તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

60+ કલાકારોને સેટ પર નો એન્ટ્રી:મુંબઈમાં શૂટિંગ બંધ થતાં એક્ટર્સ દુઃખી, કોઈને 76મા જન્મદિવસ પર કામ કરવાની ઈચ્છા તો કોઈને પૈસાની ચિંતા

મુંબઈ5 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • નટુકાકા કામ કરે કે ના કરે પ્રોડ્યૂસર અસિત મોદી દર મહિને અકાઉન્ટમાં પૈસા જમા કરાવે છે
  • અન્ય કલાકારોને કામ ના કરે તો પૈસા મળતા નથી, તેમને કમાણીની ચિંતા

મહારાષ્ટ્રમાં લૉકડાઉન વધુ 15 દિવસ માટે વધારી દેવામાં આવ્યું છે. અનેક ટીવી શોનું શૂટિંગ મહારાષ્ટ્રની બહાર થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં દિવ્ય ભાસ્કરે ટીવીના જાણીતા સીનિયર એક્ટર્સ સાથે વાત કરી હતી. તેઓ પોતાના શોને ઘણો જ મિસ કરે છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લૉકડાઉન થતાં પ્રોડ્યૂસર્સ પોતાનાી સિરિયલના 60થી વધુ ઉંમરના કલાકારોને સેટ પર હાલ પૂરતા બોલાવતા નથી.

ઘનશ્યામ નાયક (નટુકાકા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા)

કેન્સર સારવાર પૂરી થયા બાદ હું સેટ પર પરત ફર્યો ત્યારે ઘણો જ ખુશ હતો. હું મારા અંતિમ શ્વાસ સુધી કામ કરવા માગું છું. જોકે, ગયા વર્ષે બધું સારું નહોતું. પહેલાં લૉકડાઉનમાં સરકારે 65 વર્ષથી ઉપરના એક્ટર્સને શૂટિંગ કરવાની ના પાડી હતી. અમે ઈચ્છતા હોવા છતાંય કામ કરી શક્યા નહોતા. ત્યારબાદ પરિસ્થિતિ કાબુમાં આવી તો મારી તબિયત સારી નહોતી. મારી કેન્સરની સારવાર ચાલતી હતી. આ બીમારીમાંથી સાજા થયા બાદ મેં શૂટિંગ શરૂ કરી દીધું હતું. અંદાજે 4 એપિસોડ શૂટ કર્યા હતા અને ફરીથી લૉકડાઉન આવી ગયું. 12 મેના રોજ મારો 76મો જન્મદિવસ છે. આશા છે કે કોરોનાની સ્થિતિમાં સુધારો આવે અને હું મારા જન્મદિવસ પર કામે જાઉં.

આ સ્થિતિમાં પણ પ્રોડ્યૂસર અસિત મોદીએ મારી ઘણી જ મદદ કરી છે. હું શૂટિંગ કરું કે ના કરું, તે દર મહિને મારા અકાઉન્ટમાં પૈસા જમા કરે છે. ક્યારેય કોઈ વસ્તુની ઊણપ વર્તવા દેતા નથી. આ વાત માટે હું હંમેશાં તેમનો આભારી રહીશ.

અંજન શ્રીવાસ્તવ (શ્રીનિવાસ વાગલે, વાગલે કી દુનિયા 2)

મારી તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ છે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કામ કરશે. મેકર્સે જ્યારે શો ઓફર કર્યો ત્યારે જ મેં હા પાડી દીધી હતી. જોકે, હવે તે લોકો મને સેટ પર આવવાની ના પાડે છે. જુઓ, પરિસ્થિતિ એવી છે કે માત્ર સીનિયર્સને જ નહીં, પરંતુ બાળકોને પણ કોવિડ થઈ રહ્યો છે. હું ના થિયેટર કરી શકું છું, ના ફિલ્મ કે ના ટીવી. ઘણું જ દુઃખ થાય છે. સાચું કહું તો ઘરમાં બેસીને બીમાર હોઉં એવું લાગે છે. કામ કરવા માટે હંમેશાં પોઝિટિવ રહ્યો છું. આખું જીવન 3 શિફ્ટમાં કામ કર્યું છે. હવે ઘરે બેસવાનું આકરું લાગે છે. આ દરમિયાન સારી વાત એ છે કે પ્રોડ્યૂસર્સે અમારા પૈસા અટકાવ્યા નથી. અત્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરીના પૈસા મળી ગયા છે. જોકે, કામ નહીં કરીએ તો પૈસા કેવી રીતે મળશે. આ વાતને પણ અવગણી શકાય નહીં. આશા છે કે થોડાંક પૈસા મળી જાય.

