તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્માષ્ટમી 2021:નીતિશ ભારદ્વાજથી લઈને સૌરભ રાજ સુધી: સ્ક્રિન પર કૃષ્ણ બનીને યાદોમાં અમર થયા 20થી વધુ કલાકારો, લોકો ભગવાન સમજી પૂજતા હતા

અમદાવાદએક મહિનો પહેલા
  • ટીવી સ્ક્રિન પર 23 જેટલા કલાકારોએ શ્રીકૃષ્ણ ભગવાનનો રોલ પ્લે કર્યો છે.

30 ઓગસ્ટે જન્માષ્ટમી છે. દેશભરમાં રંગેચંગે આ તહેવાર ઉજવવામાં આવશે. શ્રીકૃષ્ણ પર આધારિત અનેક સિરિયલ બનાવવામાં આવી છે. 90ના દાયકાથી લઈ 21મી સદી સુધીમાં અનેક સિરિયલ બની ચૂકી છે. આજે પણ શ્રીકૃષ્ણ પર આધારિત સિરિયલ ચાહકોમાં લોકપ્રિય છે. શ્રીકૃષ્ણના જીવનની અઢળક વાતો દર્શકોને આકર્ષિત કરે છે અને તેથી જ આ સિરિયલ આજે પણ એટલી જ જોવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે ટીવીના કયા કયા કલાકારોએ શ્રીકૃષ્ણનો રોલ પ્લે કર્યો હતો તે વાત કરીએ.

નીતિશ ભારદ્વાજ - મહાભારત (1988-90)

બી આર ચોપરાની 'મહાભારત'માં શ્રીકૃષ્ણનો રોલ નીતિશ ભારદ્વાજે ભજવ્યો હતો. ચાહકો આજે પણ નીતિશ ભારદ્વાજ જેવા અન્ય કોઈ કલાકારે શ્રીકૃષ્ણનો રોલ ભજવ્યો નથી, તેમ માને છે. આ સિરિયલ ઓક્ટોબર, 1988થી જુલાઈ, 1990 સુધી ચાલી હતી. હાલમાં જ નીતિશ ભારદ્વાજે વેબ સિરીઝ 'સમાંતર 2'માં કામ કર્યું હતું. નીતિશ ભારદ્વાજે આ ઉપરાંત સિરિયલ 'ગીતા રહસ્ય' તથા 'વિષ્ણુ પુરાણ'માં પણ શ્રીકૃષ્ણનો રોલ ભજવ્યો હતો.

અશોક કુમાર બાલકૃષ્ણ-સ્વપ્નિલ જોષી-સર્વદમન - કૃષ્ણા (1993-96)

રામાનંદ સાગરની 'કૃષ્ણા' સિરિયલ જુલાઈ, 1993થી લઈ ઓક્ટોબર, 1997 સુધી આવી હતી. આ સિરિયલમાં કૃષ્ણના નાનપણનો રોલ અશોકે ભજવ્યો હતો, ટીનએજ રોલ સ્વપ્નિલ જોષીએ અને યંગ કૃષ્ણનો રોલ સર્વદમને ભજવ્યો હતો. અશોક કુમાર છેલ્લે તમિળ ફિલ્મ 'ચિટ્ટીરમ પેસુતડી'માં જોવા મળ્યો હતો. સ્વપ્નિલ જોષી વિવિધ મરાઠી ફિલ્મમાં કામ કરે છે. જ્યારે સર્વદમન ડી બેનર્જી છેલ્લે 2016માં 'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં જોવા મળ્યો હતો. હાલમાં સમવર્દમન ઉત્તરાખંડમાં રહીને પંખ નામની સ્વૈચ્છિક સંસ્થા ચલાવે છે.

રાજેશ શ્રૃંગારપુરે - સારથિ (2004-08)

નીલા ટેલિફિલ્મ્સ એટલે કે અસિત મોદીની સિરિયલ 'સારથિ'માં રાજેશ શ્રૃંગારપુરેએ કૃષ્ણનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલમાં બે સાવકા ભાઈઓ વચ્ચેની લડાઈ પર આધારિત છે અને આ બંને ભાઈઓ વચ્ચે સમાધાન કરાવવા માટે સારિથ તરીકે કૃષ્ણ ભગવાન આવે છે. આ સિરિયલ નવેમ્બર, 2004માં શરૂ થઈ હતી અને ફેબ્રુઆરી, 2008માં પૂરી થઈ હતી. રાજેશ હાલમાં સિરિયલ 'અહિલ્યાબાઇ'માં જોવા મળે છે.

મૃણાલ જૈન - મહાભારત (જુલાઈથી નવેમ્બર, 2008)

એકતા કપૂરના ટીવી શો 'કહાની હમારે મહાભારત કી'માં મૃણાલ જૈને કૃષ્ણનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલ માત્ર પાંચ મહિનામાં જ બંધ થઈ ગઈ હતી. મૃણાલ જૈને આ સિરિયલ બાદ વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું. હાલમાં તે વિવિધ ફોટોશૂટમાં જોવા મળે છે.

