રાખી સાવંતે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો:સાત મહિના પહેલાં ફાતિમા બનીને આદિલ સાથે લગ્ન કર્યા, હવે પતિએ નિકાહને 'ફૅક' ગણાવ્યા

મુંબઈ18 દિવસ પહેલા

વિવાદોની રાણી રાખી સાવંત ફરી એકવાર ચર્ચામાં છે. થોડા સમય પહેલાં જ રાખી સાવંત 'બિગ બોસ મરાઠી'માં જોવા મળી હતી. હવે રાખીએ બોયફ્રેન્ડ આદિલ દુરાની સાથેના લગ્નની તસવીરો શૅર કરીને ચાહકોને નવાઈમાં મૂકી દીધા છે. રાખીએ સો.મીડિયામાં લગ્નની તસવીરો ને વીડિયો શૅર કર્યાં છે. તેમણે કોર્ટ વેડિંગ તથા નિકાહ કર્યાં છે. રાખીના મતે તેણે આદિલ સાથે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. બંનેએ એકબીજાને ત્રણ મહિના ડેટ કર્યા હતા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આદિલે આ લગ્નને ફૅક ગણાવ્યા છે.

રાખી-આદિલનું નિકાહનામું.
રાખી-આદિલનું નિકાહનામું.

નિકાહાનામું વાઇરલ થયું
રાખીએ પ્રાઇવેટ સેરેમનીમાં મે, 2022ના રોજ આદિલ સાથે નિકાહ કર્યા હતા. તેણે પોતાનું નામ રાખી સાવંત ફાતિમા રાખ્યું છે. તેણે ઇસ્લામિક ધર્મ અનુસાર નિકાહ કર્યા છે અને ધર્મ પણ બદલ્યો છે. સો.મીડિયામાં રાખી ને આદિલનું નિકાહનામું વાઇરલ થયું છે. વેડિંગના વાઇરલ વીડિયોમાં રાખીએ પ્રિન્ટેડ લાલ-ગુલાબી શરારા પહેર્યો છે અને માથે દુપટ્ટો નાખ્યો છે. આદિલ કેઝ્યુઅલ લુક બ્લેક શર્ટ ને ડેનિમમાં છે. બંનેનાં ગળામાં વરમાળા છે અને બંને કેટલાક ડોક્યુમેન્ટ્સ સાઇન કરતાં જોવા મળ્યાં હતાં.

રાખીએ 'ઇટાઇમ્સ' સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'અમે નિકાહ સેરેમની તથા કોર્ટ મેરેજ કર્યા હતા. આદિલ આ વાત જાહેર કરવા માગતો નહોતો. છેલ્લા સાત મહિનાથી મેં આ મુદ્દે હોઠ સીવી રાખ્યા હતા. આદિલની બહેનના લગ્ન બાકી હતા અને તેને મનમાં એવું હતું કે અમારા લગ્ન જાહેર થઈ જશે તો તેની બહેનને યોગ્ય લાઇફપાર્ટનર મળવો મુશ્કેલ થઈ જશે. આદિલના મનમાં એવી શંકા હતી કે તે રાખી સાવંત સાથે જોડાયો છે તો તેણે બદનામીને સામેથી આમંત્રણ આપ્યું છે.'

આદિલે લગ્નનો ઇનકાર કર્યો
ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં આદિલે રાખી સાવંતના લગ્નના દાવાને ફૅક ગણાવ્યો છે. તેણે તેના લગ્નને જ નકલી ગણાવ્યા છે.

આદિલની વાત પર રાખીએ શું કહ્યું
લગ્ન અંગે આદિલની પ્રતિક્રિયા સાંભળ્યા બાદ રાખી સાવંત ધ્રુસકે ધ્રુસકે રડી હતી. તેણે ઇટાઇમ્સને કહ્યું હતું, 'તે પાગલ છે કે શું? મેં લગ્નના તમામ પુરાવા આપ્યા છે. મને ખ્યાલ નથી કે તે કેમ લગ્નની ના પાડે છે. મેં તેની પર આંખો બંધ કરીને વિશ્વાસ કર્યો અને સાત મહિના પહેલાં લગ્ન કર્યા. તેણે પોતાની બહેનના લગ્નને કારણે અમારા લગ્ન જાહેર ના કરવાનું કહ્યું હતું. મેં તેના પર વિશ્વાસ મૂક્યો અને હું 'બિગ બોસ મરાઠી 4'માં એન્ટર થઈ.'

આદિલે મને દગો આપ્યો
તેણે વધુમાં કહ્યું હતું, 'જ્યારે હું 'બિગ બોસ મરાઠી'ના ઘરની અંદર હતી ત્યારે બહાર ઘણુંબધું બની ગયું છે. હું યોગ્ય સમયે આ અંગે વાત કરીશ. હાલમાં હું મારા લગ્ન બચાવવા ઈચ્છું છું. મેં આદિલ સાથે લગ્ન કર્યા છે, આ વાત આખી દુનિયાને ખબર પડે. હાલમાં હું ઘણી જ મુશ્કેલીમાં છું અને તેથી જ લોકોની સામે મારા લગ્નની વાત આવવી જરૂરી હતી.'

રાખી પહેલાં પતિ રિતેશ સાથે.
રાખી પહેલાં પતિ રિતેશ સાથે.

રાખીએ પહેલા લગ્ન રિતેશ સાથે કર્યા હતા
ઉલ્લેખનીય છે કે રાખીએ પહેલા લગ્ન રિતેશ સિંહ સાથે કર્યા હતા. બંને 'બિગ બોસ 15'માં એન્ટર પણ થયાં હતાં, પરંતુ ટૂંક સમયમાં બંને અલગ થઈ ગયાં હતાં. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રાખીએ રિતેશથી અલગ થઈ હોવાની જાહેરાત કરી હતી. રાખીએ દાવો કર્યો હતો કે રિતેશ પહેલેથી જ પરિણીત હતો અને તેણે તેને છેતરી હતી.

અન્ય સમાચારો પણ છે...