'આ ખોટાં સમાચાર ફેલાવનાર વ્યક્તિનું ભલું થાય':'તારક મહેતા..'ના જેઠાલાલને જાનથી મારી નાખવાની ધમકી મળી નથી, બોલ્યા- 'આ ધડ-માથાં વગરની વાત છે'

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોષી હાલમાં ચર્ચામાં છે. 2 માર્ચે નાગપુર પોલીસ પર એક ફોન આવ્યો હતો અને તેમાં વ્યક્તિએ દાવો કર્યો હતો કે દિલીપના ઘરની બહાર 25 હથિયારધારી લોકો હુમલો કરવા માટે તૈયાર છે. માહિતી મળતા જ પોલીસ અલર્ટ થઈ ગઈ હતી. હાલમાં જ આ અંગે દિલીપ જોષીએ વાત કરી હતી અને કહ્યું હતું કે આ તમામ વાતો તદ્દન ખોટી છે.

મને ખ્યાલ નથી કે અફવાની શરૂઆત ક્યાંથી થઈઃ દિલીપ જોષી
હિંદુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં દિલીપે કહ્યું હતું, 'આ સમાચાર ફૅક છે. આવું કંઈ જ થયું નથી. મને ખ્યાલ નથી કે અફવાની શરૂઆત ક્યાંથી ને કેવી રીતે શરૂ થઈ. આ વાત લગભગ બે દિવસથી ચાલે છે અને મને પણ સાંભળીને નવાઈ લાગી હતી.'

મને ખબર પડી કે લોકો મને કેટલો પ્રેમ કરે છેઃ દિલીપ
દિલીપ જોષીએ આગળ કહ્યું હતું, 'ખોટાં સમાચાર ફેલાવનાર વ્યક્તિનું બલું થાય. મારા હાલચાલ પૂછવા અઢળક ફોન આવ્યા. જૂના મિત્રો ને ફેમિલી ફ્રેન્ડ્સે ફોન કર્યા. તેમને મળીને, વાત કરીને સારું લાગ્યું. મને ખ્યાલ આવ્યો કે લોકો મને કેટલો પ્રેમ કરે છે. આટલા બધા લોકો મારી ને મારા પરિવારની ચિંતા કરે છે. આ ઘણાં જ આનંદની વાત છે.'

આ ધડ-માથાં વગરના સમાચાર છેઃ દિલીપ જોષી
દિલીપ જોષીએ વાત ઉમેરતા કહ્યું હતું, 'આ સાચે જ નવાઈ પમાડે તેવી વાત હતી અને મીડિયામાં પણ આ વાત બહુ જ ચાલી. જો વાસ્તવમાં આવું કંઈ બન્યું હોય અને આવી વાત ચાલે તો સમજ્યા, પરંતુ આ તો ધડ-માથાં વગરની વાત છે.'

શું હતી સમગ્ર ઘટના?
દિલીપ જોષીના નામે નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો. આ ફોનમાં કહેવામાં આવ્યું હતું કે એક્ટરના ઘરની બહાર 25 માણસો બંદૂક ને હથિયાર લઈને ઊભા છે. આ સાથે જ મુકેશ અંબાણી, ધર્મેન્દ્ર તથા અમિતાભ બચ્ચનના ઘરને બોમ્બથી ઉડાડવાની ધમકી આ ફોનમાં આપવામાં આવી હતી. આ વ્યક્તિએ એમ પણ કહ્યું હતું કે તેમાંથી કેટલાક લોકો વાતો કરતા હતા કે આ 25 લોકો મુંબઈમાં આ ઘટનાક્રમને અંજામ આપવા માટે શહેરમાં પ્રવેશી ચૂક્યા છે.

નાગપુર પોલીસે મુંબઈ પોલીસને અલર્ટ કરી
નાગપુર પોલીસે આ ફોન અંગેની માહિતી મુંબઈ પોલીસને આપી હતી અને શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનને અલર્ટ કર્યું હતું. મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશને આ અંગેની તપાસ શરૂ કરી છે.

કોણ હતો ફોન કરનાર વ્યક્તિ?
તપાસમાં એ વાત સામે આવી કે નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાંથી જે નંબર પરથી ફોન આવ્યો તે નંબર દિલ્હીની એક સિમ કાર્ડ કંપનીમાં કામ કરતા યુવકનો હતો. તે યુવકનો નંબર તેની જાણ બહાર હેક કરીને એક વિશેષ એપની મદદથી ઉપયોગ કરીને ફોન કરવામાં આવ્યો હતો. પોલીસ હવે તે ફોન કરનાર અસલી વ્યક્તિને શોધી રહી છે.

અંબાણી પરિવારને સુરક્ષા આપવામાં આવી
આ ફોન બાદ સુપ્રીમ કોર્ટે મુકેશ અંબાણી તથા તેમના પરિવારના તમામ સભ્યોને ભારત તથા વિદેશમાં Z+ની સિક્યોરિટી આપી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ સિક્યોરિટીનો ખર્ચો અંબાણી પરિવાર ભોગવશે.