લૉકડાઉન ડાયરી:'KBC'ની કરોડપતિ નેહા શાહે લૉકડાઉનમાં એક પણ દિવસ દવાખાનું બંધ નહોતું રાખ્યું, કહ્યું- લોકોની મદદ કરીને ખુશી મળી'

મુંબઈ7 મહિનો પહેલાલેખક: કિરણ જૈન

2021ના શરૂઆતમાં મુંબઈની નેહા શાહ 'કૌન બનેગા કરોડપતિ 12'ની ચોથી મહિલા કરોડપતિ બની હતી. નેહા પ્રોફેશનથી ડૉક્ટર છે. તે જીતેલી રકમમાંથી પોતાના માટે નવું મેડિકલ ક્લિનિક બનાવી રહી છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નેહાએ કહ્યું હતું કે લૉકડાઉન દરમિયાન અનેક લોકો મુશ્કેલીમાં હતા, કારણ કે તેમને યોગ્ય સમય પર યોગ્ય સારવાર મળતી નહોતી. આ વાતને ધ્યાનમાં રાખીને તે પોતાનું નવું ક્લિનિક બનાવવામાં વ્યસ્ત છે.

કોરોનાકાળમાં મને અહેસાસ થયો કે ક્લિનિકમાં ઓક્સિજન સિલિન્ડર હોવો જરૂરી
નેહા શાહે કહ્યું હતું, 'મેં એક જગ્યા ફાઈનલ કરી છે અને તેને નવા ક્લિનિક માટે ફાઈનલ કરી દઈશ. બે વર્ષ બાદ આ ક્લિનિક બનીને તૈયાર થશે. હું મારું પોતાનું મોટું ક્લિનિક બનાવવા માગું છું. અનેક પેશન્ટ્સે નાની-મોટી બીમારી માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. તેમના માટે બેડ્સ બનાવીશ. કોરોનાકાળમાં મને એ વાતનો અહેસાસ થયો કે ક્લિનિકમાં ઓક્સિજન સિલિન્ડર હોવો જરૂરી છે. પ્લાનિંગ પ્રમાણે, એક ઓક્સિજન મશીન પણ ક્લિનિકમાં રાખીશ. ઈમરજન્સી માટે દરેક ઈક્વિપમેન્ટ્સ રાખવા માગું છું. કોરોનાએ ઘણું બધું શીખવી દીધું છે.

88 વર્ષીય પિતાએ હિંમત આપી
ઉલ્લેખનીય છે કે નેહાના પિતા પણ પ્રોફેશનથી ડૉક્ટર છે. પૂરા લૉકડાઉનમાં અમે એક પણ દિવસ દવાખાનું બંધ રાખ્યું નથી. આ અંગે નેહાએ કહ્યું હતું, 'મને એ વાતનો ઘણો જ આનંદ છે કે અમે બહુ બધા લોકોની મદદ કરી શક્યા. હું મારા પિતાનો આભાર માનીશ, કારણ કે હું શરૂઆતમાં ઘણી જ ગભરાઈ ગઈ હતી. મારા પિતા 88 વર્ષના છે, પરંતુ તેઓ હિંમત હાર્યા નહીં. તે લોકોની મદદ કરવા માગતા હતા.'

પિતાને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા
વાતચીત દરમિયાન, નેહાએ કહ્યું હતું કે થોડાં સમય પહેલાં તેના પિતાને પણ કોરોના થઈ ગયો હતો. તેણે કહ્યું હતું, 'સપ્ટેમ્બરમાં પિતાનું ઓક્સિજન લેવલ ઘટી જવાને કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આ સમયે અમારા માટે ઘણો જ મુશ્કેલભર્યો રહ્યો હતો.'

'કેબીસી 12'નો અનુભવ ઘણો જ શાનદાર હતો
'કૌન બનેગા કરોડપતિ 12'ને યાદ કરીને નેહાએ કહ્યું હતું, 'મારા માટે લૉકડાઉનની આ ક્ષણ ઘણી જ સ્પેશિયલ રહેશે. 20 વર્ષથી પ્રયાસ કરતી હતી અને લૉકડાઉનમાં મારી આ ઈચ્છા પૂરી થઈ. અમિતાભ બચ્ચનની સામે ગેમ રમવી, તેમની સાથે વાત કરવી આ ઘણો જ શાનદાર અનુભવ રહ્યો હતો.'