'નટુકાકા'ની છ દાયકાની કારકિર્દી:'ભવાઈ'ના રંગલાની જીવનના રંગમચ પરથી એક્ઝિટ, છેલ્લા સમયે કાન ટોપી પહેરીને એક્ટિંગ કરી

મુંબઈ17 દિવસ પહેલા
  • નટુકાકાએ 100 ગુજરાતી અને હિન્દી ફિલ્મો અને લગભગ 350 હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો હતો

ઘનશ્યામ નાયકે જીવનના છ દાયકા અભિનયમાં જ વિતાવ્યા. અભિનય તેમની નસ-નસમાં હતો. એમણે અનેક ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે પણ તારક મહેતા કા ઊલટા ચશ્મામાં નટુ કાકા તરીકે તે ઘરઘરમાં જાણીતા બન્યા. એ મૂળ મહેસાણાના ઊંઢાઈ ગામના વતની હતા. આજે એટલે કે ત્રીજી ઓક્ટોબરે તેમનું 77 વર્ષની ઉંમરે અવસાન થયું છે.

ભવાઇના 'રંગલા'ની વિદાય
એક સમય એવો હતો કે દૂરદર્શનમાં ભવાઈ નામનો કાર્યક્રમ આવતો. જો કે, વર્ષો પહેલાં ગામેગામ ભવાઈ પણ થતી. એ ભવાઈમાં ઘનશ્યામભાઈ 'રંગલો' બનતા. રંગલો જયારે રંગલી સાથે ઝઘડો કરે ત્યારે લોકોને મોજ પડતી અને ઘનશ્યામભાઈ જયારે 'તા થૈયા...થૈયા... તા થૈ....' કહેતા ત્યારે દર્શકો પણ એ જ લહેકાથી બોલી ઉઠતા.

350થી વધુ ગુજરાતી ફિલ્મો ડબ કરી
ઘનશ્યામ નાયકે આશરે 100 ગુજરાતી અને હિન્દી ફિલ્મો અને લગભગ 350 હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો હતો. તેમણે 100 થી વધુ ગુજરાતી સ્ટેજ નાટકોમાં પણ અભિનય કર્યો હતો. તેમણે આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર જેવા મહાન કલાકારો સાથે 12 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક આપ્યું હતું. તેમણે 350 થી વધુ ગુજરાતી ફિલ્મો ડબ કરી હતી.

ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું
ઘનશ્યામ નાયક એટલે કે 'નટુ કાકા' એ 1960 માં આવેલી ફિલ્મ 'માસૂમ'થી બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી, તે સતત અભિનયમાં સક્રિય રહ્યાં હતાં. લગભગ 60 વર્ષની કારકિર્દીમાં ઘનશ્યામ નાયકે હિન્દી ફિલ્મો અને ટીવીથી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. નટુકાકાએ લગભગ 200 ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. બોલિવૂડમાં, તે 'બરસાત', 'ઘાતક', 'ચાઇના ગેટ', 'હમ દિલ દે ચુકે સનમ', 'તેરા જાદુ ચલ ગયા', 'લજ્જા', 'તેરે નામ', 'ચોરી ચોરી' અને 'ખાકી જૈસા' જેવી ફિલ્મમાં જોવા મળ્યા હતા.

છેલ્લા શ્વાસ સુધી અભિનય કરવાની ઈચ્છા હતી
ઘનશ્યામ નાયક ઘણીવાર કહેતા કે, મારે છેલ્લા શ્વાસ સુધી અભિનય કરવો છે અને તારક મહેતા કા ઉલટા ચશ્મા.. સીરિયલમાં છેલ્લા શ્વાસ સુધી અભિનય પણ કર્યો. કેન્સરના ઓપરેશનના કારણે ગળામાંથી ગાંઠ કાઢવી પડી હતી. એટલે એ કાન ટોપી પહેરીને અભિનય કરવા આવતા. એમના રગરગમાં અભિનય હતો તે પુરવાર પણ કર્યું હતું.

'તારક મહેતા...' સિરિયલને એકવર્ષમાં બીજો ફટકો
તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલના પ્રોડક્શન કંટ્રોલર વિનોદ શિશુપાલનું બે મહિના પહેલાં એકાએક હૃદયરોગના કારણે નિધન થયું હતું. વિનોદભાઈ સેટ ઉપર બધું મેનેજમેન્ટ સાંભળતા હતા. આ ફટકાની કળ વળી નથી ત્યાં આજે નટુ કાકાનું નિધન થતાં આ સીરિયલને એક વર્ષમાં બીજો ફટકો પડ્યો છે. હવે ગડા ઇલેક્ટ્રોનિક્સમાં જેઠાલાલ, બાઘા અને નટુ કાકાની ત્રિપુટી જોવા નહીં મળે.