તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રન્ટલાઈન વૉરિયર:'ઇન્ડિયન આઇડલ'ની સ્પર્ધક સાયલીના પિતા કોરોના દર્દીઓ માટે 12-14 કલાક નોન-સ્ટૉપ એમ્બ્યુલન્સ ચલાવે છે

મુંબઈ4 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • કિશોર કામ્બલેએ કહ્યું- ડર લાગે છે, પરંતુ સાવચેતી રાખું છું
  • 'પરિસ્થિતિ સુધરશે પછી જ રજા લઈશ, અત્યારે તો કામ ચાલુ રાખીશ'

સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12'ની સ્પર્ધક સાયલી કામ્બલેને તેના પિતાની સતત ચિંતા રહેતી હોય છે. સાયલીના પિતા કિશોક કામ્બલે મુંબઈમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરની નોકરી કરે છે. છેલ્લાં થોડાં મહિનાથી મુંબઈની સ્થિતિ કોરોનાને કારણે વણસી છે. આવી પરિસ્થિતિમાં કિશોર કામ્બલે રજા લીધા વગર રોજના 12-14 કલાક સતત કામ કરે છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં કિશોરે કહ્યું હતું કે તેમને ગર્વ છે કે તેઓ કોઈ રીતે દેશ માટે કામમાં આવી રહ્યાં છે.

ગર્વ છે કે આવા સમયે દેશની સેવા કરી શકું છું
કિશોરે કહ્યું હતું, 'હું છેલ્લાં 20 વર્ષથી મુંબઈની એક હોસ્પટિલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે કામ કરું છું. હું મારા કામથી ઘણો જ સંતુષ્ટ છું. છેલ્લાં થોડાં મહિનાથી મુંબઈની પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે. કોરોનાએ અનેકના જીવ લઈ લીધા છે. મને ગર્વ છે કે હું આવા સમયે મારા દેશની સેવા કરી શકું છું. પછી તે ડ્રાઈવિંગ કરીને જ કેમ ના હોય. લૉકડાઉનને કારણે અનેક ડ્રાઈવર આવતા નથી અને આ જ કારણથી મારી ડ્યૂટી વધી ગઈ છે. દિવસમાં 12-14 કલાક ડ્યૂટી કરવાની છે. છેલ્લાં કેટલાંક મહિનાથી એક પણ રજા લીધી નથી. જ્યારે પરિસ્થિતિ સુધરશે ત્યારે રજા લઈશ. હાલ તો બસ લોકોની મદદ કરવા માગું છું.

પત્ની સુરેખા સાથે કિશોર
પત્ની સુરેખા સાથે કિશોર

મને પણ મારો જીવ વ્હાલો છે
વધુમાં કિશોરે કહ્યું હતું, 'હું એ વાતની ના નહીં પાડું કે આવો ડરામણો માહોલ જોઈને મને ડર નથી લાગતો. મને પણ મારો જીવ વ્હાલો છે. જોકે, હું પૂરતી સાવચેતી રાખવાનો પ્રયાસ કરું છું. આ દરમિયાન ક્યારેક ગાડીનું હેન્ડલ તો ક્યારેક સ્ટ્રેચર પણ પકડવાનું હોય છે. ગાડીમાં ઓક્સિજન મશીન હોય છે, તેને પણ હાથ લગાવવો પડે છે. ડર લાગે છે, પરંતુ હું મારી ફરજથી પાછી પાની કરી શકું નહીં. સૌથી સારી વાત એ છે કે હાલમાં ઘરે માત્ર મારી પત્ની સુરેખા કામ્બલે છે અને તેનાથી દૂર રહું છું. સાયલી શોને કારણે હોટલમાં છે. સાયલીને મારી ઘણી જ ચિંતા થતી હોય છે, પરંતુ હું તેને એટલું જ કહું છું કે હુ સારુ કામ કરું છે અને તેણે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.'

દીકરી તથા પત્ની સાથે કિશોર
દીકરી તથા પત્ની સાથે કિશોર

જ્યાં સુધી પરિસ્થિતિ નહીં સુધરી, હું મારું કામ કરતો રહીશ
વાતચીતમાં કિશોરે ડ્યૂટી દરમિયાનનો અનુભવ પણ શૅર કર્યો હતો. તેમણે કહ્યું હતું, 'દિવસમાં આટલી બધી લાશોને સ્મશાન ઘાટ લઈ જતાં સમયે ઘણું જ દુઃખ થાય છે. કોવિડ પેશન્ટની જોડે તેમની પોતાની વ્યક્તિ પણ જઈ શકતી નથી, પરંતુ અમે તેમની આસપાસ હોઈએ છીએ. શરૂઆતના દિવસમાં હું મારી જાતને સંભાળી શકતો નહોતો જોકે હવે મેં મારી જાતને સંભાળી લીધી છે. મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી પરિસ્થિતિ નહીં સુધરે, ત્યાં સુધી હું મારું કામ કરતો રહીશ.'

ઉલ્લેખનીય છે કે કિશોર કામ્બલે પત્ની તથા દીકરી સાથે મુંબઈની ટાટાનગરની ચાલીમાં રહે છે. તેમને ગર્વ છે કે દીકરી સાયલી 'ઇન્ડિયન આઇડલ'થી પરિવારનું નામ રોશન કરી રહી છે.

દીકરી સાથે કિશોર
દીકરી સાથે કિશોર

'ઇન્ડિયન આઇડલ'નું શૂટિંગ દમણમાં ચાલે છે
મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાને કારણે 'ઇન્ડિયન આઇડલ'નું શૂટિંગ હાલમાં દમણમાં ચાલી રહ્યું છે. સાયલી શોમાં ઘણીવાર પિતાને યાદ કરીને ઇમોશનલ થઈ જતી હોય છે. હોસ્ટ આદિત્યે તેને સમજાવીને કહ્યું હતું કે તે ચિંતા ના કરે, કારણ કે ઈશ્વર તેના પિતાનું આ સારુ કામ જોઈ રહ્યાં છે અને તે હંમેશાં આશીર્વાદ આપશે.'

પરિવાર સાથે કિશોર
પરિવાર સાથે કિશોર

સાયલીએ કહ્યું હતું કે તેના પિતા એક સારું કામ કરી રહ્યાં છે. ફ્રન્ટલાઈન વૉરિયર હોવાને કારણે તેના પિતા કોરોનાકાળમાં કામ કરી રહ્યાં છે. તે આખો દિવસ PPE કિટમાં હોય છે અને જ્યારે તેમને કામની વચ્ચે સમયે મળે ત્યારે તેની સાથે વીડિયો કૉલ પર વાત કરે છે.