• Gujarati News
  • Entertainment
  • Television
  • Ghanshyam Nayak's Son Said, "Dad Listened To Gujarati Songs And Watched Taarak Mehta' Serial Till One Day Before He Was Admitted To The Hospital."

'નટુકાકા'ના અંતિમ દિવસો:ઘનશ્યામ નાયકના દીકરાએ કહ્યું, 'પપ્પાએ ગુજરાતી ગીતો સાંભળ્યા ને હોસ્પિટલમાં એડમિટ થયાના એક દિવસ પહેલાં સુધી 'તારક મહેતા..' સિરિયલ જોઈ હતી'

મુંબઈએક મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • ઘનશ્યામ નાયકનું 3 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું

ઘનશ્યામ નાયકે સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાનો રોલ પ્લે કર્યો હતો. એક વર્ષ સુધી કેન્સર સામે લડ્યા બાદ ઘનશ્યામ નાયકનું 3 ઓક્ટોબરના રોજ મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમના દીકરા વિકાસ નાયકે દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરીને પિતાના અંતિમ દિવસો કેવા હતાં તે જણાવ્યું હતું.

પપ્પા કહેતા, જે દિવસે મરીશ, તે જ દિવસે મોક્ષ મળશે
વિકાસે કહ્યું હતું, 'પપ્પા ગુજરી ગયા પછી શરૂઆતના 2-3 દિવસ તો કંઈ જ ખબર પડતી નહોતી કે શું કરું. છેલ્લાં એક વર્ષથી અમે સાથે મળીને તેમની કેન્સરની બીમારી સામે લડતા હતા. સાચું કહું તો પપ્પાની હિંમત જોઈને આ પરિસ્થિતિમાં અમે અમારી જાતને સંભાળી છે. તેઓ છેલ્લે છેલ્લે એમ જ કહેતા કે જે દિવસ મરીશ, તે જ દિવસે મને મોક્ષ મળી જશે. તે બહુ જ પોઝિટિવ હતા અને અમને એમ જ કહેતા કે મને કંઈ થઈ જાય તો તમે રડતા નથી. શોક વ્યક્ત ના કરતા. તેઓ માનતા કે તેમણે આખું જીવન બધાને હસાવ્યા છે તો તેમના ગયા બાદ કોઈએ રડવું જોઈએ નહીં.'

ગયા વર્ષે કેન્સરની સારવાર કરાવ્યા બાદ ઘનશ્યામ નાયક જામનગર આવ્યા હતા
ગયા વર્ષે કેન્સરની સારવાર કરાવ્યા બાદ ઘનશ્યામ નાયક જામનગર આવ્યા હતા

પપ્પાએ અમને બધાને માનસિક રીતે તૈયાર કરી રાખ્યા હતા
વિકાસે આગળ કહ્યું હતું, 'મને યાદ છે કે પપ્પા જ્યારે પણ કોઈના બેસણામાં જતાં તો તે ત્યાં પણ વાતાવરણને લાઇવલી બનાવવાનો પ્રયાસ કરતા. ત્યાં લોકો શોક મનાવવા જતા હોય છે, પરંતુ પપ્પા ઘરના લોકોને હસાવવાનો પ્રયાસ કરતા, તેમનું દુઃખ ઓછું કરતા. અમે અમારી મમ્મીને આ પરિસ્થિતિ માટે તૈયાર કરીને રાખી હતી. ખરી રીતે તો મારી મમ્મીને પપ્પા કરતાં વધારે હેલ્થ ઈશ્યૂ છે. તેમને છેલ્લાં 8 વર્ષથી અસ્થમાની બીમારી છે. તે બહુ ચાલી પણ શકે તેમ નથી. પપ્પાના છેલ્લાં 2 મહિના ઘણાં જ ખરાબ રહ્યા હતા. પપ્પાએ મમ્મી તથા અમને બધાને આ પરિસ્થિતિ માટે તૈયાર કરી રાખ્યા હતા. તે મસ્તીમાં કહેતા, 'હું નથી ઈચ્છતો કે તમે મારી સાથે ચાલો.'

મજાકમાં કહેતા કે 100 વર્ષ જીવવા માગે છે
ઘનશ્યામ નાયકની બીમારી અંગે વિકાસે કહ્યું હતું, 'પપ્પા મજાકમાં કહેતા કે તે 100 વર્ષ સુધી જીવવા માગે છે, પરંતુ આમ થયું નહીં. જુલાઈ 2021માં જ્યારે અમે રિપોર્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે કેન્સર આખા શરીરમાં ફેલાઈ ગયું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી લઈ જેટલી પણ ટ્રીટમેન્ટ કરાવી તે બધી જ નિષ્ફળ રહી. અમે કિમોથેરપી પણ બંધ કરી દીધી હતી. આયુર્વેદિક તથા હોમિયોપેથી સારવાર શરૂ કરી હતી, પરંતુ તેની કોઈ અસર થઈ નહીં. ડૉક્ટર્સે પણ એમ જ કહ્યું હતું કે તેમની પાસે હવે જીવવાના થોડાંક જ મહિના છે. તેમણે આ વાત પણ ઘણી જ હકારાત્મકતાથી લીધી હતી. તેમણે ઘરે આવીને મમ્મીને કહ્યું હતું કે તેમને હવે જીવનથી ઘણો જ સંતોષ છે. તે એ વાતથી ખુશ હતા કે તેમની ટ્રીટમેન્ટ હવે બંધ થઈ જશે. તે નહોતા ઈચ્છતા કે જીવનમાં ક્યારેય તેમને ટ્યૂબથી ભોજન લેવું પડે. લાચાર થાય તે પહેલાં જ તેમણે વિદાય લઈ લીધી.'

દીકરા વિકાસ, પૌત્ર હિતાર્થ સાથે ઘનશ્યામ નાયક
દીકરા વિકાસ, પૌત્ર હિતાર્થ સાથે ઘનશ્યામ નાયક

10-12 વર્ષથી અમારી આર્થિક સ્થિતિ ઘણી જ સારી બની
પપ્પા સાથેના જૂના દિવસોને યાદ કરીને વિકાસે કહ્યું હતું, 'મારા એન્જિનિયરિંગના અભ્યાસ માટે પપ્પાએ પૈસા લીધા હતા, પરંતુ તેમણે ક્યારેય કોઈના પૈસા પોતાની પાસે રાખ્યા નથી. જ્યાં સુધી તે પૈસા પરત ના કરે ત્યાં સુધી તેમને ચેન પડતું નહોતું. છેલ્લાં 10-12 વર્ષમાં અમારી આર્થિક સ્થિતિ ઘણી જ સુધરી છે. અમારે કોઈની પાસે મદદ માગવી પડી નથી.

છેલ્લાં સમય સુધી 'તારક મહેતા..' સિરિયલ જોઈ
ઘનશ્યામ નાયકના અંતિમ દિવસો અંગે વિકાસ નાયકે કહ્યું હતું, 'તેમને સંગીતનો ઘણો જ શોખ હતો. અંતિમ ક્ષણોમાં તેમણે રેડિયોમાં ગુજરાતી ગીતો ઘણાં જ સાંભળ્યા હતા. પછી ગુજરાતી શો 'રાશિ રિક્ષાવાળી' તથા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક પણ એપિસોડ મિસ કર્યો નથી. તે શોમાં નહોતા છતાં આ સિરિયલ જોતા હતા. તેમણે સિરિયલનો ગણેશ ચતુર્થીનો સ્પેશિયલ એપિસોડ જોયો હતો અને ટીમના વખાણ કર્યા હતા. અમે 29 સપ્ટેમ્બરના રોજ તેમને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા, 28મી રાત્રે તેમણે આ શો જોયો હતો. તે શોમાં પરત ફરવા માગતા હતા. મેકઅપની સાથે જ વિદાય લેવા માગતા હતા અને અમે મેકઅપ આર્ટિસ્ટ બોલાવીને તેમની આ ઈચ્છા પૂરી કરી હતી.'

પત્ની સાથે ઘનશ્યામ નાયક
પત્ની સાથે ઘનશ્યામ નાયક

પપ્પાને ડાયરી લખવાનો શોખ હતો
ઘનશ્યામ નાયકને ડાયરી લખવાનો શોખ હતો. તેમણે અંતિમ દિવસોમાં પણ પોતાના વિચારો ડાયરીમાં લખ્યા હતા. આ અંગે વિકાસે કહ્યું હતું, 'પપ્પા નાની નાની વાતો ડાયરીમાં લખતા હતા. સવારે નાસ્તામાં શું લીધું, બપોરે કોને મળ્યા, સાંજે મંદિરમાં પૂજારીને મળ્યા, પોતાની દરેક વાત લખતા હતા. પોતાની ખુશી વ્યક્ત કરતા હતા. બીમારીને કારણે ઘણીવાર તે જમી શકતા નહોતી. આ વાત પણ તેમણે લખી હતી. તેમને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મનો શોખ હતો. રોજ ટીવી પર કંઈકને કંઈક જોતા અને રાત્રે 12.30 વાગે સૂતા હતા. આ વાત પણ તેમણે લખી હતી.'