કૌન બનેગા કરોડપતિ 12:કોરોનાકાળમાં અમિતાભ બચ્ચન સેટ પર કોણીથી કોણી મિલાવીને લોકોનું અભિવાદન કરે છે, માસ્ટર માઈન્ડ અરૂણ શેષકુમારનો ખુલાસો

મુંબઈએક વર્ષ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

લોકપ્રિય રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ'ની 12મી સિઝન 28 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. કોરોનાવાઈરસને કારણે સેટ પર વધારે સલામતી સાથે શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. શોના માસ્ટરમાઈન્ડ એટલે કે ડિરેક્ટર અરૂણ શેષકુમારના મતે કોરોનાને ધ્યાનમાં રાખીને હોસ્ટ અમિતાભ બચ્ચને સેટ પર એક નવી પ્રથા શરૂ કરી છે અને આ પ્રથાનું દરેક મેમ્બર પાલન કરે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અરૂણે અમિતાભ બચ્ચન ટેક્નોલોજી ફ્રિક હોવાની વાત કહી હતી.

'શરૂઆતમાં અમને ડર લાગ્યો હતો'
અરુણ કુમારે કહ્યું હતું, 'અમારી થીમલાઈન આ વખતે 'હર સેટ-બેક કા જવાબ કમ-બેક સે હોતા હૈ' છે. આ લાઈન અમારા શો માટે ક્યાંકને ક્યાંક લાગુ પડે છે. કોરોનાને કારણે અમે થોડા ડરેલા હતા. કોરોના અમારા માટે એક સેટ-બેકની જેમ જ હતો. આ દરમિયાન કામ શરૂ કરવું થોડું મુશ્કેલ હતું. જોકે, આપણે જીવનમાં એક વાત ધ્યાનમાં લેવી જોઈએ કે કોઈ પણ વસ્તુ કાયમી નથી. હાલમાં આપણે બધાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ, પરંતુ આ સમય પણ પસાર થઈ જશે. અમિતાભ બચ્ચનની સાથે અમે બધાં જ હકારાત્મકતાથી કામ કરતા હતા. શોમાં મોડું જરૂર થયું છે. આમ તો અમે દર વર્ષે ઓગસ્ટમાં શો શરૂ કરી દેતા હતા અને આ વખતે શો એક મહિનો મોડો શરૂ થશે. જોકે, હવે દર્શકોએ વધુ રાહ જોવી પડશે નહીં.

'શૂટિંગ પ્રોસેસ ઘણી જ બદલાઈ ગઈ'
'આ વખતે શૂટિંગ પ્રોસેસમાં ઘણો જ ફેરફાર થયો છે. સેટ પર જઈને અમે સૌ પહેલાં સેનિટાઈઝ થતા હતા. એક બેઝિક મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડે, જેમાં ઓક્સિજન લેવલ, ટેમ્પ્રેચર લેવલ તથા મેડિકલ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેતું. વર્ક સ્ટેશન પર હાજર દરેક વ્યક્તિ PPE કિટ પહેરી રાખતો. ઘણી બાબતો બદલાઈ ગઈ છે. કંટ્રોલ રૂમ, જ્યાં અમે આખા શોને કંટ્રોલ કે ડિરેક્ટ કરતા તેને અમે ક્યુબિકલ ફોર્મમાં બનાવી દીધો છે. તે રૂમમાં અનેક પાર્ટીશન બનાવી દીધા છે, જેથી વ્યક્તિઓ એકબીજા સાથે અથડાઇ નહીં.'

'મિસ્ટર બચ્ચન અલગ રીતે હેન્ડશેક કરે છે'
વધુમાં અરૂણે કહ્યું હતું, 'અમને વર્ષોથી સેટ પર એકબીજા સાથે હાથ મિલાવવાની તથા ગળે મળવાની આદત હતી પરંતુ આ વખતે આવું કંઈ જ થયું નથી. જોકે, મિસ્ટર બચ્ચને એક નવો જ ઉપાય શોધી નાખ્યો હતો. તેઓ અલગ જ રીતથી હેન્ડશેક કરતા હતા. તેઓ કોણીથી કોણી મિલાવીને એકબીજાનું અભિવાદન કરતા હતા. સેટ પર દરેક વ્યક્તિ આનું પાલન કરે છે. અમે સેટ પર હવે સાથે બેસીને જમતા નથી. અમે ક્યુબિકલ રૂમમાં બેસીને એકલા જ જમી લઈએ છીએ. તમામ લોકો પ્રયાસ કરે છે કે આસપાસના લોકો સલામત રહે. મિસ્ટર બચ્ચન શૂટિંગ પૂરું કરીને તરત જ પોતાના રૂમમાં જતા રહે છે.

