IPL સસ્પેન્શન પાછળ બીજા પણ કારણો:TRPમાં 14%નો ઘટાડો, કોરોનાની વચ્ચે દેશને મનોરંજન આપવામાં ફ્લોપ, જાહેરાતોમાંથી પણ આવક ઘટવાની આશંકા હતી

મુંબઈ7 મહિનો પહેલાલેખક: મનીષા ભલ્લા
  • કૉપી લિંક
  • IPLએ દેશ પ્રત્યે સંવેદનશીલતા ના બતાવતા લોકોએ પણ મોં ફેરવી લીધું
  • વ્યૂઅરશિપમાં સતત ઘટાડો થતો હતો

BCCIએ ખેલાડીઓની સુરક્ષા તથા સ્વાસ્થ્યનું બહાનું આગળ ધરીને IPL 2021ને સસ્પેન્ડ કરી દીધી છે, પરંતુ આની પાછળ અન્ય એક કારણ પણ છે. આ વર્ષે કોરોનાને કારણે IPLની TRPમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)ના સત્તાવાર આંકડા પ્રમાણે, આ વર્ષે IPLની વ્યૂઅરશિપમાં 14 ટકાનો ઘટાડો નોધાયો છે. આનાથી પરથી એક વાત તો સ્પષ્ટ છે કે કોરોનાથી હેરાન પરેશાન લોકોએ IPL જોવાનું બંધ કર્યું છે.

IPL આગળ પણ ચાલુ રહેત તો TRP ઓછી હોવાને કારણે મેચ દરમિયાન બતાવવામાં આવતી જાહેરાતોના રેટ પણ નેગોશિયેટ કરવાનું દબાણ વધત. સિઝન ચાલુ રાખવાથી વધુ નુકસાન થઈ શકે તેમ હતું. હવે પૂરી સિઝન પોસ્ટપોન થઈ ગઈ છે. આ કારણે બ્રોડકાસ્ટર સ્ટાર નેટવર્કે આ વર્ષની એડવર્ટાઈઝમેન્ટ રેવન્યૂના તમામ દાવાઓ ધ્વંસ થઈ જાય. માર્કેટના સૂત્રોના મતે, સ્ટાર નેટવર્કને 2500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે તેમ હતું.

દેશમાં કોરોના બેકાબૂ થતાં IPLનો ઘણો જ વિરોધ કરવામાં આવ્યો હતો. છથી વધુ ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ અંતે IPL સસ્પેન્ડ કરવામાં આવી, પરંતુ બાર્ક રેટિંગ સાબિત કરે છે કે જો IPL સસ્પેન્ડ કરવામાં ના આવત તો વ્યૂઅરશિપમાં મોટાપાયે ઘટાડો થાત. બાર્કના મતે, 2020ની 14 મેચમાં પ્રતિ મેચ વ્યૂઅરશિપ 8.34 મિનિટ જ્યારે પ્રતિ મેચ ક્યૂમ્યૂલેટિવ રીચ 116 હતી. જોકે, આ વર્ષે 17 મેચમાં વ્યૂઅરશિપ 6.62 તથા ક્યૂમ્યૂલેટિવ 105 હતી.

બાર્કના એક અધિકારીએ કહ્યું હતું કે પહેલાં અઠવાડિયે બધું જ ઠીક હતું, પરંતુ દેશમાં જેમ જેમ કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું તેમ તેમ IPLની વ્યૂઅરશિપમાં ઘટાડો નોંધાતો ગયો હતો.

IPL નિષ્ઠુર દેખાતા લોકોએ મોં ફેરવ્યું
પ્રવાકેટર એડવાઈઝરીમાં પ્રિન્સિપાલ તથા એડ વર્લ્ડના એક્સપર્ટ પારિતોષ જોષીએ કહ્યું હતું, આપણે જે સમાજનો હિસ્સો છીએ અને જો આપણે તેના પ્રત્યે સંવેદનશીલ નહીં બનીએ તો આપણને નિષ્ઠુર માની લેવામાં આવશે. આપણને માત્ર પૈસાથી મતલબ છે, તેમ માની લેવામાં આવશે. દેશ આટલા મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, વ્યૂઅરશિપ સાબિત કરે છે કે લોકોને IPLમાં રસ નથી. જોકે, આ પૂરા પ્રકરણમાં BCCI, IPL ખેલાડીઓ તથા IPL ફ્રેન્ચાઈઝ પૂરી રીતે લાગણીહીન જોવા મળી. આ સમયે સૌથી પૈસાદાર ખેલાડીઓ તથા સંસ્થાએ લોકોની મદદે આવવાની જરૂર હતી. આ પહેલાં વિદેશમાં પણ રમતમાં સંવેદનશીલતા બતાવવામાં આવી હતી. જોકે, વિદેશી ખેલાડીઓ અને ત્યાં સુધી કે પાકિસ્તાની ખેલાડીઓએ સંવેદનશીલતા બતાવી, પરંતુ આપણાં ખેલાડીઓએ નહીં.

દેશમાં કોહરામ મચેલો હતો, પરંતુ BCCI પોતાના બાયોબબલમાં રહ્યું અને એવું બતાવ્યું કે જાણે તેને તો દેશ સાથે કોઈ લેવાદેવા જ નથી. જોકે, તે બાયોબબલમાં રહીને પણ પોતાના ખેલાડીઓને સલામત રાખી શક્યું નહીં. આવામાં વ્યૂઅરશિપ ઘટે તે સ્વાભાવિક છે.

રેટ વધાર્યા હતા, હવે સિઝન કેન્સલ થતાં સ્ટાર ઈન્ડિયાને મોટું નુકસાન
એડવર્ટાઈઝિંગ સાથે જોડાયેલા સૂત્રોના મતે, સ્ટાર ઈન્ડિયાએ ગઈ સિઝનની તુલનામાં આ વખતે લોકો IPL વધુ જોશે, તેમ માન્યું હતું. તેણે એ હિસાબે જાહેરાતના ભાવ વધાર્યા હતા. ગયા વર્ષે દસ સેકન્ડના સ્લોટના 11-12 લાખ રૂપિયા હતા. આ વખતે 13 લાખ રૂપિયા કરવામાં આવ્યા હતા. સૂત્રોના મતે, આ રેટ માત્રને માત્ર જાહેરાત કેટલા સેકન્ડ ચાલી, તેના પર જ નિર્ભર કરે છે. વ્યૂઅરશિપ ઘટવાની સ્થિતમાં ભાવમાં ફેરફાર થાય છે. વ્યૂઅરશિપ ઓછી હોવાને કારણે જાહેરાતના ભાવ ઘટાડવાનું દબાણ કરવામાં આવ્યું હતું. હવે જ્યારે સિઝન શરૂ થશે, ત્યારે ભાવ અંગે ચર્ચા થશે.

સબસ્ક્રાઈબર પર પણ દબાણ
સ્ટાર નેટવર્કને પડ્યા પર પાટુ એવી સ્થિતિ થઈ છે. લોકો IPL જોવા માટે હોટ સ્ટારનું સબસ્ક્રિપ્શન લેતા હોય છે. IPL પૂરી થયા બાદ દર્શકો હોટ સ્ટારના અન્ય શો જોતા હોય છે અને પછી સબસ્ક્રિપ્શન ચાલુ રાખે છે. જોકે, આ વખતે સબસ્ક્રિપ્શનમાં મોટા પ્રમાણમાં ઘટાડો આવ્યો હોય તેમ લાગે છે.

મોટી ઈવેન્ટ માત્ર એક કારણે પોસ્ટપોન થતી નથી
મીડિયા એક્સપર્ટ વનીતા કોહલી ખાંડેકરે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું, IPLની જાહેરાતોના એડ કોન્ટ્રાક્ટ મોટાભાગે મહિનાઓ પહેલાં સાઈન થઈ જતા હોય છે, પરંતુ તેમાં છેલ્લી ઘડીએ કંઈ પણ ફેરફાર કરવાનો નિયમ હંમેશાં હોય છે. આટલી મોટી ઈવેન્ટ કેન્સલ કરવાનો નિર્ણય એકદમ લેવામાં આવતો નથી અને તેની પાછળ માત્ર એક જ કારણ જવાબદાર હોઈ શકે નહીં. તમામ મોટા એડવર્ટાઈઝર્સ IPL સાથે જોડાવા માગતા હોય છે, આથી આ સિઝન ફરી શરૂ થાય ત્યારે અથવા નવી સિઝન થશે ત્યારે આ વખતના નુકસાનને સરભર કરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...