SRKની પોલ ખોલી:જુહી ચાવલાએ કહ્યું, 'IPLમાં KKR સારું પ્રદર્શન ના કરે તો શાહરુખ સ્ટેડિયમમાં મને ધમકાવતો હોય છે'

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુહી ચાવલાએ 'ધ કપિલ શર્મા શો'માં આ અંગે વાત કરી હતી

બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલાએ IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં તેની ટીમ KKR (કોલકાતા નાઇટ રાઇડર્સ) જ્યારે સારું પર્ફોર્મ ના કરે ત્યારે શું બને છે તે અંગે 'ધ કપિલ શર્મા શો'માં વાત કરી હતી. આ વીડિયો હાલમાં સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. જુહી ચાવલા, પતિ જય મહેતા તથા શાહરુખ ખાન KKRના માલિક છે.

શું કહ્યું જુહીએ?
જુહીએ કહ્યું હતું કે જ્યારે પણ ત્રણેય માલિકો મેચ જોવા માટે આવ્યા હોય ત્યારે મેચમાં KKR સારું પ્રદર્શન કરતી હોય છે. જ્યારે ટીમ ખરાબ રમવાનું શરૂ કરે એટલે તે તરત જ પ્રાર્થના કરવાનું શરૂ કરી દે છે.

તમામ ભગવાનને યાદ કરી લઉં છું
જુહીએ આગળ જણાવ્યું હતું, 'ભગવાનને યાદ કરવાનું શરૂ કરી દઉં છું. મંત્ર બોલવા લાગું છું. તમામના પગે પડી જાઉં છું. હનુમાનજીને પણ યાદ કરી લઉં છું. ગાયત્રી મંત્ર બોલવાનું શરૂ કરું અને બધું જ કરી લેતી હોઉં છું.'

શાહરુખ ખાન ધમકાવવાનું શરૂ કરે છે
વધુમાં જુહીએ કહ્યું હતું, 'આ બાજુથી શાહરુખ ખાન મને ધમકાવવા લાગે છે. બોલિંહ કેવી રીતે કરે છે, બોલિંગ ફિલ્ડિંગ પ્રમાણે કરવી જોઈએ. આ બરોબર નથી. હું ટીમ મિટિંગ બોલાવીશ જ. મને ધમકાવે રાખે. હું તો ત્યાં જ ઊભી હોઉં છું, પરંતુ મને ખબર જ નથી હોતી કે હું શું કરું.'

મિટિંગમાં શું ચર્ચા કરે છે?
જુહીએ ટીમ મિટિંગમાં શાહરુખ ખાન શું કરે છે તે અંગે પણ વિગતે વાત કરી હતી. જુહીએ કહ્યું હતું, 'મિટિંગમાં શું થાય છે? શાહરુખ ખાન આડીઅવળી વાતો કરવાનું શરૂ કરી દે છે, આ મેચની ને પેલી મેચની વાતો, કોઈ રસપ્રદ વાત કરે, કોઈને કંઈ જ કહે નહીં. બસ છેલ્લે એટલું બોલે કે 'સારું રમો હો...' અને મિટિંગ પૂરી.'

શાહરુખ-જુહી ખાસ મિત્રો
શાહરુખ તથા જુહી વચ્ચે ઘણાં વર્ષોથી મિત્રતા છે. શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન ડ્રગ્સ કેસમાં જુહી ચાવલા જામીનદાર બની હતી. આટલું જ નહીં ગયા મહિને આર્યનના જન્મદિવસ પર જુહીએ 500 છોડ વાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શાહરુખ તથા જુહીએ 'ડર', 'ડુપ્લિકેટ', 'યસ બોસ', 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની' સહિત વિવિધ ફિલ્મમાં સાથે કામ કર્યું છે.