ધૃતી ભાટિયા-મેઘન જાધવ - શ્રીકૃષ્ણ (2008-09)

'શ્રીકૃષ્ણ' સિરિયલમાં બાળ કલાકાર ધૃતી ભાટિયાએ શ્રીકૃષ્ણનો રોલ પ્લે કર્યો હતો. ધૃતિ છોકરી હતી અને તેણે કૃષ્ણનો રોલ ભજવ્યો હતો. ટીનએજ કૃષ્ણનો રોલ મેઘન જાધવે ભજવ્યો હતો. આ સિરિયલ જુલાઈ, 2008થી સપ્ટેમ્બર, 2009 સુધી પ્રસારિત થઈ હતી. ધૃતિએ પછી 'ઈસ પ્યાર કો ક્યા નામ દૂ' તથા 'માતા કી ચૌકી'માં કામ કર્યું હતું. મેઘનની વાત કરીએ તો તે હાલમાં 'થોડા સા બાદલ થોડા સા પાની' સિરિયલમાં જોવા મળે છે.

વિશાલ કરવાલ - દ્વારકાધીશઃ ભગવાન શ્રીકૃષ્ણ (2011-12)

સાગર પિક્ચર્સે જુલાઈ, 2011માં બનાવેલી આ સિરિયલમાં વિશાલે કરવાલે ભગવાન શ્રીકૃષ્ણનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલ એપ્રિલ, 2012માં બંધ થઈ હતી. વિશાલ કરવાલે ત્યારબાદ ટીવી સિરિયલ 'નાગાર્જુનઃ એક યૌદ્ધા', 'પરમાવતાર શ્રીકૃષ્ણ'માં શ્રીકૃષ્ણનો રોલ પ્લે કર્યો હતો. હવે વિશાલ ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે.

સૌરભ રાજ જૈન - મહાભારત (2013-14)

સિદ્ધાર્થ કુમાર તિવારીની સિરિયલ 'મહાભારત'માં સૌરભ રાજે કૃષ્ણનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય થઈ હતી. આ સિરિયલ સપ્ટેમ્બર, 2013ના રોજ શરૂ થઈ હતી અને ઓગસ્ટ, 2014માં પૂરી થઈ હતી. સૌરભ રાજે હાલમાં જ 'ખતરો કે ખિલાડી..'માં ભાગ લીધો હતો. આ શોમાં સૌરભ એલિમિનેટ થયો હતો.

સૌરભ પાંડે - સૂર્યપુત્ર કર્ણ (2015-16)

સિદ્ધાર્થ કુમાર તિવારીની જૂન, 2015માં ટેલિકાસ્ટ થયેલી સિરિયલ 'સૂર્યપુત્ર કર્ણ'માં સૌરભ પાંડેએ શ્રીકૃષ્ણનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલ કુંતી પુત્ર કર્ણ પર આધારિત હતી. આ સિરિયલ જૂન, 2016માં બંધ થઈ હતી. સૌરભે છેલ્લે આ જ સિરિયલમાં જોવા મળ્યો હતો.

ગગન મલિક - સંકટમોચન મહાબલિ હનુમાન (2015-17)

મે, 2015માં શરૂ થયેલી સિરિયલ 'સંકટમોચન મહાબલિ હનુમાન' રામભક્ત હનુમાન પર આધારિત હતી. આ સિરિયલમાં ગગન મલિકે શ્રીકૃષ્ણનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલ ઓગસ્ટ, 2017માં પૂરી થઈ હતી. ગગન મલિક 2020માં સિરિયલ 'વિધ્નહર્તા ગણેશા'માં સુદામાના રોલમાં જોવા મળ્યો હતો.

સિદ્ધાર્થ અરોરા - કૃષ્ણ કનૈયા (2015)

2015માં આવેલી આ સિરિયલમાં સિદ્ધાર્થ અરોરાએ શ્રીકૃષ્ણનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલમાં કનૈયાલાલ ક્યારેય ભગવાન પર વિશ્વાસ કરતો નથી. તે મંદિરમાંથી પૈસા એમ સમજીને લઈ લે છે કે તે તેના જ છે. અહીંયા શ્રીકૃષ્ણ ભગવાન તેને દર્શન આપે છે અને તેને પૈસા પરત આપવાનું કહે છે. તે એ શરતે પૈસા આપવાનું કહે છે કે કૃષ્ણ ભગવાન તેને ડગલે ને પગલે તેના સવાલના જવાબ આપશે. આ સિરિયલ બહુ જલ્દીથી બંધ થઈ ગઈ હતી. સિદ્ધાર્થ છેલ્લે 'લાડો વીરપુર કી મર્દાની'માં જોવા મળ્યો હતો.

