'ઇન્ડિયન આઇડલ 12' અંગે મોટો દાવો:અમિત કુમારની ટીકાથી લઈ સ્પર્ધકોના ટ્રોલિંગ સુધી, શોની TRP માટે જાતે જ વિવાદનો મધપૂડો છંછેડ્યો

મુંબઈએક વર્ષ પહેલા
  • હાલમાં જ શોની સ્પર્ધક શન્મુખા પ્રિયાને સિંગિંગ સ્ટાઈલને કારણે સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી

સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12' છેલ્લાં ઘણાં સમયથી વિવાદમાં છે. જોકે, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, આ તમામ ડ્રામા માત્રને માત્ર શોની TRP વધારવા માટે કરવામાં આવ્યો છે. શો સાથે જોડાયેલા સૂત્રોના મતે, તમામ વિવાદ સેલ્ફ જનરેટેડ છે. અચાનક કોઈ સ્પર્ધક ગીત સારું ના ગાય તો તેને ટ્રોલ કરવાનો અથવા તો શોના જજ ઈમાનદાર નથી, તે બધી જ વાતો પ્લાન્ડ કરેલી છે.

પબ્લિસિટી માટે બધું જ વ્યવસ્થિત રીતે ડિઝાઈન કરવામાં આવ્યું
વેબ પોર્ટલ સ્પોટબોયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે, પ્લેટફોર્મ અનેક ઈન્ટરપ્રિટેશન્સ માટે ઓપન છે કે કેવી રીતે પબ્લિસિટી કરવામાં આવે. સૌ પહેલાં જજ અમિત કુમારે દાવો કર્યો કે તેમને માત્ર સ્પર્ધકોના વખાણ જ કરવાનું કહેવામાં આવ્યું હતું. પછી ગીતકાર (મનોજ મુંતશિર) શોની વિરુદ્ધમાં બોલનાર અમિત કુમારની ટીકા કરે છે. આ બધું પબ્લિસ્ટી માટે બહુ જ વ્યવસ્થિત રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, જ્યારે શોના હોસ્ટ આદિત્ય નારાયણને પૂછવામાં આવ્યું કે શું શોમાં આવનાર ગેસ્ટ જજને માત્ર સ્પર્ધકોની સારી વાત જ કરવાનું કહેવામાં આવે છે તો હોસ્ટે જવાબ આપ્યો હતો કે ના એવું તો બિલકુલ નથી.

'ધ વોઈસ ઈન્ડિયા'ની TRP માટે આમ કરવામાં આવ્યું હતું
રિપોર્ટમાં 2019માં ટેલિકાસ્ટ થયેલો શો 'ધ વોઈસ ઈન્ડિયા'નું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. આ શોના જજ અદનામ સામી તથા અનુ મલિક હતા. એક દિવસ એવા ન્યૂઝ વાઈરલ થયા કે બંને સિંગર્સ વચ્ચે ઝઘડો થયો છે. જોકે, વાસ્તવમાં એવું કંઈ જ થયું નહોતું. આ અંગે અદનાન સામીએ એક વાતચીતમાં કહ્યું હતું કે એક દિવસ સવારમાં શોની PR ટીમે TRP વધારવાના ઉદ્દેશથી બંને જજ વચ્ચે ઝઘડો થયો હોવાના ન્યૂઝ વાઈરલ કર્યા હતા. નવાઈની વાત એ હતી કે અદનાન તથા અનુને આ અંગે કંઈ કહેવામાં પણ આવ્યું નહોતું. જ્યારે આ વાત મીડિયામાં આવી ત્યારે બંને શૂટિંગમાં વ્યસ્ત હતા અને બંનેને આ ન્યૂઝથી નવાઈ લાગી હતી.

'ઇન્ડિયન આઇડલ 12' અંગેના લેટેસ્ટ વિવાદ

  • ગયા મહિને કિશોર કુમારનો દીકરો અમિત કુમાર શોમાં આવ્યો હતો. શો પૂરો થઈ ગયા બાદ અમિત કુમારે દાવો કર્યો હતો કે તેને માત્રને માત્ર સ્પર્ધકોના વખાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, શોના હોસ્ટ આદિત્યે આવું કંઈ પણ બન્યું હોવાનો ઈનકાર કર્યો હતો.
  • ગીતકાર મનોજ મુંતશિરે એક વાતચીતમાં અમિત કુમારને આડેહાથ લીધો હતો. મનોજે કહ્યું હતું, 'જો આવું કંઈ હતું તો પછી અમિતે શોમાં આવવાની હા પાડવી જોઈતી નહોતી. તે પહેલાં શોમાં આવ્યો, પૈસા લીધા અને પછી શોની ટીકા કરી. મેં એવું કંઈ ના કર્યું, જે અમિત કુમારે કર્યું છે.'
  • શોની પહેલી સિઝનના વિનર અભિજીત સાવંતે કહ્યું હતું, 'આજકાલ મેકર્સ પ્રતિભાને બદલે એ વાતમાં વધુ રસ લઈ રહ્યાં છે કે સ્પર્ધકો જૂતા પોલીશ કરે છે કે નહીં અથવા તો તે કેટલો ગરીબ છે.
  • શોના બે સ્પર્ધકો મોહમ્મદ દાનિશ તથા શન્મુખા પ્રિયાને તેમની સિંગિંગ સ્ટાઈલ માટે સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યા હતા અને શોમાંથી બહાર કરવાની ડિમાન્ડ કરવામાં આવી હતી. આ અંગે મનોજ મુંતશિરે કહ્યું હતું કે બંને સ્પર્ધકોએ ફીડબેક પર ધ્યાન આપવાની જરૂર છે.
  • શોની પૂર્વ જજ તથા પ્લેબેક સિંગર સુનિધિ ચૌહાણે કહ્યું હતું કે તે જ્યારે આ શોને જજ કરતી હતી ત્યારે તેને પણ સ્પર્ધકોના વખાણ કરવાનું કહેવામાં આવ્યું હતું અને તે આમ કરી શકે તેમ નહોતી. આથી જ તે આ શોમાં વધુ સમય રહી શકી નહીં. હાલની સિઝનના જજ હિમેશ રેશમિયા, નેહા કક્કર તથા વિશાલ દદલાની અંગે કહ્યું હતું કે આપણે તેમને અત્યાર સુધી સ્પર્ધકોને સલાહ આપતા જોયા છે. તેમણે હકારાત્મક ટીકાની સાથે જજ કરવાનું તો બંધ જ કરી દીધું છે.