ઈનસાઈડ પિક્સ:આદિત્ય નારાયણે ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં, વરમાળાથી લઈ ફેરા સુધીની ખાસ તસવીરો

મુંબઈએક વર્ષ પહેલા

બોલિવૂડ સિંગર તથા હોસ્ટ આદિત્ય નારાયણે એક ડિસેમ્બરની સાંજે મુંબઈના જુહૂ સ્થિત ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. આદિત્યના પિતા ઉદિતનો પહેલી ડિસેમ્બરના રોજ 65મો જન્મદિવસ હતો. આદિત્યે પિતાના જન્મદિવસ પર જ લગ્ન કર્યાં. આદિત્ય તથા શ્વેતાએ મૈથિલી રીત રિવાજથી લગ્ન કર્યાં હતાં.

આદિત્ય તથા શ્વેતાએ કલર કો-ઓર્ડિનેટેડ આઉટફિટ્સ કૅરી કર્યાં હતાં. આદિત્યે ક્રિમ રંગની શેરવાની પર બેબી પિંક રંગનો દુપટ્ટો નાખ્યો હતો. તો શ્વેતાએ પિકિંશ તથા ક્રીમ રંગનો લહેંગો પહેર્યો હતો. તેણે કુંદનની જ્વેલરી પહેરી હતી. ટીકો, લોંગ ઈયરરિંગ, હેવી નેકલેસ તથા ગોલ્ડન કલીરેમાં શ્વેતા ઘણી જ સુંદર લાગતી હતી.

લગ્ન બાદ પિતા ઉદિત નારાયણે શું કહ્યું?
દીકરાના લગ્નમાં દિલ ખોલીને નાચ્યો

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઉદિત નારાયણે કહ્યું હતું, 'ભગવાનની કૃપા તો જુઓ, મારા જન્મદિવસ પર જ મારા એકના એક દીકરાના લગ્નનું મુહૂર્ત નીકળ્યું. અમારા માટે આ બમણી ખુશીનો પ્રસંગ હતો. દીકરાના લગ્નમાં હું દિલ ખોલીને નાચ્યો. સાચું કહું તો હું બહુ જ ખુશ થયો. મારી વહુ શ્વેતા પણ ઘણી જ સુંદર લાગતી હતી. બંનેની જોડી જોઈને બહુ જ આનંદ થયો.'

રાધા-કૃષ્ણના આશીર્વાદ લઈ તમામ વિધિ પૂરી કરી
વધુમાં ઉદિત નારાયણે કહ્યું હતું, 'કોરોનાવાઈરસને ધ્યાનમાં રાખીને અમે મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. ઈસ્કોન મંદિરમાં રાધા-કૃષ્ણના આશીર્વાદ લઈને અમે તમામ વિધિ કરી. લગ્નમાં 150 મહેમાનો હાજર રહ્યાં હતાં. બહુ જ સાદગીથી લગ્ન થયા. મંદિરમાં લગ્ન હોવાથી ભોજન સંપૂર્ણ રીતે શાકાહારી હતી. રિસેપ્શનમાં વેજ-નોન વેજ એમ બંને હશે. દિલથી તો ઈચ્છતો હતો કે દીકરાના લગ્ન ધામધૂમથી કરું. મેં તો આદિત્યને આવતા વર્ષે લગ્ન કરવાનું કહ્યું હતું. જોકે, તેને આ જ વર્ષે લગ્ન કરવાના હતા. તેનું કહેવું હતું કે ખબર નહીં આ કોરોના ક્યારે જાય. આદિત્યને વરરાજા તરીકે જોયો તો લાગ્યું કે તેનો નિર્ણય એકદમ સાચો હતો.'

PM મોદીએ પત્ર લખ્યો
ઉદિત નારાયણે રિસેપ્શનમાં PM મોદીને પણ આમંત્રણ મોકલ્યું હતું. તેઓ હાજર રહેશે નહીં પરંતુ તેમની તરફખી પત્ર આવ્યો હતો. આ અંગે ઉદિતે કહ્યું હતું, 'મહામારીને કારણે લગ્નમાં અનેક લોકો આવી શક્યા નહીં. મને એ વાતનો આનંદ છે કે વડાપ્રધાન તરફથી મને પત્ર મળ્યો અને આદિત્યને તેમણે નવા જીવનની શરૂઆત માટે શુભેચ્છા પાઠવી છે. અમિતાભ બચ્ચને પણ શુભેચ્છા પત્ર મોકલ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ફોન કર્યો હતો. મહારાષ્ટ્રના ગર્વનરે પણ શુભકામના આપી હતી. મારા માટે આ શુભકામના ઘણી જ મહત્ત્વની છે.'

આદિત્યના લગ્નની ખાસ તસવીરો

2 ડિસેમ્બરે ફાઈવ સ્ટાર હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન
ઉદિત નારાયણે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બંનેના લગ્ન બાદ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજવામાં આવશે. અમિતાભ બચ્ચન તથા PM નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું છે.