ચર્ચા / ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢી જોવા નહીં મળે? ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ બલવિંદર સિંહની એન્ટ્રી થશે?

X

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 03:31 PM IST

મુંબઈ. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢી બનતા ગુરુચરણ સિંહે આ શો છોડી દીધો હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, ડિરેક્ટરે આ વાતનો ઈનકાર કર્યો હતો. સૂત્રોના મતે ગુરુચરણ સિંહ લૉકડાઉન બાદ સેટ પર પરત ફર્યો નથી. નોંધનીય છે કે નેહા મહેતા એટલે કે અંજલીભાભી પણ લૉકડાઉન બાદ શોમાં પરત ફરી નથી. માનવામાં આવે છે કે નેહા મહેતાએ શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ પ્રોડ્યૂસર્સને કહી દીધું હતું કે તે આ શોમાં હવે કામ કરશે નહીં.

ગુરુચરણના બદલે નવો એક્ટર લીધો હોવાની ચર્ચા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે, લૉકડાઉન બાદ ફરી શૂટિંગ કરવામાં આવ્યું ત્યારથી જ ગુરુચરણ સિંહ સેટ પર આવ્યો નથી. માનવામાં આવે છે કે ગુરુચરણને બદલે હિંદી ફિલ્મ ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ એક્ટર બલવિંદર સિંહને સિરિયલમાં લેવામાં આવ્યો છે. ‘દિલ તો પાગલ હૈં’માં બલવિંદરે શાહરુખ ખાનના ફ્રેન્ડનો રોલ પ્લે કર્યો હતો.

ગુરુચરણે આ પહેલા પણ શો છોડી દીધો હતો
વર્ષ 2008થી 2013 સુધી ગુરુચરણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળ્યો હતો. જોકે, પછી ક્રિએટિવ ડિફરન્સને કારણે ગુરુચરણે આ શો છોડી દીધો હતો. તે સમયે તેના સ્થાને ટીવી એક્ટર લાડ સિંહ માન જોવા મળતો હતો. એક વર્ષ બાદ ફરી ગુરુચરણ આ શોમાં જોડાઈ ગયો હતો.

ડિરેક્ટરે અલગ જ વાત કરી
દિવ્ય ભાસ્કરે સિરિયલના ડિરેક્ટર માલવ રાજડા સાથે આ અંગે વાત કરી હતી. ટેલિફોનિક વાતચીતમાં માલવ રાજડાએ કહ્યું હતું કે લૉકડાઉન બાદના એપિસોડમાં ગુરુચરણ તથા નેહા મહેતાના કોઈ સીન નથી અને તે જ કારણે તેઓ સેટ પર આવ્યા નથી. આ ઉપરાંત જો કોઈ એક્ટર કે એક્ટ્રેસ સ્વેચ્છાએ કોરોનાવાઈરસને કારણે સેટ પર આવવા ના માગતા હોય તો તેમની રાહ જોવામાં આવશે. નોંધનીય છે કે હાલમાં જ આ શોએ 12 વર્ષ પૂરા કર્યા હતા.

દિશા વાકાણી છેલ્લાં અઢી વર્ષથી શોમાં જોવા મળતી નથી
સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરનાર દિશા વાકાણીએ સપ્ટેમ્બર, 2017માં મેટરનિટી લીવ લીધી હતી. જોકે, તે સમયે કહેવામાં આવતું હતું કે દિશા પાંચ મહિના બાદ શોમાં પરત ફરશે. જોકે, દિશા વાકાણી હજી સુધી શોમાં આવી નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી