિક ઘણો જ ડાઉન ટુ અર્થ રહેતા. તે હંમેશાં મને જીવનના ચઢાવ-ઊતારનો સામનો કરવાની હિંમત આપતા. લગ્નના 40 વર્ષ રસિક સાથે ઘણાં જ ખુશીથી પસાર થયા હતા.'

સરિતા જોષીએ શું કહ્યું હતું?
કેતકી દવેના માતા તથા જાણીતા એક્ટ્રેસ સરિત જોષીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રસિક દવેને બ્લડ પ્રેશર તથા કિડનીની બીમારી હતી. તે ડાયલિસિસ પર હતા. તે છેલ્લાં 15-20 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા. ગુરુવાર, 28 જુલાઈના રોજ તેમને હોસ્પિટલથી ઘરે લાવ્યા હતા અને તે તેમને મળવા પણ ગયા હતા. શુક્રવાર, 29 જુલાઈની સાંજે 7-7.30ની વચ્ચે રસિક દવેએ અંતિમ શ્વાસ લીધા હતા.

રસિક દવે તથા કેતકી દવે થિયેટર કંપની ચલાવે છે.
રસિક દવે તથા કેતકી દવે થિયેટર કંપની ચલાવે છે.

1982માં પહેલી ગુજરાતી ફિલ્મ કરી હતી
રસિક દવેએ 1982માં ગુજરાતી ફિલ્મ 'પુત્રવધૂ'થી કરિયરની શરૂઆત કરી હતી. તેમણે 'મહાભારત', 'એક મહલ હો સપનો કા', 'સંસ્કારઃ ધરોહર અપનો કી' જેવા હિંદી શોમાં પણ કામ કર્યું હતું. નોંધનીય છે કે 'મહાભારત'માં તેમણે નંદની ભૂમિકા ભજવી હતી. 2006માં ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે'માં પત્ની કેતકી સાથે જોવા મળ્યા હતા. કેતકી દવે 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી'માં દક્ષાનો રોલ પ્લે કરીને ઘેર-ઘેર લોકપ્રિય થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...