ટીવી-એક્ટરે પત્ની પર ગંભીર આક્ષેપો કર્યા:કરન મેહરાએ કહ્યું, 'નિશા રાવલનું ધર્મના ભાઈ સાથે જ અફેર, 14 મહિનાથી મારા ઘરમાં રહે છે'

મુંબઈ12 દિવસ પહેલા

લોકપ્રિય ટીવી શો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફૅમ કરન મેહરા છેલ્લાં કેટલાંક સમયથી પત્નીને કારણે હેરાન-પરેશાન છે. કરન મેહરાની પત્ની ને એક્ટ્રેસ નિશા રાવલે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. 14 મહિનાથી આ કેસ ચાલે છે. હાલમાં જ મુંબઈમાં કરને પત્ની પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કરને કહ્યું હતું કે નિશાનું માનેલા ભાઈ સાથે અફેર ચાલે છે.

14 મહિનાથી નિશા તેની સાથે રહે છે
કરન મેહરાએ કહ્યું હતું, '14 મહિનાથી નિશા રાવલ તેના માનેલા ભાઈ રોહિત સેટિયા સાથે રહે છે. આ જ વ્યક્તિ સાથે નિશાનું એકસ્ટ્રા મેરિટલ અફેર ચાલે છે. રોહિતને નિશા પોતાનો માનેલો ભાઈ માને છે. રોહિતે નિશાનું કન્યાદાન પણ કરેલું હતું. 14 વર્ષથી મેં જોયું છે કે નિશા તેને રાખડી બાંધતી હતી, પરંતુ આજે તે બંને એકબીજાના રિલેશનશિપમાં છે. રોહિત પહેલેથી જ પરિણીત છે અને તેને સાત વર્ષીય દીકરી છે. લખનઉનો રહેવાસી રોહિત આજે મારી પત્ની ને દીકરા સાથે રહે છે. આ વાતની માહિતી નિશાની માતા લક્ષ્મી રાવલને પણ છે.'

જાનથી મારવાની ધમકી મળી
કરન મેહરાએ વધુમાં કહ્યું હતું કે તે છેલ્લાં 14 મહિનાથી નિશા વિરુદ્ધ પુરાવા ભેગો કરતો હતો. તેને 1400 પાનાંની એક ફાઇલ બનાવી છે. તેણે કોર્ટમાં આ ફાઇલ રજૂ પણ કરી છે. દરેકને લાગે છે કે પુરુષ છે તો એ જ ખોટો હશે, પરંતુ જો તેણે સાચી વાત લોકો સમક્ષ રજૂ ના કરી તો તેને જ ખોટો માનવામાં આવશે. નિશા તથા રોહિત તરફથી તેને સતત જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. તે આ વાત પણ એટલા માટે કહી રહ્યો છે, કારણ કે જો કાલે તેને કંઈ થઈ જાય તો ચાહકોને આ સચ્ચાઈની જાણ હોવી જોઈએ. તેના પરિવારને પણ સતત ધમકીઓ મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે નિશા તથા કરને ગયા વર્ષે કોર્ટમાં ડિવોર્સની અરજી કરી હતી. દીકરા કાવિશની કસ્ટડી માટે પણ બંને કોર્ટે ચઢ્યા છે. ગયા વર્ષે નિશાએ કરન વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ પોલીસ ફરિયાદ કરી હતી અને પતિનું એકસ્ટ્રા અફેર હોવાનો આક્ષેપ કર્યો હતો. તે સમયે કરને આ તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. નિશા તથા કરને 24 નવેમ્બર, 2012માં લગ્ન કર્યા હતા. પાંચ વર્ષ બાદ દીકરા કાવિશનો જન્મ થયો હતો.

નિશાએ કરનના આક્ષેપો પર શું કહ્યું?
કરનના આક્ષેપો બાદ નિશાએ કહ્યું હતું કે તે આ અંગે કોઈ કમેન્ટ કરવા માગતી નથી. તે કરનના દરેક સ્ટેટમેન્ટને કાઉન્ટર કરશે નહીં.

નિશા આ વર્ષે કંગના રનૌતના શો 'લૉકઅપમાં જોવા મળી હતી. ચર્ચા છે કે કરન મેહરા હવે રિયાલિટી ડાન્સ શો 'ઝલક દિખલા જા'માં ભાગ લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...