લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાનો રોલ પ્લે કરનારા શૈલેષ લોઢાએ સિરિયલ છોડી દીધી હોવાની વાત વાયુવેગે પ્રસરી ગઈ છે. જોકે, આ દરમિયાન શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ કંઈક અલગ જ વાત કરી હતી.
શું કહ્યું અસિત મોદીએ?
અસિત મોદીએ કહ્યું હતું, 'મારા તમામ એક્ટર્સ 10 વર્ષથી વધુ સમયથી આ શોમાં કામ કરી રહ્યા છે. મને ના તો ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે અને ના તો મને આ વાતની કોઈ જાણકારી છે કે શૈલેષ લોઢા સિરિયલ છોડવા માગે છે. જો કોઈ મુશ્કેલી હશે તો હું ચોક્કસથી આ અંગે વાત કરીશ. હાલમાં હું એ વાત પર ફોકસ કરી રહ્યો છું કે ઓડિયન્સને વધુ કેવી રીતે એન્ટરટેઇન કરી શકાય.'
પ્રોડ્યૂસર મનાવવા પ્રયાસો કરે છે
શૈલેષે મીડિયા સાથે કોઈ વાત કરી નથી. જોકે, સૂત્રોએ દાવો કર્યો છે કે સિરિયલમાં શૈલેષનો કોઈ ટ્રેક ના હોવાથી તેમણે શૂટિંગ કર્યું નથી. ટીમને ખ્યાલ નથી કે તે શો છોડવા અંગે વિચારે છે. કેટલાંક મુદ્દા છે, પરંતુ પ્રોડ્યૂસર આ અંગે વાત કરી રહ્યા છે. પ્રોડ્યૂસર પ્રયાસ કરે છે કે શૈલેષ માની જાય. તમે જ્યારે શોમાં 10 વર્ષથી વધુ સમય કામ કરો તો મતભેદ થઈ જાય છે. દરેક વ્યક્તિને ડેલી વર્કમાં પ્રોબ્લમ્સ હોય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તેનો ઉકેલ ના આવી શકે.
સિરિયલ છોડવાની ચર્ચા વચ્ચે શૈલેષ લોઢાની પોસ્ટ વાઇરલ
સિરિયલ છોડવાની ચર્ચા વચ્ચે શૈલેષ લોઢાએ પોતાની સાઇડ પ્રોફાઇલની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. તસવીરમાં તેમના ચહેરા પર કોઈ સ્માઇલ જોવા મળતી નથી. તેમણે તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હબીબ સોજ સાહેબનો શેર કમાલનો છે. યહાં મજબૂત સે મજબૂત લોહા ટૂટ જાતા હૈ, કઈ ઝૂઠે ઈકઠ્ઠે હોં, તો સચ્ચા ટૂટ જાતા હૈ.'
અત્યારસુધીમાં આ કલાકારો શોને અલવિદા કહી ચૂક્યા છે.
આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.