મુનમુન-યુવિકા ને યુવીને રાહત કે આફત?:હરિયાણા પોલીસને બદલે હવે ક્રાઇમ બ્રાંચ તપાસ કરશે, ત્રણેય વિરુદ્ધ SC/STનો કેસ છે

હિસાર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા તથા એક્ટ્રેસ યુવિકા ચૌધરી વિરુદ્ધ હિસારના હાંસીમાં અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કેસની તપાસ હવે સ્ટેટ ક્રાઇમ બ્રાંચને ટ્રાન્સફર કરવામાં આવી છે. ત્રણેય સેલેબ્સ વિરુદ્ધ હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશનમાં SC/ST એક્ટ હેઠળ અલગ અલગ કેષ થયા છે. ફરિયાદકર્તા રજત કલ્સને તપાસના નવા આદેશ પર રોષ પ્રગટ કરીને તપાસને ભ્રમિત કરવાનો આક્ષેપ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે હાંસીના દલિત અધિકાર કાર્યકર્તા તથા વકીલ રજતે SC/ST એક્ટ હેઠળ અલગ અલગ કેસ પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા (બબીતા) તથા ફિલ્મ એક્ટ્રેસ યુવિકા ચૌધરી વિરુદ્ધ કર્યા છે. ત્રણેય પર સમાજ વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ આપત્તિજનક શબ્દો કહેવાનો આક્ષેપ હતો.

સેલિબ્રિટી પર કેસ અંગે આવેલા આદેશ પ્રમાણે, તપાસ DSPના હાથમાંથી લઈને સ્ટેટ ક્રાઇમ બ્રાંચ, હરિયાણાને ટ્રાન્સફર કરવામાં આવી છે. તપાસ સ્ટેટ ક્રાઇમ બ્રાંચ હિસારના અધિકારી કરશે. DSP તથા તપાસ અધિકારી વિનોદ શંકરે કહ્યું હતું કે તેમને 9 જૂનના રોજ આ અંગે આદેશ મળ્યો હતો. હવે તે કેસની ફાઇલ ક્રાઇમ બ્રાંચને ટ્રાન્સફર કરશે.

તપાસ પૂરી થઈ ગઈ હતી, સરકારનું નવું ગતકડું
હાંસીના દલિત અધિકાર કાર્યકર્તા રજતે તપાસ ક્રાઇમ બ્રાંચને આપવા પર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે આ પગલાંને ગેરકાયદેસર ગણાવીને કહ્યું હતું કે હાંસી પોલીસે સેલેબ્સ વિરુદ્ધના કેસની તપાસ પૂરી કરી લીધી હતી. હવે માત્ર હિસારની SC/ST એક્ટ હેઠળ સ્થાપિત વિશેષ કોર્ટમાં ફાઇલ કરવાનું બાકી હતી. ત્રણેય સેલેબ્સ પોલીસ તપાસમાં સામેલ થઈ ચૂક્યા હતા. હાઇકોર્ટના આદેશ પર ત્રણેય આરોપી સેલિબ્રિટિઝને ધરપકડ બાદ વચગાળાના જામીન મળી ચૂક્યા હતા. પૂછપરછ પણ લગભગ પૂરી થઈ ગઈ હતી. મોબાઇલ, લેપટોપ પણ હાંસી પોલીસે પોતાના હસ્તક લઈ લીધા હતા.

હાઇકોર્ટમાં જઈશું: કલ્સન
વધુમાં કલ્સને કહ્યું હતું કે કેસની તપાસને ભ્રમિત કરવા માટે ત્રણેય આરોપી સેલિબ્રિટીની અરજી પર સરકારે ગેરકાયદેસર પગલું ભરીને આ તપાસને ટ્રાન્સફર કરી છે. હરિયાણા સરકાર તથા હરિયાણા પોલીસ પર રાજકિય પ્રેશર છે. શંકા છે કે કાવતરા હેઠળ આ ત્રણેય સેલેબ્સને બચાવવા માટે તપાસની દિશા બદલીને કેસને રદ્દબાતલ કરી શકાય છે. તે આ અંગે પંજાબ હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરીને પોલીસને જરૂરી આદેશ આપવાની માગણી કરશે. આ કેસમાં જલ્દીથી વિશેષ કોર્ટમાં CRPCની કલમ 173 હેઠળ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને ત્રણેય સેલેબ્સ વિરુદઅધ કેસ શરૂ કરવામાં આવશે.