તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૉકડાઉન ડાયરી:'ઉડાન' ફૅમ માલવી મલ્હોત્રાએ કહ્યું, 'લૉકડાઉનની શરૂઆતના સમયમાં ઘણું કામ કર્યું, પછી હુમલો થતાં મારું જીવન જ બદલાઈ ગયું'

મુંબઈ3 મહિનો પહેલાલેખક: કિરણ જૈન

ગયા વર્ષે એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર જીવલેણ હુમલો થયો હતો. યોગેશ મહિપાલ સિંહે ચાકુથી અનેકવાર હુમલો કર્યા બાદ એક્ટ્રેસને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન માલવીએ કહ્યું હતું, 'લૉકડાઉનના શરૂઆતના સમયમાં મને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નહોતી. જોકે, ઓક્ટોબર, 2020માં મારા પર થયેલા હુમલાએ મારું જીવન બદલી નાખ્યું.' વાતચીતમાં માલવીએ કંગના તથા ઉર્મિલાના નામનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મૂળ હિમાચલની માલવીએ તેલુગુ ફિલ્મ 'કુમારી 21 F, તમિળ ફિલ્મ 'નદિક્કુ એન્ડી', હિંદી ફિલ્મ 'હોટલ મિલન' તથા ટીવી સિરિયલ 'ઉડાન'માં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે કેટલીક જાહેરાતોમાં પણ કામ કર્યું છે.

નોંધનીય છે કે ગયા વર્ષે માલવી પર એકતરફી પ્રેમમાં પાગલ વ્યક્તિ યોગેશે ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલી માલવીની સારવાર કોકિલાબેન હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન માલવી
હોસ્પિટલમાં સારવાર દરમિયાન માલવી

દુબઈથી આવતા જ મારું જીવન બદલાઈ ગયું
લૉકડાઉનના શરૂઆતમાં હું ઘણી જ વ્યસ્ત રહી હતી. શરૂઆતના ત્રણ મહિના મેં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કોર્સ કર્યો હતો. ત્રણ મહિના પછી મેં કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. મેં બનારસમાં મ્યૂઝિક વીડિયો શૂટ કર્યો, ગોવામાં શૂટિંગ કર્યું અને એક શોર્ટ ફિલ્મમાં કામ કર્યું હતું. ઓક્ટોબરમાં દુબઈ ગઈ અને ત્યાં ફિલ્મફેરનું કેલેન્ડર શૂટ કર્યું હતું. દુબઈથી આવ્યા બાદ મારું જીવન બદલાઈ ગયું. 25 ઓક્ટોબરે હું દુબઈથી પરત ફરી હતી. 26 ઓક્ટોબરે મારી પર હુમલો થયો હતો. આજે પણ હું આ ઘટનાની કડવી યાદમાંથી બહાર આવી શકી નથી. આજે પણ મારી શરીર પર ઈજાના નિશાનો છે. આ નિશાન તો સમય રહેતા ભરાઈ જશે, પરંતુ ઈમોશનલી હું ક્યારેય બહાર આવીશ તે ખ્યાલ નથી.

ઉર્મિલા માતોંડકર સારી મહિલા છે
ઉર્મિલા માતોંડકર ઘણી જ સારી મહિલા છે. સૌથી સારી વાત એ છે કે તેમને લાગે છે કે મહિલાઓએ ક્યારેય ડરીને રહેવું જોઈએ નહીં. મહિલાઓએ હંમેશાં પોતાના હક માટે લડવું જોઈએ. તેમણે મને ઈમોશનલી ઘણો જ સપોર્ટ કર્યો હતો. જ્યૂડિશિયલ સિસ્ટમમાં પણ સપોર્ટ કર્યો હતો. તેઓ જે પાવર પોઝિશન પર છે, તે પોઝિશનનો સારા કામમાં ઉપયોગ કર્યો છે. હું તેમનો બહુ જ આદર કરું છું.

માલવીએ સાઉથની ફિલ્મમાં પણ કામ કર્યું છે
માલવીએ સાઉથની ફિલ્મમાં પણ કામ કર્યું છે

કંગનાએ કોઈ મદદ કરી નહોતી
કંગના અંગે મને એક જ ફરિયાદ છે કે જો તે કંઈક કરવાનું વચન આપે છે તો તેને પૂરું કરવું જોઈએ. મેં ઈન્ડસ્ટ્રીમાંથી કંગના પાસે જ મદદ માગી હતી, કારણ કે અમે બંને હિમાચલ પ્રદેશના છીએ. તેઓ દરેક મુદ્દા પર બોલે છે તો મને લાગ્યું કે મારા કેસ પણ બોલશે. જોકે, આવું કંઈ ના થયું. તેમણે મારા વિશે એક સો.મીડિયા પોસ્ટ કરી અને પછી કોઈ જાતની મદદ કરી નહીં. આ વાતનું દુઃખ હંમેશાં રહેશે. હિમાચલના લોકો આવા હોતા નથી.

પેરેન્ટ્સનો ઘણો જ સપોર્ટ મળ્યો
આજે પણ જ્યારે હું રસ્તા પર એકલી હોઉં છું તો બહુ જ ડર લાગે છે. ઘણીવાર એવું લાગે છે કે કોઈ મારો પીછો કરી રહ્યું છે. પર્સમાં પેપર સ્પ્રે રાખું છું. કદાચ સમયની સાથે નોર્મલ થઈ જાઉં. પેરેન્ટ્સે ઘણો જ સપોર્ટ આપ્યો હતો. તેમની મદદથી ઈમોશનલી મોટિવેટ થાઉં છું.