'મિસ્ટર બચ્ચનની સાથે સેટ પર ઈન્ટરેકશન ઘણું બદલાઈ ગયું'
'મિસ્ટર બચ્ચનની સાથે વાતચીત કરવાની રીત હવે બદલાઈ ગઈ છે. તે પોતાના રૂમમાં જ સ્ક્રિપ્ટ વાંચે છે. સેટ પર આવે ત્યારે તેમનો શોટ તૈયાર હોય છે. પહેલા અમે અડધો મીટરના અંતરે ઊભા રહીને વાત કરતા હતા અને શો અંગે કહેતા હતા. જોકે, હવે જો આમ કરવું હોય તો એક કાચનો રૂમ બનેલો છે, તેમાંથી વાતચીત થાય છે. પહેલા અમે ફ્લોર પર જઈને તેમને બ્રીફિંગ કરતા હતા પરંતુ હવે હેડફોનથી કરીએ છીએ. કોઈ પણ તેમની આસપાસ જતું નથી. અમે બચ્ચનજીનું ઘણું જ ધ્યાન રાખીએ છીએ. દરેક પ્રકારની સાવધાની રાખીએ છીએ. તેઓ પણ કહેતા હોય છે કે આ મુશ્કેલીનો સમય છે અને આપણે એકબીજાનું ધ્યાન રાખવાનું છે. સેટ પર તેઓ તમામને મોટિવેટ કરે છે.

'20 વર્ષમાં પહેલી વાર શોમાં દર્શકો નથી'
'20 વર્ષમાં પહેલી જ વાર શોમાં ઓડિયન્સ જોવા મળશે નહીં. ઑડિયન્સ ના હોવાને કારણે એક જાતનો ખાલીપો લાગે છે. તેમની એનર્જી મહત્ત્વની હતી. જોકે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે કંઈ જ કરી શકીએ તેમ નથી. શરૂઆતના દિવસમાં ઑડિયન્સ વગર શૂટિંગ કરવું એક પડકાર હતો પરંતુ હવે તો આદત પડી ગઈ છે.'

'મિસ્ટર બચ્ચન ટેક્નિકલી બહુ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે'
'મિસ્ટર બચ્ચન ટેક્નિકલી બહુ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે. ટેક્નોલોજીમાં તેઓ પોતાને સતત અપડેટ રાખે છે. તેમને ડિરેક્ટ કરવાની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે એકવાર તેમને ટેક્નોલોજી અંગે કહી દો છો તો તે સમજી જાય છે. મોટાભાગે તો તેમને ખ્યાલ જ હોય છે કે કઈ વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે. કોઈ નવું વર્ઝન તેમની સામે રજૂ કરો તો તેઓ તમામ માહિતી ભેગી કરી લે છે અને પછી આખી સિઝનમાં તમારે એમને બીજું કંઈ કહેવાની જરૂર રહેતી નથી. નાની-નાની વાતોનું ધ્યાન રાખે છે. તેમની સાથે કામ કરવાની મજા આવે છે.'

'ક્રૂ મેમ્બર્સમાં 30 ટકાનો ઘટાડો કર્યો'
'અમે ટીમ મેમ્બર્સમાં અંદાજે 30 ટકાનો ઘટાડો કર્યો છે. ઓડિયન્સ સાથે શૂટ કરતા ત્યારે ક્રૂ વધારે રહેતું પરંતુ આ વખતે ઓછા ક્રૂ મેમ્બર્સ સાથે શૂટિંગ કરી છીએ.'

ઉલ્લેખનીય છે કે અરૂણે 'સત્યમેવ જયતે', 'સચ કા સામના', 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ', 'નચ બલિયે' તથા 'ઝલક દિખલા જા' જેવા શો ડિરેક્ટ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...