તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયાલિટી શોમાં હવે રિયાલિટી નથી:'બિગ બોસ'માં ભાગ લેનારી હિના ખાને ખોલી પોલ, કહ્યું- 'બધું જ સ્ક્રિપ્ટેડ હોય છે, કોણ શું રિએક્શન આપે છે તે પણ એડિટ ટેબલ પર નક્કી હોય છે'

મુંબઈ10 મહિનો પહેલાલેખક: કિરણ જૈન

ટીવી એક્ટ્રેસ હિના ખાન અત્યાર સુધી બે હિટ રિયાલિટી શોમાં જોવા મળી છે. જોકે, હવે તેને રિયાલિટી શોમાં કોઈ રસ નથી. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં હિનાએ કહ્યું હતું કે રિયાલિટી શોમાં હવે રિયાલિટી નામની કોઈ વસ્તુ હોતી નથી. વાતચીતમાં હિનાએ પોતાના શો 'નાગિન 5' તથા એકતા કપૂર સાથે કામ કરવા અંગેના અનુભવ વિશે વાત કરી હતી.

રિયાલિટી શોમાં હવે કોઈ રસ નથી
'મેં અત્યાર સુધી બે મોટા રિયાલિટી શો 'બિગ બોસ' તથા 'ખતરો કે ખિલાડી'માં ભાગ લીધો છે પરંતુ સાચું કહું તો મારા મતે આ રિયાલિટી શોમાં રિયાલિટી નામનું કંઈજ હોતું નથી. હવે રિયાલિટી શો પહેલેથી જ ક્રિએટ કરવામાં આવે છે. દરેક પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે અને તે પરિસ્થિતિ પ્રમાણે કેવી પ્રતિક્રિયા આપવી તે પણ નક્કી હોય છે. સાચું કહું તો દરેક વસ્તુનો નિર્ણય શોના એડિટ ટેબલ પર થાય છે. આ જ કારણ છે કે મને હવે રિયાલિટી શોમાં કોઈ જ રસ નથી.'

શોની સફળતા જાળવી રાખવી એક જવાબદારી જેવું છે
'મારા ચાહકો 'નાગિન'ની છેલ્લી બે સીઝનથી મારી રાહ જોતા હતા. અંતે મને નાગિન તરીકે જોઈને તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. હું પ્રાર્થના કરીશ કે હું તેમની અપેક્ષાઓ પર ખરી ઊતરીશ. 'નાગિન'ની દરેક સીઝન હિટ રહી છે અને આવામાં આ સફળતાને જાળવી રાખવી એક જવાબદારી છે. શૂટિંગના પહેલા દિવસે એકદમ અલગ અનુભવ થયો હતો. અત્યાર સુધી મેં ઘણાં શોમાં કામ કર્યું છે પરંતુ આ મારો પહેલો સુપરનેચરલ શો છે. આ શો પૂરી રીતે ટેક્નોલોજી બેઝ્ડ છે અને શરૂઆતમાં મારા માટે થોડી મુશ્કેલી સર્જાઈ હતી, પરંતુ હવે હું કમ્ફર્ટેબલ છું.

મેં કરિયરમાં ઘણું જ જોખમ લીધું છે
'મેં મારી કરિયરમાં ઘણું જ જોખમ લીધું છે અને મને તેની પર ગર્વ છે. ટીવીથી લઈ ફિલ્મ સુધી, વેબ સીરિઝથી શોર્ટ ફિલ્મ સુધી, હું દરેક પ્રકારના માધ્યમ સાથે જોડાઈ ચૂકી છું અને મને સારો રિસ્પોન્સ મળ્યો છે. સાચું કહું તો હું ક્યારેય ટીવીથી દૂર થવા માગતી નથી. ટીવીથી જ મેં મારી કરિયરની શરૂઆત કરી હતી અને આગળ જઈને જો સારા પ્રોજેક્ટ્સ ઓફર થયા તો આ જ માધ્યમમાં કામ કરવાનું ચાલુ રાખીશ.'

એકતા કપૂરને ક્યારેય ના પાડી શકું નહીં
એકતા કપૂરને હું ક્યારેય ના પાડી શકું નહીં. તે ઈચ્છતી હતી કે હું 'નાગિન 5'નો હિસ્સો બનું. એકતાની સાથે કામ કરવામાં સૌથી સારી વાત એ છે કે તે તમને ક્યારેય પ્રેશર આપતી નથી. તેણે મને કહ્યું હતું કે કેટલાંક એપિસોડ્સ શૂટ કર અને જો આ દરમિયાન બીજા પ્રોજેક્ટ્સ મળે તો આ સિરિયલ છોડી દેજે.'઼

'નાગિન 5' કરવો એક સારો નિર્ણય
'કોરોનાવાઈરસને ધ્યાનમાં રાખીને મને લાગે છે કે આ શોમાં કામ કરવાનો નિર્ણય સારો હતો. ફિલ્મ તથા વેબ સીરિઝના શૂટિંગ માટે તમારે અલગ-અલગ લોકેશન પર જવું પડે છે. જોકે, ટીવી શોમાં એક જ સેટ પર શૂટિંગ થાય છે. આ જ કારણે અમે વધુ સાવધાની રાખી શકીએ છીએ.'

નવા પ્રોજેક્ટ પર વાત ચાલી રહી છે
'નાગિન' ઉપરાંત અન્ય પ્રોજેક્ટ પર વાત ચાલી રહી છે પરંતુ કોરોનાવાઈરસને કારણે અત્યાર સુધી કંઈ જ ફાઈનલ થયું નથી. શૂટિંગ માટે અનેક લોકેશનની પરમિશન લેવી પડશે અને તે હાલમાં શક્ય નથી. આશા છે કે ઓક્ટોબર મહિના સુધી બધું ઠીક જાય અને હું મારા બીજા પ્રોજેક્ટ પર પણ કામ શરૂ કરી શકું.

અન્ય સમાચારો પણ છે...