અરવિંદ વૈદ્ય (હસમુખ શાહ, અનુપમા)

મને એક્ટિંગ સિવાય કંઈ જ આવડતું નથી. મારા માટે એક્ટિંગ શ્વાસ લેવા બરાબર છે. એક્ટિંગ ના કરું તો શ્વાસ લેવામાં મુશ્કેલી થાય એમ લાગે છે. જોકે, પરિસ્થિતિ જ એવી જ છે કે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માગતો નથી. 3 મેના રોજ મને 80 વર્ષ થયા. આગામી થોડાં વર્ષ સુધી મને કામ કરવાની ઈચ્છા છે. હાલમાં 'અનુપમા'ની ટીમ સિલવાસામાં છે. મેં ત્યાં જવાની ના પાડી દીધી હતી. સાચું કહું તો આ રીતે કામ વગર બેસવું મુશ્કેલ છે. ઘરમાં બેસવાની આદત નથી. મેં વેક્સિનનો એક ડોઝ લીધો છે અને નક્કી કર્યું છે કે જ્યારે ટીમ મુંબઈ પરત ફરશે ત્યારે હું સેટ પર જઈને શૂટિંગ કરીશ.

અનુપમ શ્યામ (સજ્જન સિંહ, પ્રતિજ્ઞા 2)

મારી ટીમ સિલવાસા ગઈ છે, પરંતુ મને લઈને ગઈ નથી. હાલમાં 15 દિવસ તેઓ ત્યાં શૂટ કરશે. મને વિશ્વાસ છે કે મુંબઈ પરત આવ્યા બાદ મેકર્સ મને ફરીથી સેટ પર બોલાવશે. શૂટિંગને ઘણું જ મિસ કરું છું, પરંતુ સરકારના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો શૂટિંગ નહીં કરું તો પૈસા કેવી રીતે મળશે? પૈસા પણ જરૂરી છે. એકવાર ટીમ આવી જાય તો પ્રોડ્યૂસર સાથે આ અંગે પણ વાત કરીશ.

સ્વાતિ ચિટનીસ (સુહાસિની ગોએન્કા, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ)

હું છેલ્લાં 5 વર્ષથી આ શો સાથે જોડાયેલા છું. પહેલીવાર આવું થયું કે હું આટલા દિવસો સુધી શોથી દૂર છું. 15 દિવસ થઈ ગયા અને મેં શૂટિંગ કર્યું નથી. હજી 15-20 દિવસ થશે. મારી પૂરી ટીમ ગુજરાતમાં છે અને મેં તથા પ્રોડક્શન ટીમે સાથે મળીને નક્કી કર્યું હતું કે હું ત્યાં નહીં જાઉં. જો મહારાષ્ટ્ર બહાર મને કંઈ થઈ જાય છે તો ક્યાંકને ક્યાંક પ્રોડક્શન ટીમ આના માટે જવાબદાર બને છે. હું નહોતી ઈચ્છતી કે પ્રોડક્શન ટીમને મારા કારણે કોઈ તકલીફ થાય. મારું વેક્સિનેશન થઈ ગયું છે. જોકે, ઈમ્યુનિટી ઘણી જ ઓછી છે.

ભારતી અચરેકર (રાધિકા મદન, વાગલે કી દુનિયા 2)

વેટરન એક્ટ્રેસ ભારતી અચરેકરને થોડાં દિવસ પહેલાં કોવિડ 19 થયો હતો. હાલમાં તેઓ પોતાના ઘરમાં જ રહીને સારવાર કરાવે છે. તેમની ટીમ પણ જ્યારે મહારાષ્ટ્ર પરત ફરશે, ત્યારે જ તેઓ શૂટિંગ શરૂ કરશે.