તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:જેઠાલાલની 'ગડા ઇલેક્ટ્રોનિક્સ’ અંદરથી આખેઆખી બદલાઈ ગઈ, જુઓ દુકાનની અંદરની ઝલક

17 દિવસ પહેલા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ સારી રીતે જાણે છે કે ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ જેઠાલાલ ગડાની દુકાન છે. એમાં ‘બાઘા’ કામ કરે છે. બાઘા અને જેઠાલાલની વચ્ચે અવારનવાર મીઠો ઝઘડો જોવા મળતો હોય છે. શોમાં જેઠાલાલને બિઝનેસમેન બતાવાયા છે. સિરિયલમાં ચાલી રહેલા અત્યારના ટ્રેક પ્રમાણે જેઠાલાલની પ્રિય ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ દુકાન રિનોવેટ થઈને ચકાચક થઈ ગઈ છે અને એનું ચંપકલાલ ગડા ઉર્ફે ‘બાપુજી’ના હસ્તે ઉદઘાટન કરાવવામાં આવી રહ્યું છે. ટેલિવિઝનમાં આ એપિસોડ પ્રસારિત થાય એ પહેલાં સોશિયલ મીડિયા પર જેઠાલાલની ગડા ઈલેક્ટ્રોનિક્સની દુકાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે જેઠાલાલની દુકાન એકદમ નવી બની ગઈ છે.

અસિત મોદીએ દુકાનની ઝલક બતાવી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ શોના ફેન્સને પહેલાંથી દુકાનની ઝલક બતાવી દીધી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ આ વીડિયોમાં શોના નિર્માતાએ મીડિયાને પહેલાંથી દુકાનના દર્શન કરાવી દીધા છે, જેના પછી હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ ગયો છે. દુકાનની એન્ટ્રીથી લઈ અંદર સુધી બધું બદલાઈ ગયું છે.

હવે વધુ મોટી દુકાન થઈ ગઈ
વુડન ફ્લોરિંગ, કાચથી ચમકતી દુકાન સિવાય બાઘાના બેસવાની અને જેઠાલાલની સીટ પણ બદલાઈ ગઈ છે. એ સિવાય દુકાન પહેલાં કરતાં મોટી થઈ ગઈ છે. હવે દુકાનમાં ઘણી જગ્યા જોવા મળી રહી છે, જેને લઈ જેઠાલાલ પણ ઘણા ખુશ છે. જેઠાલાલ ફોટોગ્રાફર્સને પોઝ આપી રહ્યા છે. આ દરમિયાન તેમણે પીળા કલરનો શર્ટ અને બ્રાઉન પેન્ટ પહેર્યું હતું.

‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ના અસલી માલિક
‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને ખ્યાલ હશે જ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં જે ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ બતાવવામાં આવે છે એના મૂળ માલિક શેખર ગડિયાર છે. આ શોપનું મૂળ નામ ‘શેખર ઇલેક્ટ્રોનિક્સ હતું અને આ દુકાન મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે. શેખર ગડિયારે પોતાની દુકાન ‘તારક મહેતા’ના શૂટિંગ માટે ભાડે આપેલી છે. સિરિયલને કારણે પોપ્યુલારિટી મળ્યા બાદ શેખર ગડિયારે પોતાની દુકાનનું નામ બદલીને ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ જ રાખી દીધું છે. સિરિયલની લોકપ્રિયતાને કારણે આ દુકાન પણ હવે પોપ્યુલર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...