જયવલ પાઠક-મીત મુખી-ભાવેશ બાલચંદાની - બાલ ક્રિષ્ના (2016-17)

સિદ્ધાર્થ કુમાર તિવારીની સિરિયલ 'બાલ ક્રિષ્ના' માર્ચ, 2016થી માર્ચ, 2017 સુધી પ્રસારિત થઈ હતી. આ સિરિયલમાં શ્રીકૃષ્ણના નાનપણનો રોલ જયવલ પાઠકે કર્યો હતો. યંગ રોલ મીત મુખીએ કર્યો હતો અને પછી ભાવેશ બાલચંદાનીએ લીડ રોલ પ્લે કર્યો હતો. મીત મુખી છેલ્લે સંજય દત્તની ફિલ્મ 'તોરબાઝ'માં જોવા મળ્યો હતો. ભાવેશે ફિલ્મ 'એક થી ડાયન', 'હમારી અધૂરી કહાની'માં પણ કામ કર્યું છે. છેલ્લે તે 2020માં 'રાધાકૃષ્ણ'માં અનિરુદ્ધના રોલમાં જોવા મળ્યો હતો.

સુમેધ મુદગલકર - રાધાક્રિષ્ના (2018)

સિદ્ધાર્થ કુમાર તિવારીની સિરિયલ 'રાધાક્રિષ્ના'માં રાધા તથા ક્રિષ્નાના પ્રેમની વાત કરવામાં આવી છે. આ સિરિયલમાં કૃષ્ણનો રોલ સુમેધ મુદગલકરે ભજવ્યો છે. આ સિરિયલ ઓક્ટોબર, 2018માં શરૂ થઈ હતી. આ સિરિયલ હજી પણ ચાલે છે. સુમેધે વિવિધ મરાઠી ફિલ્મમાં કામ કર્યું છે.

રજનીશ દુગ્ગલ - શ્રીમદ ભગવત મહાપુરાણ (2019-20)

નિખિલ દ્વિવેદીની સિરિયલ 'શ્રીમદ ભગવત મહાપુરાણ' જૂન, 2019થી મે, 2020 સુધી ચાલી હતી. આ સિરિયલ શ્રીકૃષ્ણ ભગવદ ગીતા પર રાધાના મનમાં જે સવાલો હતા, તેના જવાબો પર આધારિત હતી. સિરિયલમાં શ્રીકૃષ્ણનું પાત્ર રજનીશ દુગ્ગલે ભજવ્યું હતું. એક્ટર રજનીશ દુગ્ગલ છેલ્લે 2019માં ફિલ્મ 'મુશ્કિલ'માં જોવા મળ્યો હતો.

નિર્ણય સમઢીયા-સુદીપ સાહિર - પરમાવતાર શ્રીકૃષ્ણ (2017-20)

જૂન, 2017માં શરૂ થયેલી 'પરમાવતાર શ્રીકૃષ્ણ'માં કૃષ્ણની બાળલીલા તથા તેમના જીવનની વાત કરવામાં આવી હતી. કૃષ્ણનો નાનપણનો રોલ નિર્ણયે પ્લે કર્યો હતો. જ્યારે કૃષ્ણ મોટા થયા તો તે રોલ સુદીપે નિભાવ્યો હતો. નિર્ણય સિરિયલ 'કહત હનુમાન જયશ્રીરામ'માં રામના રોલમાં જોવા મળ્યો હતો. સુદીપ સાહિર હાલમાં 'તેરા યાર હૂ મૈં'માં જોવા મળે છે.

રાહુલ શર્મા-કુલદીપ સિંહ - વિધ્નહર્તા ગણેશ (2017)

2017થી શરૂ થયેલી સિરિયલ 'વિધ્નહર્તા ગણેશ'માં રાહુલ શર્મા તથા કુલદીપ સિંહે કૃષ્ણનો રોલ પ્લે કર્યો છે. આ સિરિયલ ગણેશ ભગવાનના વિવિધ અધ્યાય પર આધારિત છે. રાહુલ શર્માએ 'એક ઘર બનાઉંગા', 'એક રિશ્તા એસા ભી' જેવી સિરિયલમાં કામ કર્યું છે. કુલદીપે સિરિયલ 'પ્યાર તુને ક્યા કિયા', 'વિક્રમ બેતાલ કી રહસ્યગાથા'માં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે વેબ સિરીઝ 'ગંદી બાત'માં કામ કર્યું છે.

જય સોની

એક્ટર જય સોનીએ 'ગંગા', 'સંતોષી મા', 'વારીસ' તથા 'ભાભીજી ઘર પર હૈ'માં શ્રીકૃષ્ણનો રોલ પ્લે કર્યો હતો.