KBC 14ની પહેલી કરોડપતિ:12 ધોરણ પાસ કવિતા ચાવલા એક કરોડ રૂપિયા જીતી, 21 વર્ષે સપનું પૂરું થયું

મુંબઈ14 દિવસ પહેલા

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રહેતી કવિતા ચાવલા 'કૌન બનેગા કરોડપતિ'ની 14મી સિઝનની પહેલી કરોડપતિ સ્પર્ધક બની છે. કવિતા સાડા સાત કરોડ રૂપિયાનો છેલ્લા સવાલનો જવાબ આપે છે કે નહીં, તે હજી સુધી ક્લિયર થયું નથી. કવિતા વર્ષ 2000થી આ શોમાં ભાગ લેવા માગતી હતી, પરંતુ તેનું સપનું 21 વર્ષ બાદ પૂરું થયું.

પરિવારને સરપ્રાઇઝ આપશે
કવિતાએ એક ઇન્ટવ્યૂમાં કહ્યું હતું, 'અહીં સુધી આવવા બદલ હું ઘણી જ ખુશ છું. મને મારી જાત પર ગર્વ થઈ રહ્યો છે. હું એક કરોડ જીતનારી પહેલી સ્પર્ધક બની છું. મારો દીકરો વિવેક ને પિતા મારી સાથે મુંબઈમાં છે. મારા પરિવારમાં કોઈને ખ્યાલ નથી કે હું એક કરોડ રૂપિયા જીતી ચૂકી છું. હું ઈચ્છું છું કે તેઓ આ શો જુએ અને તેમને સરપ્રાઇઝ મળે.'

માત્ર 12 ધોરણ પાસ છે
કવિતાએ બાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. તેને અભ્યાસમાં ઘણો જ રસ છે. કવિતાએ કહ્યું હતું, 'આ શોને કારણે હું સતત વાંચતી હતી. વર્ષ 2000માં જ્યારે આ શો શરૂ થયો ત્યારથી હું આ શોમાં ભાગ લેવા માગતી હતી. ગયા વર્ષે હું ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ સુધી પહોંચી ગઈ હતી. આ વર્ષે હોટ સીટ પર બેસવાનું મારું સપનું સાકાર થયું. જ્યારે હું મારા દીકરાને ભણાવતી ત્યારે તેની સાથે હું પણ ઘણું બધું શીખતી હતી.'

દીકરાને વિદેશ મોકલવા માગે છે
કવિતાને જ્યારે પૂછવામાં આવ્યું કે તે જીતેલી રકમનું શું કરશે? તો જવાબ આપ્યો હતો, 'હું દીકરાને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલીશ. જો હું સાડા સાત કરોડ રૂપિયા જીતી જઈશ તો મારા માટે બંગલો બનાવીશ ને દુનિયા ફરીશ.'

અન્ય સમાચારો પણ છે...