કોમેડી કિંગ કપિલ શર્મા કોમેડી માટે જાણીતો છે. 'ધ કપિલ શર્મા શો'માં કપિલ પોતાની સ્ટેન્ડઅપ કોમેડીથી દર્શકોના દિલ જીતી લેતો હોય છે. કોમેડી કિંગની કોમેડીનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં કપિલ શર્મા ટેલીપ્રોમ્પટર વાંચીને જોક ક્રેક કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો જોયા બાદ ઘણાં યુઝર્સે કપિલને ટ્રોલ કર્યો હતો.
કપિલનો વાઇરલ વીડિયો
સો.મીડિયામાં કપિલનો એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે. સ્ક્રીન ઝૂમ કરીને જોવામાં આવે તો વિન્ડો સ્ક્રીન પર ટેલીપ્રોમ્પટર છે અને કપિલ તેમાંથી જોઈને બોલતો હોય તેમ લાગે છે. યુઝર્સને લાગ્યું કે કપિલે અત્યાર સુધી તેમની સાથે છેતરપિંડી કરી છે. તેના સંવાદો ને જોક્સ તો પહેલેથી જ લખેલા છે અને તે માત્ર જોઈને બોલે જ છે.
કપિલને ચાહકોનો સપોર્ટ મળ્યો
સો.મીડિયા યુઝર્સે કપિલને આ મુદ્દે ટ્રોલ પણ કર્યો હતો. જોકે, તરત જ કપિલના ચાહકો તેના બચાવમાં આવી ગયા હતા. એક યુઝરે કહ્યું હતું કે ન્યૂઝ એંકર પણ આમ જ કરે છે. કપિલ લોકોને હસાવે છે તો બીજું શું જોઈએ? અન્ય એકે કહ્યું હતું, 'ટેલીપ્રોમ્પટરનો ઉપયોગ કરવો ઘણો જ સરળ છે, તું પણ કર ને ફેમસ થઈ જા.' અન્ય એકે કહ્યું હતું, 'ટેલીપ્રોમ્પટરમાં જોઈને બોલવું જરૂરી છે. શૂટિંગમાં આ સામાન્ય વાત છે.' બીજાએ કહ્યું હતું કે તે કંઈ ભૂલી ના જાય એટલે ટેલીપ્રોમ્પટરનો ઉપયોગ કરે છે. આટલા બધા લોકોને હસાવવા કંઈ સરળ નથી.
નોંધનીય છે કે હાલમાં આ શોની ચોથી સિઝન ચાલી રહી છે. આ વખતે શોમાં કપિલ શર્મા ઉપરાંત કિકુ શારદા, અર્ચના પૂરન સિંહ, સુમોના ચક્રવર્તી, સિદ્ધાર્થ સાગર, સૃષ્ટિ રોડે, ગૌરવ દૂબે, વિકલ્પ મહેતા, રાજીવ ઠાકુર, રહમાન ખાન જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.