દિશા વાકાણી પરત ફરશે?:'તારક મહેતા..'માં ચાર વર્ષ બાદ દયાભાભી જોવા મળશે? એપિસોડમાં જેઠાલાલે સંકેત આપ્યો

મુંબઈ5 મહિનો પહેલા
  • દિશા વાકાણીએ ઓક્ટોબર, 2017માં મૅટરનિટી બ્રેક લીધો હતો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દિશા વાકાણી છેલ્લાં ચાર વર્ષથી શોમાં જોવા મળતી નથી. હવે ચર્ચા છે કે દિશા વાકાણી એટલે કે દયાભાભી શોમાં પરત ફરશે. સિરિયલમાં જેઠાલાલે આ અંગે સંકેત આપ્યો હતો.

લેટેસ્ટ એપિસોડમાં કહી આ વાત
સિરિયલના લેટેસ્ટ એપિસોડમાં જેઠાલાલ (દિલીપ જોષી), મિસ્ટર સોઢી (બલવિંદ સિંહ સૂરી)ને કહે છે કે તે નસીબદાર છે કે તેની પત્ની 2-4 દિવસમાં પરત આવી જશે. આ દરમિયાન જેઠાલાલ કહે છે કે જ્યારથી દયા અમદાવાદ ગઈ છે, ત્યારથી પરત આવી શકી નથી. તો તારક મહેતા (શૈલેષ લોઢા) જેઠાલાલને કહે છે કે તે અમદાવાદ જઈને દયાભાભીને લઈ આવે, કારણ કે અમદાવાદ એટલું દૂર નથી.

જેઠાલાલે શું જવાબ આપ્યો?
તારક મહેતાની વાત સાંભળીને જેઠાલાલ ઉદાસ થઈ જાય છે અને કહે છે કે તેણે જ્યારે પણ દયાને પરત લાવવાની યોજના બનાવી, ત્યારે કોવિડ 19ના નિયમો લાગુ થઈ જાય છે. આટલું કહ્યાં બાદ જેઠાલાલ કહે છે કે જ્યારે કોવિડ 19ના નિયમો હટાવી દેવામાં આવશે ત્યારે તે દયા સાથે યાત્રા પર જશે. છેલ્લે ઐય્યર (તનુજ મહાશબ્દે), જેઠાલાલને પૂછે છે કે તે શું કરવાનો છે? તો જેઠાલાલે જવાબ આપ્યો હતો કે તે તો દયા પર નિર્ભર છે.

કોવિડ 19ના નિયમો એકદમ હળવા
ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોનાના નિયમો સાવ હળવા કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ચાહકોમાં એવી ચર્ચા થવા લાગી કે દેશભરમાં જ્યારે કોરોનાના નિયમો નામ પૂરતા રહી ગયા છે તો હવે સિરિયલમાં પણ દયાભાભી પરત ફરશે. હવે સિરિયલમાં નવાં દયાભાભી આવે છે કે દિશા વાકાણી તે જાણવા માટે ચાહકો ઉત્સુક છે.

અસિત મોદીએ કહ્યું, અંતિમ ક્ષણ સુધી દિશા વાકાણીને મનાવવાનો પ્રયાસ કરીશ
ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં અસિત મોદીએ કહ્યું હતું કે તે અંતિમ ક્ષણ સુધી દિશા વાકાણીને શોમાં લાવવાનો પ્રયાસ કરશે. આ પાત્ર ચાહકોમાં ઘણું જ લોકપ્રિય છે. જો દિશા વાકાણી શોમાં પરત નથી જ ફરતી તો તે રિપ્લેસમેન્ટ શોધશે.

2017માં દીકરીને જન્મ આપ્યો હતો
દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. હવે તેની દીકરી 3 વર્ષની થઈ ગઈ છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો.