લોકપ્રિય કોમેડિયન તથા એક્ટર કપિલ શર્મા હાલમાં અપકમિંગ ફિલ્મ 'ઝ્વિગેટો'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન કપિલ શર્માએ પહેલી જ વાર સુનીલ ગ્રોવર સાથેના વિવાદ અંગે વાત કરી હતી. કપિલે સુનીલ સાથેના વિવાદ પાછળ પોતાના ગુસ્સાવાળા સ્વભાવને જવાબદાર ગણાવ્યો હતો.
શું કહ્યું કપિલે?
કપિલે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં સુનીલ ગ્રોવર સાથે થયેલા ઝઘડાની વાત સ્વીકારી હતી. જોકે, કપિલે એ વાતનો ઈનકાર કર્યો હતો કે તે બીજાની સફળતા જોઈને અસલામતી અનુભવે છે. કપિલે ચંદન પ્રભાકર, કૃષ્ણા અભિષેક, અલી અસગર તથા સુનીલ ગ્રોવર જેવા કલાકારોએ 'ધ કપિલ શર્મા શો' છોડ્યું તે પાછળ અલગ અલગ કારણ હોવનું જણાવ્યું હતું.
કપિે એમ પણ કહ્યું હતું કે તે જે લોકોને પસંદ કરે છે, તે લોકોને કારણે તેણે ક્યારેય અસલામતી અનુભવી નથી. તેને એ વાતનો સ્વીકાર કરવામાં કોઈ જ વાંધો નથી કે તે શોર્ટ ટેમ્પર હતો. આ તેના લોહીમાં છે. તે લોકોને ઘણો જ પ્રેમ કરે છે, પરંતુ જ્યારે તેને ગુસ્સો આવે છે ત્યારે તે પોતાની જાત પર કંટ્રોલ રાખી શકતો નથી.
વધુમાં કપિલે કહ્યું હતું કે તેને લોકો એવું કહેતા કે તે તેના દુશ્મન છે, પરંતુ તે હંમેશાં એમ જ કહેતો આવ્યો છે કે તે કોઈની સાથે દુશ્મની કરતો નથી અને કોઈ તેનું દુશ્મન નથી. તે એક માત્ર છે અને તેથી જ તમે તેને અભિમાની કહી શકો છે. કપિલે એમ પણ કહ્યું હતું કે જેટલાએ પણ શો છોડ્યો છે, તેમને જઈને પૂછો કે તેમને કેમ તેની સાથે કામ કરવું નથી. કપિલે એમ પણ કહ્યું હતું કે તેનો ઝઘડો માત્ર સુનીલ સાથે થયો હતો અને બીજા સાથે સારા સંબંધો છે.
2018માં બંને વચ્ચે ઝઘડો થયો હતો
સૂત્રોના મતે, 2018માં કપિલ તથા સુનીલ ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ફ્લાઇટમાં કપિલ ને સુનીલ વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે કોઈક મુદ્દે બોલાચાલી થઈ હતી અને કપિલે સુનીલ પર હાથ ઉપાડ્યો હતો. ભારત પરત આવ્યા બાદ સુનીલે 'ધ કપિલ શર્મા શો' છોડી દીધો હતો. ત્યારબાદ તે પોતાનો શો 'મેડ ઇન ઇન્ડિયા' લઈને આવ્યો હતો. આ શોમાં તેણે ચુટકીનું પાત્ર ભજવ્યું હતું. જોકે, સુનીલનો આ શો ખાસ ચાલ્યો નહોતો. માનવામાં આવે છે કે કપિલે સુનીલની માફી પણ માગી હતી. 2018 પછી સુનીલ અને કપિલે સાથે કામ કર્યું નથી.
'ઝ્વિગેટો' 17 માર્ચે રિલીઝ થશે
કપિલ શર્માની ફિલ્મ 'ઝ્વિગેટો' 17 માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મને નંદિતા દાસે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં શાહરુખ ખાનનો કેમિયો છે. આ ફિલ્મ 10-15 કરોડના બજેટમાં બની છે. ફિલ્મમાં કપિલ ઉપરાંત શહાના ગોસ્વામી, ગુલ પનાગ, સયાની ગુપ્તા, સ્વાનંદ કિરકિરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.