'KBC'નો પ્રોમો વાઇરલ:KBCની એડમાં અમિતાભે મસમોટી ન્યૂઝ ચેનલોને ટ્રોલ કરી? સોશિયલ મીડિયામાં યુઝર્સે વીડિયો વાઇરલ કરીને મજા લીધી

મુંબઈ20 દિવસ પહેલા

લોકપ્રિય ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની 14મી સિઝન ટૂંક સમયમાં જ શરૂ થશે. આ શોનું શૂટિંગ થઈ ગયું છે. હોસ્ટ અમિતાભ બચ્ચને હાલમાં સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ 'KBC'નો આ પ્રોમો ઘણો જ વાઇરલ થયો છે. વીડિયોમાં અમિતાભ બચ્ચન દર્શકોને ખોટાં સમાચારોની જાળમાં ના ફસાવવું તેવી સલાહ આપે છે. આ શો ક્યારથી શરૂ થશે, તેની હજી સુધી ડેટ જાહેર કરવામાં આવી નથી.

શું છે પ્રોમોમાં?
પ્રોમોમાં જોઈ શકાય છે કે અમિતાભ બચ્ચન ગુડ્ડી નામની મહિલા સ્પર્ધકને સવાલ કરે છે. અમિતાભ પૂછે છે, 'આમાંથી કોની પાસે GPS ટેકનિક છે?' A) ટાઇપરાઇટર B) ટેલિવિઝન C) સેટેલાઇટ D) 2000 રૂપિયાની નોટ. આ સવાલ સાંભળીને ગુડ્ડી વિકલ્પ D પસંદ કરે છે. અમિતાભ સવાલ કરે છે કે તે સ્યોર છે? તો ગુડ્ડી કહે છે કે તે શું, આખું ભારત સ્યોર છે. પછી બિગ બી જવાબ આપે છે કે દેવીજી તમારો જવાબ ખોટો છે. સાચો જવાબ સેટેલાઇટ છે. આ સાંભળીને ગુડ્ડી કહે છે કે તમે મજાક તો નથી કરતાં ને? તો અમિતાભ કહે છે કે તમે જેને સાચું માની લીધું તે મજાક હતી. તો ગુડ્ડી કહે છે કે તેણે આ વાત ન્યૂઝમાં જોઈ હતી. તો ભૂલ એમની થઈને? આટલું સાંભળીને તરત જ અમિતાભ કહે છે કે બની શકે કે ભૂલ તેમની હોય, પરંતુ નુકસાન તો તમારું થયું ને?

અમિતાભ કહે છે, જ્ઞાનને ચકાસો
વીડિયોમાં છેલ્લે અમિતાભ કહે છે કે જ્ઞાન જ્યાંથી પણ મળે લઈ લેવું જોઈએ, પરંતુ તેને એકવાર અચૂકથી ચકાસવું જોઈએ.

2016માં નોટબંધી થઈ હતી
નવેમ્બર, 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. એક હજારની નોટ બંધ કરી હતી અને 500 તથા 2000 રૂપિયાની નવી નોટ બહાર પડશે તેમ કહેવામાં આવ્યું હતું. નવી 2000 રૂપિયાની નોટ અંગે વ્હોટ્સએપ સહિત વિવિધ સો.મીડિયા પ્લેટફોર્મમાં એવી વાતો વહેતી થઈ હતી કે તેમાં GPS ચિપ લગાવવામાં આવી હતી. જોકે, પછી આ અફવા અંગે પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ વાત પાયાવિહોણી છે. નોટમાં કોઈ પણ પ્રકારની ચિપ મૂકવામાં આવી નથી.