તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ડિયન આઇડલ 12:કિશોર કુમારના દીકરા અમિતે શોની પોલ ખોલી, કહ્યું- 'મને કહેવામાં આવ્યું હતું કે અહીંયાના તમામ સ્પર્ધકોના વખાણ જ કરવાના છે'

મુંબઈ3 મહિનો પહેલા
  • અમિત કુમારે કહ્યું, મેં જેટલા પૈસા માગ્યા તેટલા મેકર્સ આપ્યા, એટલે હું શોમાં ગયો
  • સો.મીડિયા યુઝર્સનો આક્ષેપ, સ્પર્ધકોએ કિશોર કુમારના ગીતોને યોગ્ય ન્યાય આપ્યો નથી

'ઇન્ડિયન આઇડલ 12'માં ગયા વીકેન્ડ એપિસોડમાં કિશોર કુમારનો દીકરો અમિત કુમાર આવ્યો હતો. શોના તમામ સ્પર્ધકોએ કિશોર કુમારના ગીતો ગાયા હતા. શો જોયા બાદ સો.મીડિયા યુઝર્સે કહ્યું હતું કે સ્પર્ધકોએ કિશોર કુમારના ગીતોને વ્યવસ્થિત રીતે ગાયા નહોતા. આ અંગે અમિત કુમારે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આખરે પડદાં પાછળ શું ખેલ રમાયો હતો.

કિશોર કુમારની જેમ કોઈ ગાઈ શકે નહીંઃ અમિત કુમાર
અમિતે કહ્યું હતું, 'મને ખ્યાલ છે કે દર્શકો તે એપિસોડ અંગે ઘણાં જ ગુસ્સામાં છે. સાચી વાત એ છે કે કોઈ પણ કિશોર કુમાર જેવું ગાઈ શકે નહીં. મેં તે જ કર્યું, જે મને કહેવામાં આવ્યું હતું. મને પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું હતું કે મારે બધાના વખાણ જ કરવાના છે. આ સાથે જ એમ કહેવામાં આવ્યું હતું કે કોઈ ગમે તેવું ગાય, પરંતુ તમારે તેને પ્રોત્સાહન જ આપવાનું છે. કારણ કે આ કિશોરદાને ટ્રિબ્યૂટ છે. મને લાગ્યું કે મારા પિતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, પરંતુ ત્યાં ગયો તો મને જે કહેવામાં આવ્યું તે જ મેં કર્યું હતું.

હોસ્ટ આદિત્ય નારાયણ, સ્પર્ધક પવનદીપ તથા અમિત કુમાર
હોસ્ટ આદિત્ય નારાયણ, સ્પર્ધક પવનદીપ તથા અમિત કુમાર

મેં જેટલા પૈસા માગ્યા, મેકર્સે મને આપ્યા
અમિતે આગળ કહ્યું હતું, 'જુઓ, દરેકને પૈસાની જરૂર હોય છે. મારા પિતા પણ પૈસાની બાબતમાં એકદમ ચોક્કસ હતા. મેં જેટલા પૈસાની ડિમાન્ડ કરી, મેકર્સે મને એટલા પૈસા આપી દીધા હતા. હા પણ એક વાત હું જરૂરથી કહેવા માગીશ કે જો આગામી વખતે તે કિશોર કુમાર જેવા લિજેન્ડને ટ્રિબ્યૂટ આપે છે તો તેમણે આવું કરવું જોઈએ નહીં. મેં જાતે તે એપિસોડ એન્જોય કર્યો નહોતો.'

કિશોર કુમારની ફિલ્મી સફર
4 ઓગસ્ટ, 1929 ખંડવા, મધ્યપ્રદેશમાં જન્મેલા કિશોર કુમાર ભારતીય સિનેમાના લોકપ્રિય ગાયક હતા તેઓ એક સારા એક્ટર પણ હતા. તેમણે 'આંદોલન', 'ચલતી કા નામ ગાડી', 'નૌકરી', 'મુસાફિર' જેવી ફિલ્મમાં એક્ટિંગ કરી છે. કિશોર કુમારે 70-80ના દાયકામાં કેટલીક ફિલ્મ ડિરેક્ટ પણ કરી હતી અને પ્રોડ્યૂસર પણ બન્યા હતા, જેમ કે 'બઢતી કા નામ દાઢી' તથા 'જિંદગી' સામેલ છે.